<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રશિયાના પરિવહન પ્રધાન રોમન સ્ટારોવોઈટનો આપઘાત: ભ્રષ્ટાચાર અને યુક્રેન હુમલાઓ સાથે જોડાણ: થોડા કલાકો પહેલા જ પુતીને કોઈ પણ કારણ વિના તેમની હકાલ પટ્ટી કરી હતી

મોસ્કો: રશિયાના પૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોઈટે સોમવારે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ છે. રશિયાની ટાસ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને કોઈ કારણ જણાવ્યા વિના થોડા કલાકો પહેલા જ પદ પરથી બરતરફ કર્યા હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા.

 

અધિકારીઓએ જણાવ્યું કે સ્ટારોવોઈટ મોસ્કો નજીક ઓડિન્ટસોવોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલ આ ઘટના અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે સ્ટારોવોઈટનો મૃતદેહ તેમની કારમાંથી મળી આવ્યો હતો.

 

પદ પરથી હટાવવાનું કારણ: યુક્રેનિયન ડ્રોન હુમલા અને ભ્રષ્ટાચાર: રશિયન મીડિયા અહેવાલો અનુસાર, સ્ટારોવોઈટને બરતરફ કરવાનું મુખ્ય કારણ ૫-૬ જુલાઈના રોજ થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલાઓને માનવામાં આવી રહ્યું છે. આ હુમલાઓને કારણે દેશભરમાં લગભગ ૩૦૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. યુક્રેનિયન હુમલાઓમાં રશિયાના ઉસ્ત-લુગા બંદરગાહ પર એક ટેન્કરમાં પણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ૬ જુલાઈના રોજ એમોનિયાનો રિસાવ થયો હતો અને પરિસ્થિતિ વધુ વણસી હતી.

 

આ ઉપરાંત, સ્ટારોવોઈટની બરતરફીને કુર્સ્ક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કેસો સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. સ્ટારોવોઈટ પરિવહન મંત્રી બનતા પહેલા પાંચ વર્ષ સુધી યુક્રેનની સરહદે આવેલા કુર્સ્ક ક્ષેત્રના ગવર્નર હતા. તેમના ગવર્નર પદ છોડ્યાના થોડા મહિના પછી જ યુક્રેનિયન સૈનિકોએ ત્યાં હુમલો કર્યો હતો, જે બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા પરનો સૌથી મોટો વિદેશી હુમલો હતો. તે જ સમયે સ્ટારોવોઈટ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.

 

સ્ટારોવોઈટ પછી કુર્સ્કના નવા ગવર્નર એલેક્સી સ્મિર્નોવ પર એપ્રિલમાં નાણાકીય ગેરરીતિનો આરોપ લાગ્યો હતો.

 

સ્ટારોવોઈટના સ્થાને ભૂતપૂર્વ ગવર્નર આન્દ્રે નિકિતિનને કામ ચલાવ ધોરણે રશિયાના  પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

(10:06 PM IST)