<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ગ્‍લોબલ વોર્મિંગ....તાપમાનમાં એક ડિગ્રી વધારો થતાં જ થાળીમાંથી ૧૨૦ કેલરી ઓછી થઈ જશેઃ મુખ્‍ય પાકોના પોષણમાં ૨૪% ઘટી જશે

જેમ જેમ પૃથ્‍વી ગરમ થશે તેમ તેમ ઘઉં, મકાઈ, સોયાબીન, જવ અને કસાવા જેવા મુખ્‍ય પાકોનું ઉત્‍પાદન ઘટશે

નવી દિલ્‍હીઃસમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહેલું તાપમાન હવે માત્ર આબોહવા સંકટ જ નહીં પરંતુ ખાઘ સંકટનું પણ કારણ બની રહ્યું છે. તાજેતરના એક અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે વૈશ્વિક તાપમાનમાં દર એક ડિગ્રી સેલ્‍સિયસ વધારા સાથે, દરેક વ્‍યક્‍તિની પ્‍લેટમાંથી સરેરાશ ૧૨૦ કેલરી ઓછી થશે. આ વર્તમાન દૈનિક વપરાશના લગભગ ૪.૪% છે. આંતરરાષ્ટ્રીય જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા એક અભ્‍યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે સદીના અંત સુધીમાં મુખ્‍ય પાકમાંથી કેલરીમાં ૨૪ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લાખો લોકો માટે ભૂખમરો અને કુપોષણ વધુ ખરાબ થઈ શકે છે. જો ખેડૂતો આબોહવા-અનુકૂળ પાક તકનીકો અપનાવે તો પણ આબોહવા પરિવર્તનની અસરને સંપૂર્ણપણે ટાળી શકાતી નથી.

સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટી સહિત વિશ્વની ઘણી પ્રતિષ્ઠિત સંસ્‍થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્‍યાસમાં જણાવાયું છે કે જેમ જેમ પૃથ્‍વી ગરમ થશે તેમ તેમ ઘઉં, મકાઈ, સોયાબીન, જવ અને કસાવા જેવા મુખ્‍ય પાકોનું ઉત્‍પાદન દ્યટશે. મુખ્‍ય સંશોધક પ્રો. સોલોમન હ્‍સિયાંગ કહે છે કે જો તાપમાન ત્રણ ડિગ્રી વધે તો એવું લાગશે કે આખી દુનિયાએ નાસ્‍તો છોડી દીધો છે. આ ઘટાડાથી સૌથી વધુ અસર ગરીબોને થશે, જેમાંથી ૮૦ કરોડ લોકો પહેલાથી જ ખાઘાન્‍નની અછતનો સામનો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ અભ્‍યાસ વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ તેમજ દિવસમાં બે ટંક ખાવા માંગતી દરેક વ્‍યક્‍તિ માટે ચેતવણી છે. જો અત્‍યારે જ આબોહવા પરિવર્તન પર ગંભીરતા નહીં દાખવવામાં આવે તો આવનારા દાયકાઓમાં વિશ્વની થાળી વધુ ખાલી થઈ જશે.

ખેતીનું ભવિષ્‍ય જોખમમાં છે

યુએસ મિડવેસ્‍ટ, જે આજે મકાઈ અને સોયાબીનના ઉત્‍પાદનનું કેન્‍દ્ર છે, ભવિષ્‍યમાં સૌથી વધુ અસરગ્રસ્‍ત પ્રદેશોમાંનો એક હશે. આબોહવા પરિવર્તનને કારણે તાપમાનમાં ભારે વધારો, વરસાદની પેટર્નમાં અસ્‍થિરતા અને ગરમીના મોજાની આવર્તનમાં વધારો થવાની ધારણા છે. આનાથી જમીનમાં ભેજ દ્યટશે, પરાગનયન અવરોધાશે અને પાક અકાળે પાકશે અથવા સુકાઈ જશે. તે જ સમયે, કેનેડા, રશિયા અને ચીન જેવા ઠંડા દેશોમાં થોડી રાહત મળવાની શક્‍યતા છે.

તેની અસર ૨૦૫૦ પહેલા દેખાશે

સંશોધકોએ ચેતવણી આપી છે કે ઉત્‍સર્જન વધે કે ઘટે, આબોહવા પરિવર્તનને કારણે ૨૦૫૦ સુધીમાં પાક ઉત્‍પાદનમાં ૮% ઘટાડો થવાની ધારણા છે. આનું કારણ એ છે કે કાર્બન ડાયોક્‍સાઇડ જેવા વાયુઓ સેંકડો વર્ષો સુધી વાતાવરણમાં રહે છે અને આબોહવાને અસર કરતા રહે છે. નિષ્‍ણાતો માને છે કે જો વૈશ્વિક કાર્બન ઉત્‍સર્જન ઝડપથી ઘટાડવામાં આવે અને ખેડૂતોને આબોહવા-અનુકૂળ કૃષિ તકનીકો, સંસાધનો અને સહાય આપવામાં આવે તો મોટાભાગનું નુકસાન ટાળી શકાય છે. પરંતુ આ માટે વૈશ્વિક સ્‍તરે નીતિગત ઇચ્‍છાશક્‍તિ અને ઝડપી કાર્યવાહીની જરૂર છે

(11:52 AM IST)