<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યુ: તપાસ હાથ ધરવા આદેશ આપ્યા

ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી

અમદાવાદ : આજે સવારે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 6થી વધુને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે તંત્ર દ્વારા રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા અને કારણો સાથેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છેકે, આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.

તેમણે વધુમાં લખ્યું છેકે, દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. આ માટે ચીફ એન્જિનિયર - ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.

(1:47 PM IST)