News of Thursday, 10th July 2025
પારિવારિક મૂલ્યો અને સંબંધોની મધુરતાને ઉજાગર કરશે ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ'
ગુજરાતી સિનેમામાં તા. ૧૮ જુલાઇના રોજ ઉમેરાશે એક નવો અધ્યાય : પરિવારથી મોટું સુખ કોઇ નથી, પારિવારીક મૂલ્યોની વાત કરતી અદ્ભૂત સફર એટલે ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' : ફિલ્મના ક્રિએટીવ પ્રોડયુસર, જાણીતા લેખક અને પત્રકાર આશૂ પટેલ : આ ફિલ્મ અમદાવાદ, માધવપુર ઘેડ (જયાં કૃષ્ણએ રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા) અને વૃંદાવન સહિતના વિવિધ સ્થળોએ ફિલ્મ શૂટ કરવામાં આવી છે. વૃંદાવનમાં ભગવાનનું મુખારવિંદ, ગિરિરાજજી પરિક્રમા માર્ગ, ચંદ્ર સરોવર, વિશ્રામ દ્યાટ સહિત અનેક જગ્યાઓ દર્શાવાઇ છે. ‘પ્રેક્ષકોએ પાયરેટેડ ફિલ્મો ન જોઇ થિયેટરમાં જવું જ જોઇએ. ગુજરાતી ભાષાનું સ્વાભિમાન હોવું જરૂરી છે. : ફિલ્મમાં પિતા, પુત્ર, વહુ, કાકા-મામા-માસા-ફઇ-ફુવા-ભાણેજ સહિત બધાને વણી લેવાયા છે. કુલ ૩૫ : જેટલા કલાકારો ત્રણ પેઢી સાથે બેસી જોઇ શકે તેવી આ ફિલ્મ

આગામી તા. ૧૮ જુલાઇએ ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' રજુ થવા જઇ રહી છે. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્મના કલાકારો મનોજ જોશી, ડિરેકટર ચંદ્રેશ ભટ્ટ, જાણીતા લેખક અને પત્રકાર આશુ પટેલ, કોમલ ઠાકર, ગૌરવ પાસવાલા, સુનિલ વિશ્રાણી, અદિતિ અને અંગિરા વ્યાસ, ભાવિની જાની, જીહાન રાઠોડ, અંકુર અઢિયા (વેરાવળ), સંજય ભટ્ટ (રાજકોટ સહિતના નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરિયા) : આજે ગુજરાતીમાં ગુણવત્તા સભર ફિલ્મો બનવી અનિવાર્ય છે : મનોજ જોશી
રાજકોટ, તા.૦૯ : આગામી ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રિલીઝ થનારી ગુજરાતી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ'એ માત્ર એક કૌટુંબિક ડ્રામા નથી, પરંતુ પરંપરાઓ અને આધુનિકતાના સંગમ વચ્ચે સંબંધોની અતૂટ ભાવનાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી યાત્રા છે. ચંદ્રેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ નવનીતરાય સંઘવી અને તેમના પરિવારની વાર્તાને ગૂંથે છે જે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવવા આતુર છે. ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' ના ક્રિએટિવ પ્રોડ્યુસર જાણીતા જર્નાલિસ્ટ આશુ પટેલ અને સમગ્ર સ્ટાર કાસ્ટ અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને ફિલ્મ વિશે રસપ્રદ ચર્ચા કરી હતી.
