ચૂંટણી પંચના કાર્યક્ષેત્ર પર સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ: 'નાગરિકતા તપાસવી એ ECનું કામ નથી!': 'SIR' પ્રક્રિયામાં ફસાયું ચૂંટણી પંચ!
કોર્ટે ચૂંટણી પંચ (ECI) ને સીધો સવાલ કર્યો: "જો તમે નાગરિકતા (Citizenship) ની તપાસ પ્રક્રિયામાં સામેલ થશો, તો તે એક મોટું અને વ્યાપક કાર્ય બની જશે."

નવી દિલ્હી 10 જુલાઈ 2025: બિહારમાં મતદાર યાદી સુધારણા (Voter Revision) ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, "કોઈપણ વ્યક્તિની નાગરિકતાની તપાસ કરવી એ ચૂંટણી પંચનું કામ નથી." સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અરજદારો પણ એ જ દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી પંચને નાગરિકતાની તપાસ કરવાનો અધિકાર નથી. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે અગાઉના એક નિર્ણયમાં પણ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકતાની તપાસ કરવી એ ચૂંટણી પંચનું કાર્ય નથી.
'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' પર ઉઠ્યા ગંભીર સવાલો
અરજદારોના વકીલ શંકર નારાયણન એ કોર્ટને જણાવ્યું કે કાયદા હેઠળ બે પ્રકારના રિવિઝન શક્ય છે - ઇન્ટેન્સિવ (સઘન) અને સમરી (સારાંશ). પરંતુ બિહારમાં હવે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' નામની એક નવી અને અનોખી પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા હેઠળ 7.9 કરોડ લોકોને ફરીથી દસ્તાવેજો આપવા પડશે, અને આશ્ચર્યજનક રીતે, માત્ર 11 દસ્તાવેજો જ સ્વીકારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, વર્તમાન વોટર આઈડી કાર્ડને પણ અમાન્ય ગણાવવામાં આવ્યું છે.
વકીલ શંકરનારાયણનનો દાવો છે કે 2003ની મતદાર યાદીમાં જેમનું નામ છે, તેમને પણ એક નવું ફોર્મ ભરવું પડશે, અન્યથા તેમનું નામ યાદીમાંથી દૂર કરી દેવામાં આવશે. જ્યારે 2003 પછી જેમનાં નામ ઉમેરાયા છે, તેમને તો નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો આપવા પડશે.
'ભેદભાવપૂર્ણ અને મનસ્વી વલણ' - વકીલના આકરા પ્રહાર
શંકરનારાયણનનો આરોપ છે કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર કાયદાની બહાર જ નથી, પરંતુ તે સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ પણ છે. તેમણે દલીલ કરી કે ન્યાયપાલિકા, કલા અને રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકોને દસ્તાવેજો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય નાગરિકોને આ કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે. આ દલીલો ચૂંટણી પંચના આ વલણ પર ગંભીર સવાલો ઉભા કરે છે.
જસ્ટિસ ધર્મેશ ધૂલિયાની મહત્વની ટિપ્પણી અને કોર્ટનો સવાલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ ધર્મેશ ધૂલિયાએ ટિપ્પણી કરી કે, "જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે, તે બંધારણ હેઠળ જ છે. તો તમે એમ ન કહી શકો કે તેઓ કંઈ ગેરકાનૂની કરી રહ્યા છે." આના જવાબમાં અરજદારના વકીલ શંકર નારાયણનએ કહ્યું કે, "અમે અધિકારને પડકારી રહ્યા નથી, પરંતુ જે રીતે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તે નિયમોની વિરુદ્ધ છે."
કોર્ટે ચૂંટણી પંચ (ECI) ને સીધો સવાલ કર્યો: "જો તમે નાગરિકતા (Citizenship) ની તપાસ પ્રક્રિયામાં સામેલ થશો, તો તે એક મોટું અને વ્યાપક કાર્ય બની જશે." કોર્ટે એ પણ સૂચવ્યું કે, "જો નાગરિકતાની તપાસ કરવાની હોય, તો આ પ્રક્રિયા સમય પહેલા શરૂ થવી જોઈએ." કોર્ટે વધુમાં જણાવ્યું કે, "નાગરિકતાની તપાસ માટે જો કોઈ અર્ધ-ન્યાયિક (quasi-judicial) સંસ્થાને સામેલ કરવી પડે, તો આખી પ્રક્રિયા વધુ જટિલ બની જશે." કોર્ટનો ઈશારો સ્પષ્ટ હતો કે "આવી સ્થિતિમાં આખી ચૂંટણી પ્રક્રિયા લાંબી અને સમય માંગી લે તેવી બની શકે છે." આ ટિપ્પણી નાગરિકતાને મતદાર યાદી સુધારણા સાથે જોડવાના સંદર્ભમાં કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
