<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

યમનમાં હત્યા મામલે કેરલની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી પર રોક લાગશે કે નહીં :14મીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સેવ નિમિષા પ્રિયા એક્શન કાઉન્સિલ નામના એક સંગઠને કેન્દ્રને રાજનીતિક માધ્યમોથી યમનમાં ભારતીય નર્સની મુક્તિ માટે આ અપીલ કરી

નવી દિલ્હી :યમનમાં હત્યા મામલે દોષી જાહેર થયેલ કેરલની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી પર રોક લગાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. પ્રિયાને યમનની એક નાગરિકના હત્યાના આરોપમાં 16 જુલાઈએ ફાંસી આપવામાં આવે તેવી આશંકા છે. યમનની કોર્ટે નિમિષાને 2020 માં ફાંસીની સજા સંભળાવી હતી.

 

જજ સુધાંશુ ધુલિયા અને જજ જોયમાલ્યા બાગચીની બેન્ચે પહેલા 14 જુલાઈના રોજ સુનાવણી કરવા સહમતિ દર્શાવી હતી. જો કે ફાંસીની તારીખ 16 હોવાથી વહેલા સુનાવણી માટે વિનંતી કરવામાં આવી હતી. સેવ નિમિષા પ્રિયા એક્શન કાઉન્સિલ નામના એક સંગઠને કેન્દ્રને રાજનીતિક માધ્યમોથી યમનમાં ભારતીય નર્સની મુક્તિ માટે આ અપીલ કરી છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ભારત 16 જુલાઈએ થનાર ફાંસીને રોકવા માટેના પ્રયાસોમાં છે. આ મામલે તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ યમનના અધિકારીઓ અને નિમિષાના પરિવાર સાથે સંપર્કમાં છે.

 

નિમિષા પ્રિયા 2008 માં યમન ગઈ હતી. તેણે સનાની ઘણી હોસ્પિટલોમાં નર્સ તરીકે કામ કર્યું. 2015 માં તલાલ અબ્દો મેહદી સાથે તેણે ક્લિનિક ખોલ્યું. નિમિષાના પરિવારનો દાવો છે કે તલાલે તેમની સાથે છેતરપિંડી કરી, આવકનો તેનો હિસ્સો ચૂકવ્યો નહીં અને તેમનો પાસપોર્ટ જપ્ત કર્યો. નિમિષાએ તલાલને બેભાન કરવા માટે સેડેટિવ દવાનું ઇન્જેક્શન આપ્યું જેથી તે તેનો પાસપોર્ટ પાછો મેળવી શકે, પરંતુ ઓવરડોઝને કારણે તલાલનું મોત થયું. નિમિષા અને તેના એક યમન સાથી હનને તલાલના શરીરને ટુકડા કરી પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા.

(1:57 PM IST)