News of Friday, 11th July 2025
દીકરીની કમાણી ખાય છે: મ્હેણાં -ટોણા સાંભળીને પિતાએ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા કરી
રાધિકા યાદવ ખૂબ સારી ટેનિસ પ્લેયર હતી. તેણે અનેકવાર નેશનલ લેવલ પર પણ ટ્રોફી જીતી હતી. પરંતુ ખંભામાં ઈજાને કારણે તે રમતથી દૂર થઈ ગઈ અને પોતાની ટેનિસ એકેડમી ખોલી.

ગુરુગ્રામથી રુંવાટા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ પોતાના જ હાથે સ્ટેટ લેવલ ખેલાડી એવી દિકરી રાધિકાની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે પિતાએ તેની પાછળનું કારણ કહ્યું ત્યારે સૌ ચોંકી ગયા કે કોઈ પિતા આવું કંઈ રીતે વિચારી શકે.
એફઆઈઆર કોપી અનુસાર આરોપી પિતા દીપક યાદવે જણાવ્યું કે તેના ગામના લોકો દીકરીની કમાણીને લઈને તેને ટોણા મારતાં હતા. તેઓ એવું કહેતા હતા કે છોકરીની કમાણી ખાઈ રહ્યો છે. તેનાથી તેને માનસિક આઘાત લાગ્યો. દીપક યાદવ માત્ર તેને એકેડમી જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાને લઈને પણ નારાજ હતો.
દીપક યાદવે કહ્યું કે જ્યારે તે દૂધ લેવા માટે ગામ વજીરાબાદ જતો હતો ત્યારે લોકો સોશિયલ મીડિયામાં દીકરીની હાજરી અને એકેડમીને લઈને ટોણા મારતાં હતા. જેનાથી તેને ગુસ્સો આવતો હતો. તેને લાગ્યું કે આ બધું તેના પરિવારની ઈજ્જતને નુકસાન પહોંચાડી રહ્યું છે. જ્યારે તેમણે રાધિકાને આ બધું બંધ કરવાની વાત કરી તો તેણે ના પાડી દીધી.
ઘટનાના દિવસે વહેલી સવારે દીપકે તેના લાઈસન્સવાળી બંદુકથી કિચનમાં હાજર રાધિકા પર રુમની પાછળથી 3 ગોળીઓ ચલાવી દીધી. આ સમયે ઘર તેની દીપકની પત્ની મંજુ યાદવ હાજર હતી. જો કે તે બિમાર હોવાથી અન્ય રુમમાં આરામ કરી રહી હતી.
ગોળીનો અવાજ સાંભળીને દીપકનો ભાઈ અને તેનો દીકરો પીયૂષ દોડી આવ્યો. તેમણે જોયું કે રાધિકા લોહીથી લથપથ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેનું મોત થયું. રાધિકાના કાકાએ પોલીસમાં દીપક પર શંકા હોવાનું જણાવ્યું. ત્યારે પુછપરછમાં દીપકે ગુનો કબૂલી લીધો.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
