<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

બ્રાઝિલના સર્વોચ્‍ચ રાષ્‍ટ્રીય પુરસ્‍કારથી સન્‍માનિત થવું એ માત્ર મારા માટે જ નહિ પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે ગર્વ અને ભાવનાની ક્ષણ

ભારત-બ્રાઝિલ વચ્‍ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા અને વૈશ્‍વિક મંચ પર સહયોગ વધારવા અંતે દ્વિપક્ષીય ચર્ચા બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લીધો અને અન્‍ય વૈશ્‍વિક નેતાઓ સાથે બેઠક યોજી બ્રાઝીલની મુલાકાત બાદ આફ્રિકન દેશ નામિબિયાની યાત્રા પર જશે

નવી દિલ્‍હી, તા.૯: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ૫ દેશોના પ્રવાસ પર છે અને બ્રાઝિલની તેમની મુલાકાત દરમિયાન, તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન, ગ્રાન્‍ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. બ્રાઝિલના રાષ્‍ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્‍વાએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને મુખ્‍ય વૈશ્વિક મંચો પર ભારત અને બ્રાઝિલ સહયોગ વધારવામાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ પીએમ મોદીને આ સન્‍માન આપ્‍યું હતું.

બ્રાઝિલનું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન પ્રાપ્ત કર્યા બાદ, પીએમ મોદીએ રાષ્‍ટ્રપતિ લુલા સાથે પ્રતિનિધિમંડળ સ્‍તરની વાતચીત બાદ કહ્યું, ‘આજે રાષ્‍ટ્રપતિ દ્વારા બ્રાઝિલના સર્વોચ્‍ચ રાષ્‍ટ્રીય પુરસ્‍કારથી સન્‍માનિત થવું એ માત્ર મારા માટે જ નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે પણ ખૂબ ગર્વ અને ભાવનાનો ક્ષણ છે.' તેમણે વધુમાં કહ્યું, ‘હું તેમનો (રાષ્‍ટ્રપતિ લુલા), બ્રાઝિલ સરકાર અને બ્રાઝિલના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.'

મે ૨૦૧૪ માં વડા પ્રધાન બન્‍યા પછી મોદીને વિદેશી સરકાર દ્વારા આપવામાં આવેલું આ ૨૬મું આંતરરાષ્‍ટ્રીય સન્‍માન છે. પીએમ મોદી બ્રાઝિલના રાષ્‍ટ્રપતિ લુલાના આમંત્રણ પર બ્રાઝિલની રાજ્‍ય મુલાકાતે હતા. તેમનો બ્રાઝિલ પ્રવાસ પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી તેમના પ્રવાસના છેલ્લા તબક્કા માટે રવાના થશે. બ્રાઝિલથી, તેઓ આફ્રિકન દેશ નામિબિયાની મુલાકાત લેશે.

પીએમ મોદી અને રાષ્‍ટ્રપતિ લુલાએ (સ્‍થાનિક સમય) બ્રાઝિલિયાના અલ્‍વોરાડા પેલેસ ખાતે મુલાકાત કરી હતી. અગાઉ, ગઈકાલે બ્રાઝિલના અલ્‍વોરાડા પેલેસમાં પીએમ મોદીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ રાષ્‍ટ્રપતિ લુલા સાથે મુલાકાત કરી હતી અને રિયો ડી જાનેરોમાં બ્રિક્‍સ સમિટમાં હાજરી આપી હતી. બ્રિક્‍સ સમિટ ઉપરાંત, પીએમ મોદીએ ઘણા વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો પણ કરી હતી.

આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બ્રાઝિલ બંને આતંકવાદ સામે ચાલી રહેલા યુદ્ધમાં એક સમાન અભિગમ ધરાવે છે -‘શૂન્‍ય સહિષ્‍ણુતા અને શૂન્‍ય બેવડા ધોરણોૅ અને બંને દેશો વચ્‍ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધતો સહયોગ પણ ‘ઊંડા પરસ્‍પર વિશ્વાસનું પ્રતીક છે.'

રાષ્‍ટ્રપતિ લુલા સાથેના સંયુક્‍ત પ્રેસ નિવેદન દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, ‘આતંકવાદ સામેની લડાઈમાં અમે એક સમાન અભિગમ ધરાવીએ છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે આતંકવાદના કિસ્‍સામાં બેવડા ધોરણો માટે કોઈ સ્‍થાન નથી. અમે આતંકવાદ અને તેને સમર્થન આપનારા બંનેનો સખત વિરોધ કરીએ છીએ.'

પીએમ મોદીએ કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં આપણો વધતો સહયોગ અમારા બંને દેશો વચ્‍ચેના ઊંડા પરસ્‍પર વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા સંરક્ષણ ઉદ્યોગોને જોડવા અને આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના અમારા પ્રયાસો ચાલુ રાખીશું. કળત્રિમ બુદ્ધિ અને સુપર કોમ્‍પ્‍યુટરના ક્ષેત્રમાં અમારો સહયોગ સતત વધી રહ્યો છે. આ સમાવિષ્ટ વિકાસ અને માનવ-કેન્‍દ્રિત નવીનતા માટેના આપણા સહિયારા દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

મીટિંગ દરમિયાન, પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા અને ભારતના લોકો સાથે એકતા વ્‍યક્‍ત કરવા બદલ રાષ્‍ટ્રપતિ લુલાનો આભાર માન્‍યો. પીએમ મોદીએ એ પણ પુનઃપુષ્ટિ કરી કે ભારત તેના તમામ સ્‍વરૂપો અને અભિવ્‍યક્‍તિઓમાં આતંકવાદ સામે લડવાના તેના સંકલ્‍પમાં અડગ છે. રાષ્‍ટ્રપતિ લુલાએ આતંકવાદના ખતરા સામેના સંઘર્ષમાં પોતાનો સંપૂર્ણ ટેકો પણ વ્‍યક્‍ત કર્યો

(11:32 AM IST)