<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

આલેલે..પાકિસ્તાનના લાહોરમાં પાલતુ સિંહ દિવાલ ઠેકી બહાર આવી ગયો: આતંક મચાવ્યો: મહિલા અને બાળકો ઘાયલ: માલિકની ધરપકડ

લાહોર: પાકિસ્તાનના લાહોર શહેરમાં ૨ જુલાઈની સાંજે એક પાલતુ સિંહ દિવાલ કૂદીને રસ્તા પર આવી ગયો અને એક મહિલા તથા તેના બે નાના બાળકો પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા. આ ઘટના બુધવારે રાત્રે બની, જ્યારે સિંહ તેના પિંજરામાંથી છટકીને એક રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો અને ત્યાં હાજર મહિલા અને તેના પાંચ અને સાત વર્ષના બાળકો પર તૂટી પડ્યો. પોલીસે સિંહના માલિકની ધરપકડ કરી છે અને તેની સામે લાપરવાહી અને લાયસન્સ વગર સિંહ રાખવા બદલ કેસ નોંધ્યો છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સિંહને દિવાલ કૂદીને વિસ્તારમાં પ્રવેશતા અને લોકો પર હુમલો કરતા જોઈ શકાય છે. આ હુમલામાં મહિલા અને બાળકોના ચહેરા અને હાથ પર ઈજાઓ થઈ છે. પોલીસ રિપોર્ટ મુજબ, બાળકોના પિતાએ જણાવ્યું કે સિંહનો માલિક ઘટનાસ્થળે હાજર હતો, પરંતુ તેણે સિંહને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. અને તમાશો જોતો રહ્યો હતો. થોડા સમય પછી સિંહ પોતે જ તેના માલિકના ફાર્મહાઉસ પાછો ફર્યો, જ્યાંથી તેને પોલીસ અને વન્યજીવ અધિકારીઓએ પકડીને ઝૂ પાર્ક પહોંચાડી દીધો છે.

પાકિસ્તાનમાં ઘણા ધનાઢ્ય લોકો સિંહ, વાઘ, દીપડા જેવા ખતરનાક અને વિદેશી પ્રાણીઓને પાળવાને સ્ટેટસ સિમ્બોલ માને છે. તેઓ તેને તાકાત અને સંપત્તિનું પ્રતીક પણ ગણે છે. જોકે, આ માટે કાયદેસર પરમિટ અને મોટી ફી ચૂકવવી પડે છે. આ ઉપરાંત સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવી પણ અનિવાર્ય છે, પરંતુ મોટાભાગના લોકો આ નિયમોની અવગણના કરે છે. પાકિસ્તાનમાં "બિગ કેટ" પ્રજાતિના પ્રાણીઓને કાયદેસર રીતે પાળવા માટે તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને દરેક પ્રાણી માટે એકવારમાં પચાસ હજાર પાકિસ્તાની રૂપિયા (લગભગ એક સો છ્યાસી અમેરિકન ડોલર) ફી ચૂકવવી પડે છે. નિયમ મુજબ, આવા ખતરનાક પ્રાણીઓને માત્ર શહેરની બહાર જ રાખી શકાય છે.

આ ઘટના બાદ પંજાબમાં અધિકારીઓએ ગેરકાયદેસર રીતે વન્યજીવો રાખનારાઓ સામે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, તેમણે અત્યાર સુધીમાં પાંચ લોકોને ધરપકડ કરી છે અને ૧૩ સિંહ કબજે લીધા છે. લાહોરમાં વન્યજીવ કાયદાઓમાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ આવા ગુનામાં દોષિત ઠેરવવામાં આવે તો સાત વર્ષ સુધીની જેલ અને પચાસ લાખ પાકિસ્તાની રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ જ વર્ષે જાન્યુઆરીમાં એક પાકિસ્તાની યુટ્યુબર રાજબ બટને લાયસન્સ વગર સિંહનું બચ્ચું પાળવાના ગુનામાં સજા તરીકે પશુ કલ્યાણ સંબંધિત વીડિયો બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજબે ડિસેમ્બરમાં તેના લગ્ન દરમિયાન સિંહના બચ્ચા સાથે તસવીર ખેંચાવી હતી. રાજબને આ સિંહનું બચ્ચું ઉમર ડોલા નામના બીજા યુટ્યુબરે ભેટમાં આપ્યું હતું. કોર્ટે આદેશ આપ્યો છે કે બટ આવતા એક વર્ષ સુધી દર મહિને પાંચ મિનિટનો વીડિયો બનાવીને તેના દર્શકોને પ્રાણીઓના અધિકારો અને દેખભાળ વિશે માહિતી આપશે...

(5:29 PM IST)