હિન્દી અને ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર મનોજ જોશી સંઘવી એન્ડ સન્સમાં પરિવારના મોભીના રોલમાં જોવા મળશે. તેઓએ જણાવ્યું હતું કે, મારું પાત્ર નવનીતરાય સંઘવીનું છે. જે ઘરના વડીલ છે અને તેનો પરિવાર દિકરા, દિકરી, જમાઇ, બાળકો સહિત લગભગ ૩૫ લોકોનો છે. આજે સંયુક્ત પરિવાર થોડા વિભક્ત પરિવાર થવા માંડ્યા છે ત્યારે સંયુક્ત પરિવાર તો બધાને ખ્યાલ છે પણ આ સંયુક્ત પરિવારની અંદર જે મત ભેદ હોય પણ મનભેદ ન હોવા જોઇએ. એક બીજાના મતનું સન્માન કરવું જોઇએ આજ ઉદાહર આ સંઘવી એન્ડ સન્સ ફિલ્મમાં આપેલું છે. બે ભાઇઓનો પ્રેમ, બાપ, મા, દીકરી નો પ્રેમ, જમાઇનું ઘર પ્રત્યેનું વલણ સહિત દરેક વસ્તુ ચંદ્રેશભાઇ ભટ્ટે વણી લીધી છે. જાણે બોલીવુડના સૂરજ બડજાત્યા જેવી આ ફિલ્મ બની છે. જોકે તેમાં બાગબા ફિલ્મો જેવી છાંટ પણ દેખાશે. જોકે હિન્દી ફિલ્મ કક્ષાની ફિલ્મ બનાવવાનો બહુજ સુદ્રઢ પ્રયત્ન કર્યો છે. મનોજ જોશીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતનું ખુબ સુંદર લોકેશન માધુપુર જયાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા તેનું જે રીતે ચિત્રિકરણ કરાયું છે તે અદભૂત છે. ફિલ્મમાં વૃંદાવન અને ગૌવર્ધનની પરિક્રમાં કરવા પણ મળશે. દરેક લોકો ફિલ્મ પરિવાર સાથે થિયેટરમાં જઇ અવશ્ય જોવે. આજે ગુજરાતીમાં ગુણવત્તા સભર ફિલ્મો બનવી અનિવાર્ય છે. સ્વચ્છ, સુંદર અને મનને પ્રસન્ન કરતી આપણી ભાષાની ગુજરાતી ફિલ્મો છે. પ્રેક્ષકોએ પાયરેટેડ ફિલ્મો ન જોઇ થિયેટરમાં જવું જ જોઇએ. ગુજરાતી ભાષાનું સ્વાભિમાન હોવું જરૂરી છે. ભાષા એ આપણું વૈભવ છે. મા, માટી અને માતૃભાષાનું જતન કરવું, પ્રેમ કરવો અનિવાર્ય છે.
‘સંઘવી એન્ડ સન્સ' ગુજરાતી સિનેમામાં એક નવો અધ્યાય ઉમેરશે તેવી આશા છે જે પારિવારિક મૂલ્યો અને સંબંધોની મધુરતાને ફરીથી ઉજાગર કરશે. આ ફિલ્મ ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રીલિઝ થવા જઇ રહી છે અને દર્શકોને એક ભાવનાત્મક અને યાદગાર અનુભવ ચોક્ક્સ પ્રદાન કરશે. ફિલ્મના લેખક, ડિરેક્ટર ચંદ્રેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, આ ફિલ્મ અમદાવાદ, માધવપુર ઘેડ (જયાં કૃષ્ણએ રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા) અને વૃંદાવન સહિતના વિવિધ સ્થળોએ શૂટ કરવામાં આવી છે. વૃંદાવનમાં ભગવાનનું મુખારવિંદ, ગિરિરાજજી પરિક્રમા માર્ગ, ચંદ્ર સરોવર, વિશ્રામ ઘાટ સહિત અનેક જગ્યાઓ દર્શાવાઇ છે. જે ફિલ્મને એક ભવ્ય અને વાસ્તવિક પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. ફિલ્મમાં એક સીન છે જેમાં મનોજ જોશી એટલેકે નવનીતરાય સંઘવી આખા પરિવારને વૃંદાવન લઇ જાય છે. ચંદ્રેશભાઇએ કહ્યું કે, ફિલ્મ બનાવવી સહેલી છે પણ તેને પ્રસ્તુત કરવી, રજુ કરવી ખુબ અઘરી છે. આ ફિલ્મમાં પ્રોડ્યુસર્સ રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા (વેરાવળ), હિત દોશી, સંજય ભટ્ટ (રાજકોટ) અને આનંદ ખમાર તથા ક્રિએટિવ પ્રોડ્યુસર જાણીતા જર્નાલિસ્ટ આશુ પટેલ છે.
