News of Wednesday, 9th July 2025
ગુજરાત પોલીસનો નશા સામે સપાટો : રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ : શાળાઓ નજીકના સ્ટોર્સ ખાસ નિશાન પર!
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી બપોરે ૧૨ વાગ્યાથી રાજ્યવ્યાપી અભિયાન શરૂ : સુરતમાં ૧૦૮ કોડીન સીરપ અને આલ્પ્રામાઝોલની બોટલો જપ્ત : વલસાડમાં NDPS સહિત ૪૫ કેસ દાખલ : અન્ય જિલ્લાઓમાં પણ તપાસનો ધમધમાટ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે ગુજરાત પોલીસે આજે બપોરે ૧૨ વાગ્યાથી રાજ્યવ્યાપી મેગા ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સીધી સૂચનાથી શરૂ કરાયેલા આ અભિયાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ સંકલનમાં રહીને DYSP/DCP ના સુપરવિઝન હેઠળ મેડિકલ સ્ટોર્સ પર તવાઈ બોલાવી રહ્યા છે.
અભિયાનનો મુખ્ય ઉદ્દેશ:
આ ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે. આ ઉપરાંત, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણ પર પણ લગામ કસવાનો છે. ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલા મેડિકલ સ્ટોર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, કારણ કે આવા વિસ્તારોમાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.
કાર્યવાહીનો વ્યાપક ફેલાવો:
આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઇનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ ચાલી રહ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકિંગ કરી રહ્યા છે.
જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં Amidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine, Furazolidone, Oxyphenbutazone તેમજ Metronidazole જેવી દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહીના આંકડા (સાંજે ૪ વાગ્યા સુધી):
બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થયેલા આ રાજ્યવ્યાપી ચેકિંગ અભિયાન અંતર્ગત સાંજે ચાર વાગ્યા સુધીના આંકડા મુજબ:
* વલસાડ જિલ્લા: ૨૮૨ મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધરાયું, જેમાં એક NDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ ૪૫ કેસ નોંધવામાં આવ્યા છે.
* સુરત શહેર: ૩૩૩ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું. એક મેડિકલ સ્ટોરમાંથી ૯૩ કોડીન સીરપ અને અન્ય એક મેડિકલ સ્ટોરમાંથી ૧૫ કોડીન સીરપ તથા પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
* પાટણ જિલ્લા: ૬૧ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* નવસારી: ૧૮૪ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* જામનગર: ૬૬ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* ભરૂચ જિલ્લા: ૨૫૮ સ્થળોએ ચેકિંગ.
* આહવા ડાંગ: ૨૩ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* દાહોદ જિલ્લા: ૧૨૯ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* પંચમહાલ જિલ્લા: ૧૧૨ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ.
* ગાંધીનગર જિલ્લા: ૩૧૭ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ હાથ ધરાયું હતું.
આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે અને મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહેશે, જે નશાના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવાના પોલીસના સંકલ્પને દર્શાવે છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
