હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર : ઈરાનના વરિષ્ઠ અધિકારીની ટ્રમ્પને ધમકી, "ડ્રોનથી કરાશે હત્યા, માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી!"
૨૨ જૂને અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલા બાદ શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું : ઈરાની નાગરિકોમાં રોષ : ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરાયું હોવાનો પણ દાવો

તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ઈરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના સલાહકાર અને મોટા રાજકીય હસ્તી ગણાતા જાવેદ લારીજાનીએ ડરામણા અંદાજમાં ચેતવણી આપી છે કે, ટ્રમ્પને તેમના કર્મોની સજા ભોગવવી પડશે અને તેઓ ફ્લોરિડા સ્થિત પોતાના મકાન માર-એ-લાગોમાં પણ સુરક્ષિત નથી.
"ડ્રોન આવશે ને ટ્રમ્પને ખતમ કરી નાખશે":
લંડન સ્થિત ઈરાન ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર, લારીજાનીએ ઈરાની સરકારી ટેલિવિઝન પર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "ટ્રમ્પે એવું કર્યું છે કે, તેઓ હવે માર-એ-લાગોમાં તડકો પણ નહીં ખાઈ શકે. જ્યારે તેઓ ધૂપમાં સૂતા હશે, ત્યારે ત્યાં એક નાનો ડ્રોન જઈને તેમને ખતમ કરી શકે છે, જે એકદમ સરળ છે." આ નિવેદન ૨૨ જૂનના રોજ અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને વધુ ઉગ્ર બનાવશે.
અમેરિકી હુમલાથી ઈરાની નાગરિકોમાં રોષ:
જાવેદ લારીજાનીએ ભારપૂર્વક કહ્યું કે, "ટ્રમ્પના કર્મોએ તેમને પોતાને જ નિશાન પર લાવી દીધા છે." અમેરિકાએ ૨૨ જૂને ઈરાનના ત્રણેય પરમાણુ ઠેકાણાઓ પર ૩૦,૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યા હતા, જેના કારણે ઈરાની નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને કારણે ઈરાન હજુ પણ ગુસ્સે ભરાયેલું છે અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે આ ધમકીઓને જોવામાં આવી રહી છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે ૧૨ દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ આ નવું ઘર્ષણ વધુ ચિંતા જગાવી રહ્યું છે.
ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલરનું ઈનામ?:
આ ધમકીઓ વચ્ચે એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ 'બ્લડ પૈક્ટ' અથવા ફારસીમાં 'અહદે ખૂન' લોન્ચ થયા બાદ ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલર (અંદાજે ૮૩૦ કરોડ રૂપિયા) નું ઈનામ જાહેર કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્લેટફોર્મ ખામેનેઈની મજાક ઉડાવનારાઓ અને ધમકી આપનારાઓનો વિરોધ કરવા માટે બનાવાયું છે. ૭ જુલાઈની સાંજ સુધીમાં આ પ્લેટફોર્મે ૨ કરોડ ડોલરથી વધુની રકમ એકઠી કરી હોવાનો દાવો કરાયો હતો, જે ૮ જુલાઈએ ૨.૭ કરોડ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પની હત્યા માટે ૧૦ કરોડ ડોલરની રકમ એકઠી કરવાનો છે.
આ ધમકીઓ અને તેના પર ઉભા થયેલા દાવાઓ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