ચંદ્રેશભાઇએ કહ્યું કે, સંઘવી એન્ડ સન્સની વાર્તાનો વિચાર કોરોનાકાળમાં આવેલો. આજના ભાગદોડથી ભરેલા જીવનમાં ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયેલા પારિવારિક મૂલ્યોનું મહત્વ લોકો યાદ કરે છે. કોરોનાકાળે આપણને બધાને એક સંદેશ આપ્યો હતો કે જીવનમાં કપરા સમયમાં નામ, પૈસા, મોભો આ બધાથી જો ઉપર કંઈ હોય તો એ છે પરિવાર અને આપ્તજનોનો પ્રેમ અને સાથ છે. ફિલ્મમાં પિતા, પુત્ર, વહુ, કાકા-મામા-માસા-ફઇ-ફુવા-ભાણેજ સહિત બધાને વણી લેવાયા છે. બાળકોથી માંડીને મોટેરા કલાકારો સાથે કામ કરવાની ઘણી જ મજા આવી. ફિલ્મમાં ૩૫ જેટલા કલાકારો છે અને તમામ કલાકારોને ફિલ્મમાં પૂરતો રોલ આપવામાં આવ્યો છે.
સંઘવી એન્ડ સન્સ ફિલ્મમાં એવું શું છે જે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં દર્શાવાયું નથી? ચંદ્રેશભાઇએ જણાવ્યું કે, ટેક્નીકલ ભવ્ય, લાર્જેબલ લાઇટ, બીગ સ્કેલ સાથે ટેક્નીકલી સાઉન્ડ ફિલ્મ ઉપરાંત પહેલી વખત ગુજરાત બહાર ૧૮૦ લોકોના યુનિટ સાથે વૃંદાવનમાં શૂટીંગ કરાયું છે. આ ફિલ્મનું શૂટીંગ ૨૦ જુલાઇ ૨૦૨૪ ના શરૂ થયું હતુ જોકે અમારી શ્રધ્ધા એક કલાક માટે પણ વરસાદ અમને ક્યાંય નડ્યો નથી. આ એક સફળતા પૂર્વક સીમ સાઉન્ડ ફિલ્મ બની છે.
ફિલ્મમાં ભાભુનો રોલ કરતા ભાવિનીબેન જાનીએ જણાવ્યું હતું કે, અમે ફિલ્મમાં પડદા પર નહીં પણ સાથે રહીને એ પારિવારીક કિંમત જીવ્યા છીએ અને કૃષ્ણમય થયા. જયારે ફિલ્મમાં આદિત્ય સંઘવી નો રોલ ભજવતા ગૌરવ પાસવાલાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પારિવારિક દ્રશ્યો જે રીતે દર્શાવાયા છે મારા ખ્યાલથી અન્ય કોઇ ગુજરાતી ફિલ્મમાં નથી દર્શાવાયા. આ ફિલ્મમાં ગુજરાતી પ્રજાનું એસેન્સ જાળવી રાખ્યું છે. દરેક ફિલ્મ પૂર્ણ કરવી અને રીલિઝ કરવી એક ટાસ્ક હોય છે. ડિરેક્ટર ચંદ્રેશભાઇએ અલગ અલગ જનરેશનને લઇ સ્ટાર કાસ્ટ, સ્ટોરી લાઇન અને ત્રણ પેઢી સાથે બેસી જોઇ શકે તેવી આ ફિલ્મ સંઘવી એન્ડ સન્સ બનાવી છે.
હિન્દી ટેલીવિઝન અને સિનેમાના જાણીતા અભિનેતા હિતેન તેજવાણી આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં તેમના પ્રવેશ માટે તૈયાર છે. ફિલ્મમાં અન્ય કલાકારોમાં વરિષ્ઠ અભિનેતા મનોજ જોષી, ધર્મેશ વ્યાસ, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, કિંજલ ધામેચા, ભાવિની જાની, હેતલ પરમાર, નક્ષરાજ, નિસર્ગ ત્રિવેદી સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મમાં કેદાર ભાર્ગવનું સંગીત છે અને ગીતો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. ફિલ્મનું નિર્માણ રાજુ રાઇસિંઘાની, ધર્મેશ શાહ, આનંદ ખમર, સંજય ભટ્ટે હિત દોશી, નિલેશ દોશી, કેવિન ભટ્ટ અને દેવ શાહ સાથે મળીને કર્યું છે.
