<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ટેરિફથી અમેરિકામાં ચીજવસ્‍તુઓના ભાવમાં વધારો શરૂ

ઈકોનોમિસ્‍ટ્‍સનું કહેવું છે કે આ તો હજી શરૂઆત જ છે

 

ન્‍યુયોર્ક તા.૧૧: પ્રેસિડેન્‍ટ ટ્રમ્‍પે જ્‍યારથી ટેરિફ લગાવવાની વાતો કરી હતી ત્‍યારથી જ ઈકોનોમિસ્‍ટ્‍સ, રિસર્ચર્સ અને એનાલિસ્‍ટ્‍સે ર્વોનિંગ આપી હતી કે ટેરિફને લીધે અમેરિકામાં ચીજવસ્‍તુઓના ભાવમાં વધારો થશે અને મોંઘવારી વધશે. જોકે, તાજેતરના મહિનાના ઈકોનોમિક ડેટા દ્વારા સામે આવ્‍યું હતું કે, મોંઘવારીમાં કોઈ વધારો થયો નથી. ટ્રમ્‍પ અને તેમનું એડમિનિસ્‍ટ્રેશન પોઝિટિવ ઈકોનોમિક રિપોર્ટ્‍સને ટેરિફથી જે અપેક્ષાઓ હતી તેવું જ થઈ રહ્યું હોવાનું કહી રહ્યા છે. પરંતુ હવે ચિંતા ઊભી થઈ છે કેમ કે અમેરિકામાં ચીજવસ્‍તુઓની કિંમતો વધવાનું શરૂ થઈ ગયું છે, એટલું જ નહીં ઈકોનોમિસ્‍ટ્‍સનું કહેવું છે કે આ તો હજી શરૂઆત જ છે.

કિંમતો વધવા પાછળ ટેરિફ કેવી રીતે ભૂમિકા ભજવી રહી છે તેની વાત કરવામાં આવે તો ટેરિફને તબક્કાવાર લાગુ કરવામાં આવી છે. શરૂઆતની ટેરિફ ફેબ્રુઆરીમાં અમલી બની હતી જે ચીન પર લગાવવામાં આવી હતી. જ્‍યારે માર્ચમાં સ્‍ટીલ તથા એલ્‍યુમિનિયમ પર ટેરિફ ઝીંકવામાં આવી હતી, પરંતુ એપ્રિલ ૦૨ના રોજ ટ્રમ્‍પે ૫૮ જેટલા દેશો પર ટેરિફ લગાવી હતી, અને બાદમાં ટ્રેડ ડીલ કરવા માટેનો સમય આપવા માટે તેને સ્‍થગિત કરી હતી.

સીએનએનના રિપોર્ટ પ્રમાણે ઈકોનોમિસ્‍ટ્‍સનું કહેવું છે કે, ઘણી કંપનીઓએ ટેરિફ લાગુ થઈ તે પહેલા માલ-સામાન મંગાવ્‍યો હતો અને તેને લીધે તેની કિંમતમાં વધારો થયો નથી, પરંતુ હવે નવી ઈન્‍વેન્‍ટરી આવી રહી છે જેના પર ટેરિફ લાગુ છે. તેથી હવે ટેરિફની અસર ધીમે ધીમે જોવા મળે છે. ગોલ્‍ડમેન સાક્‍સનું કહેવું છે કે કંપનીઓ એક હદથી વધારે ટેરિફ સહન કરી શકે તેમ નથી અને તેથી તેમને ટેરિફનો ઘણો ખરો બોજ ગ્રાહકો પર નાંખવો પડશે.

ફુગાવાના જે આંકડા દેખાઈ રહ્યા છે તે આખી સ્‍ટોરી કહી રહ્યા નથી. પ્રાઈવેટ સેક્‍ટર અને ફેડરલ ડેટા બંને દર્શાવે છે કે માલ-સામાનના ભાવમાં અને તેમાં પણ ટેરિફથી અસરગ્રસ્‍ત કેટેગરીમાં પહેલાથી જ ભાવ વધારો થયો છે. મે કન્‍ઝયુમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ પ્રમાણે ઘણી ટેરિફ સેન્‍સિટિવ કેટેગરીમાં ભાવ વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં એપ્‍લાયન્‍સિસના ભાવમાં ૦.૮ ટકાનો વધારો થયો છે. રમકડાની કિંમતોમાં પણ સળંગ બીજા મહિને વધારો જોવા મળ્‍યો છે. આ ઉપરાંત ટૂલ્‍સ અને ર્સ્‍પોટિંગ ગૂડ્‍સમાં પણ કિંમતો વધી છે.

૧૩ મુખ્‍ય યુએસ ઈ-કોમર્સ સાઈટ્‍સ પર ૨ લાખ પ્રોડક્‍ટ્‍સનું ડેટાવીવ એનાલિસિસ દર્શાવે છે કે જાન્‍યુઆરીથી કિંમતોમાં વધારો થયો છે. જાન્‍યુઆરીની સરખામણીમાં છેલ્લા પાંચ મહિનામાં ઘર અને ફર્નિચરના ભાવમાં વધારો થયો છે,  ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન કપડાં અને ફૂટવેરના ભાવ એકદમ સ્‍થિર હતા પરંતુ જૂનમાં જાન્‍યુઆરી કરતાં તેમાં ૧.૭ ટકાનો વધારો થયો છે. તેથી ઈકોનોમિસ્‍ટ્‍સ કહી રહ્યા છે કે ટેરિફના કારણે હવે મોંઘવારી વધવાનું શરૂ થઈ ગયું છે.(૩૮.૧૦)

(10:22 AM IST)