<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પતિએ પત્‍નીને આપ્‍યો ૫૦ હજારનો મોંઘો ફોનઃ સિમ કાર્ડ નાખતા જ રાજકોટ પોલીસ આવી પહોંચી

આ મોબાઈલથી એક સાયબર ક્રાઈમ થયો છેઃ પોલીસે પુરાવા આપ્‍યાઃ દંપતીને લાગ્‍યો મોટો ઝટકો

 

કોલકાતા તા.૧૦: કોલકાતાના એક વકીલને પોતાની પત્‍નીની ગિફ્‌ટમાં ૫૦ હજાર રૂપિયાનો એક મોબાઈલ આપવો બહુ ભારે પડ્‍યો છે. તેમનું કહેવું છે કે પત્‍નીએ જેવો મોબાઈલ ચાલુ કર્યો અને તેમાં સિમ કાર્ડ નાખ્‍યું, તેના થોડા દિવસ બાદ ગુજરાતની રાજકોટ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ. પોલીસનું કહેવું છે કે, આ મોબાઈલથી એક સાયબર ક્રાઈમ થયો છે. જેની તપાસ ગુજરાત પોલીસ અને કોલકાતા પોલીસ સંયુક્‍ત રીતે કરી રહી છે.

કોલકાતા પોલીસના જણાવ્‍યા અનુસાર, આ મોબાઈલ ફોન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મિશન રો એક્‍સટેન્‍શન અંતર્ગત એક દુકાનમાંથી ૪૯ હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. વકીલે કહ્યું કે, જ્‍યારે તેણે મોબાઈલ ખરીદ્યો હતો, ત્‍યારે તે એકદમ સીલપેક હતો અને દુકાનદારે મોબાઈલ ખરીદતી વખતે જીએસટી બિલ પણ આપ્‍યું હતું.

જો કે, વકીલની પત્‍નીએ જ્‍યારે તે મોબાઈલ વાપરવાનું શરૂ કર્યું તો તેના થોડા દિવસ બાદ ગુજરાત પોલીસ તેમના દરવાજે આવી પહોંચી. ગુજરાત પોલીસે આરોપ લગાવ્‍યો કે, આ મોબાઈલનો ઉપયોગ તેના વેચાણ પહેલા સાયબર ક્રાઈમ માટે થયો હતો.

સેન્‍ટ્રલ કોલકાતાના દંપતી જેમને એવું લાગતું હતું કે, તેમણે એક નવો મોબાઈલ ખરીદ્યો છે, જ્‍યારે ગુજરાતની રાજકોટ પોલીસના અધિકારીઓએ આ દંપતીને પુરાવા બતાવ્‍યા અને તેમના મોબાઈલનો IMEI નંબર એક સાયબર ક્રાઈમ માટે ઉપયોગ થયેલા ફોન સાથે મિલાવ્‍યો તો દંપતીના હોશ ઊડી ગયા. વકીલે ગુજરાત પોલીસને કહ્યું કે, અમે તો ચોંકી ગયા, જ્‍યારે ગુજરાત પોલીસે અમારો ફોન સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયો હોવાની વાત કહી.

આ મામલો સામે આવ્‍યા બાદ દંપતી હરે સ્‍ટ્રીટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં દુકાનદાર પર આરોપ લગાવ્‍યો કે તેણે એક જૂના ફોનને નવો બનાવીને તેમને વેચ્‍યો. જેનો ઉપયોગ પહેલાથી અપરાધિક ગતિવિધિઓ માટે થઈ ચૂકયો છે.(૩૮.૧૨)

(10:12 AM IST)