ફિલ્મની વાર્તા નવનીતરાય પ્રભુદાસ સંઘવી (મનોજ જોશી) ની આસપાસ ફરે છે, જેઓ પોતાના પરિવારને મોતીની માળાની જેમ બાંધી રાખે છે. તેમના પુત્રો, અસ્મિત (હિતેન તેજવાણી) અને આદિત્ય (ગૌરવ પાસવાલા), વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો અત્યંત શુદ્ધ અને અતૂટ છે. વહુ કોમલ (કોમલ ઠાકર) પરિવારમાં પ્રેમ અને એકતાનું વણાટ કરે છે. જોકે, જયારે ભાગ્ય અણધાર્યા પડકારો લાવે છે, ત્યારે સંઘવી પરિવારની એકતાની અંતિમ કસોટી થાય છે. તેમના બંધનોના તાણાવાણા તૂટવા માંડે છે, ત્યારે તેમની શક્તિ, સ્થિતિસ્થાપકતા અને પ્રેમ એવી મુશ્કેલીઓનો સામનો કરે છે, જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. ᅠસંઘવી એન્ડ સન્સઙ્ખમાત્ર એક પરિવારની વાર્તા નથી, પરંતુ જીવનની સૌથી મોટી પ્રતિકૂળતાઓમાં પ્રેમ, બલિદાન અને એકતાની અતૂટ ભાવનાનો એક પુરાવો છે.
આ ફિલ્મને સિનેઆસ્ટ સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, અને રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિતરિત કરવામાં આવશે. સૂરજ કુરડે દ્વારા સિનેમેટોગ્રાફી અને તુષાર પારેખ દ્વારા સંપાદન, ફિલ્મને દ્રશ્ય અને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે. કેદાર ભાર્ગવનું સંગીત ફિલ્મના ભાવનાત્મક પાસાને વધુ ઊંડાણ આપશે. ફિલ્મનો મુખ્ય પ્રમોશનલ કાર્યક્રમ, ટ્રેલર લોન્ચ, ૨૨ જૂન, ૨૦૨૫ ના રોજ મુંબઈના અંધેરીમાં યોજાયો હતો. ‘સંઘવી એન્ડ સન્સ' ગુજરાતી સિનેમામાં એક નવો અધ્યાય ઉમેરશે તેમ ચોક્કસ કહી શકાય. જે પારિવારિક મૂલ્યો અને સંબંધોની મધુરતાને ફરીથી ઉજાગર કરશે. આ ફિલ્મ ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રીલિઝ થશે અને દર્શકોને એક ભાવનાત્મક અને યાદગાર અનુભવ પ્રદાન કરશે. થિયેટરમાં જઇને આ ફિલ્મ અચૂક જોવા જેવી છે.
સંઘવી એન્ડ સન્સમાં ટ્વીન્સ બહેનોની કમાલ
જીહાન-વિહાન જમાવટ કરશે : ફિલ્મમાં બ્રુનો નામનો શ્વાન પણ મોજ કરાવશે
ગુજરાતી અર્બન ફિલ્મ સંઘવી એન્ડ સન્સમાં ટ્વીન્સ બહેનોએ કમાલ કરી છે. બંને ટ્વીન્સ બહેનોએ મામાની દિકરીઓનો રોલ ભજવ્યો છે. આ રોલ આ બંને માટેજ રખાયો હતો. અદિતી વ્યાસ અને અંગિરા વ્યાસ દ્વારા ફિલ્મમાં પણ જોડીયા બહેનોનો રોલ ભજવ્યો છે. ટેલર મેઇડ રોલ આ બંનેએ બખુબી નિભાવ્યો છે. જયારે રાજકોટના જીહાને પણ આ ફિલ્મમા મોટા દિકરાના દિકરીના પુત્રનો રોલ ભજવ્યો છે. જીહાન અને વિહાન હસમુખરાય સંઘવીના દીકરીના પુત્રનો રોલ કરે છે અને ફિલ્મમાં તે ભાણેજનો રોલ નિભાવે છે. જયારે ખ્યાત ભટ્ટે વિહાન નો રોલ કર્યો છે.
ફિલ્મમાં બ્રુનો નામના એક ડોગીનો રોલ પણ છે. જે કોમલ નો ડોગી હોય છે. જે ફિલ્મનું એક અગત્યનું કેરેકટર પણ છે. એણે પણ એક અદભૂત સીન આપ્યો છે જે અકલ્પનીય છે જે જોવાની દર્શકોને મોજ પડી જશે.
અકિલાનો અભાર માનતા અભિનેત્રી કોમલ ઠાકર
જયારે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ત્રણ વખત રેડ કાર્પેટ કરનાર પહેલી ગુજરાતી જાજરમાન અભિનેત્રી કોમલ ઠાકરે અકિલાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અકિલામાં ફોટો આવે એટલે મને ૫૦ ફોન ચાલુ થાય અને આજે તમારું ન્યુઝમાં આવ્યું છે. પાંચ વર્ષથી એકેય ફિલ્મ ન કરવા છતાં અકિલા અને મીડિયાએ મને જીવતી રાખી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રે હંમેશા મને હાથમાં રાખી છે. ક્યારેય કામની કમી નથી થઇ. તેમાંય અકિલા મારા પરિવાર જેવું છે કારણ અકિલામાં આવે એટલે મને થાય કે હું માર્કેટમાં છું. પાંચ વર્ષ પછી હું કમબેક કરું છુ. રૂરલ ગુજરાતી ફિલ્મની સુપર સ્ટાર કોમલ ઠાકરને અર્બન ગુજરાતી ફિલ્મો એ પ્રકારના રોલ ઓફર ન થતા કરી નહીં. સંઘવી એન્ડ સન્સ કરવા પાછળ સંયુક્ત પરિવાર મહત્વનો છે. પરિવારમાં મેઇન કેરેકટરનો રોલ કોમલ વહુ એ કર્યો છે જે પરિવારને સમજે છે, ચલાવે છે, સંસ્કાર જાળવી રાખે છે. કોમલ કહે છે, મેં મરાઠી, પંજાબી, સાઉથ, ભોજપુરી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે પણ આ મારો પહેલો અદભૂત અનુંભવ રહ્યો. દરેકને શોભે તેવા રોલ આપ્યા છે. ચંદ્રેશભાઇ ભટ્ટ ખરેખર ગુજરાતી ફિલ્મોના સંજયલિલા ભણસાલી છે.
સૌ પ્રથમવાર ‘વરઘોડો', ‘પીઠી' અને ‘રક્ષાબંધન' પર પહેલીવાર ગુજરાતી ગીતો ક્રિએટ કર્યા..
સંઘવી એન્ડ સન્સ ગુજરાતી ફિલ્મમાં કુલ ૫ ગીતો લેવામાં આવ્યા છે. દિગ્દર્શક ચંદ્રેશભાઇ ભટ્ટે જણાવ્યું કે, ૧૮ જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ' નું પહેલું ગીત ‘વરઘોડો' હાલમાં જ રિલીઝ થયું.
આ ગીત જિગ્નેશ કવિરાજે ગાયું છે અને સંગીત કેદાર-ભાર્ગવ છે. વેડિંગ સિઝનમાં આ ગીત જબરજસ્ત લોકપ્રિય થશે તે નક્કી છે. જયારે અમે સંગીત બનાવતા હતા ત્યારે નક્કી કર્યું કે એક એવું ગીત બનાવવું કે જે દરેક વરઘોડામાં વાગે. એજ રીતે ગુજરાતીમાં ખાસ રક્ષાબંધન પર કોઇ ગીત નથી એટલે એવું પણ ગીત લીધુ છે. એજ રીતે આપણી પાસે પૌરાણીક પીઠી પર લગ્ન ગીત છે પણ સંગીતકારે ક્રિએટ કરેલું નથી. એટલે અમે પીઠી પર એક ગીત ફિલ્મમાં લીધું છે સાથે ગરબાની રમજટ પણ છે. અને એક ખાસ ભક્તિમય વૈષ્ણવ ગીત મળીને કુલ પાંચ ગીતોનો આ ફિલ્મમાં સમાવેશ કરાયો છે.
ગુજરાતી ફિલ્મોએ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી પડશે
કલાકારોએ જણાવ્યું હતું કે, આજે ૧૦૦, ૧૫૦ કે ૮૦ કરોડની ફિલ્મો બને છે. ગુજરાતીમાં ૧.૫ કરોડથી લઇ ૩ કરોડની ફિલ્મો બને છે. ઓછા બજેટમાં સારી ગુણવતા અને સારુ મેકિંગ કઇ રીતે કરવું એનું ઉદાહરણ ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ છે. આજે ઓડિયન્સ પાસે એટલા બધા ઓપ્શન છે કે આપણી ફાઇટ સાઉથ ડબ ફિલ્મો, હોલીવુડ ડબ ફિલ્મો, હિન્દી સિનેમા જોડે છે. આની વચ્ચે ગુજરાતી ઓડિયન્સને થિયેટરમાં લાવવું હોય તો ગુજરાતી પણુ અને ક્વોલિટી લાવવું પડશે. ગુજરાતી ફિલ્મને સ્ક્રિનીંગ નથી મળતા. ગુજરાતી ફિલ્મોએ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી પડશે.
ફિલ્મ સંઘવી એન્ડ સન્સ કલાકારો અને ક્રૂ
દિગ્દર્શક : ચંદ્રેશ ભટ્ટ
લેખકો : ચંદ્રેશ ભટ્ટ, જયપ્રીત વસાવા, અર્ચના દેસાઈ, કૃતાર્થ ભટ્ટ
નિર્માતા : રાજુ રાયસિંહાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અધિયા, સંજય ભટ્ટ, હીત દોષી
મુખ્ય કલાકારો : મનોજ જોશી - નવનીતરાય સંઘવી તરીકે
હિતેન તેજવાણી - અસ્મિત સંઘવી તરીકે
કોમલ ઠાકર - કોમલ તરીકે
ગૌરવ પાસવાલા - આદિત્ય સંઘવી તરીકે
ધર્મેશ વ્યાસ - દર્શન શાહ તરીકે
અન્ય કલાકારો : કિંજલ ધામેચા - રાધિકા
ફિરોઝ ઈરાની - ધીરજલાલ ફુઆ
મકરંદ શુક્લા - ઇન્દ્રવર્ધન મામા
નિસર્ગ ત્રિવેદી - હસમુખરાય સંઘવી
ભાવિની જાની - ભાભુ
કલ્પના ગાગડેકર - જશુ માસી
હેતલ પરમાર - સરલાબેન સંઘવી
સુનિલ વિશ્રાણી - વિનોદરાય માસા
પ્રેમ ગઢવી - પ્રવિણ કુમાર ઉર્ફ પી.કે.
પ્રિયંકા પટેલ - ચેતના
મૌલિક ચૌહાણ - કેવિન
સાત્વિક ચોક્સી - રુત્વી
નક્ષરાજ - પ્રતિક સંઘવી
અદિતિ વ્યાસ - અદિતિ
અંગિરા વ્યાસ - અંગિરા
બાંસી રાજપૂત - કુસુમબેન સંઘવી
મોરલી પટેલ - જશોદા ફઈ
રિદ્ધિ રાવલ - દેવી મામી
જહાનવી પટેલ - હંસા શાહ
ઉત્સવ નાયક - સિદ્ધાર્થ
નિખિલ હર્ષ - વરુણ
દિવ્યમ પટેલ - યશ
ખ્યાત ભટ્ટ - વિહાન
જીહાન રાઠોડ - જીહાન
અંશુ જોશી - મનસુખલાલ
વેદાંત દેબ - પરાગ વ્યાસ
ડો. મુકેશ બાવિશી - મુકેશ બાવિશી
સિનેમેટોગ્રાફી : સુરજ કુરાડે
એડિટિંગ : તુષાર પારેખ
સંગીત : કેદાર ભાર્ગવ
પ્રોડક્શન કંપની : સિનેઆસ્ટ સ્ટુડિયોઝ
વિતરક : રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ
રનિંગ ટાઈમ : ૧૪૬ મિનિટ
ભાષા : ગુજરાતી
રજૂઆત તારીખ : ૧૮ જુલાઈ ૨૦૨૫
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
