<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ભારે કરીઃ પતિએ ધમકી આપી તો પત્‍નીએ છૂટાછેડાનો કેસ ઠોકી દીધોઃ કોર્ટે અપાવ્‍યા ૨૩૦૦ કરોડ રુપિયા

બ્રિટનમાં એક હાઈ પ્રોફાઈલ છૂટાછેડાના મામલાએ સૌને ચોંકાવી દીધા

લંડન,તા.૧૨: બ્રિટનમાં એક હાઈ પ્રોફાઈલ છૂટાછેડાના મામલાએ સૌને ચોંકાવી દીધા. જેમાં એક અબજપતિ દ્વારા પોતાની પત્‍નીને ધમકી આપી હતી કે, છૂટાછેડા બાદ તારે ‘ટેસ્‍કો'માં કામ કરવું પડશે, પરંતુ બ્રિટિશ ફેમિલી કોર્ટે પત્‍નીના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપતા ૨૩૦ મિલિયન પાઉન્‍ડ લગભગ ૨૩૦૦ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્‍યો હતો.

આ કેસમાં શખ્‍સ એક ટેક્રોલોજી કંપનીનો સંસ્‍થાપક અને અબજોપતિ છે. મહિલાએ તેના પર આરોપ લગાવ્‍યો છે કે તે કંટ્રોલિંગ છે અને ખૂબ જ આક્રમક પણ છે. તે સતત તેને હેરાન કરે છે. પતિથી અલગ થવા માટે પત્‍નીએ કોર્ટનો દરવાજો ખખટાવ્‍યો હતો. પતિએ પત્‍નીને ધમકાવતા કહ્યું કે, જો તું પોસ્‍ટનપ્‍શિયલ એગ્રીમેન્‍ટ ૨૦૨૧માં સાઇન કરેલ એક દસ્‍તાવેજને માનીશ, તો અમારો આખો પરિવાર બરબાદ થઈ જશે અને તારે ‘ટેસ્‍કો'માં કામ કરવું પડશે.

જસ્‍ટિસ કોબે પોતાના ચુકાદામાં કહ્યું કે, પતિએ પત્‍નીને ડરાવવા માટે અલગ અલગ રણનીતિઓ અપનાવી હતી. જે કાયદાકીય રીતે ખોટું છે. કોર્ટે જાણ્‍યું કે, પત્‍ની મેન્‍ટલ રીતે ખૂબ જ પરેશાન હતી. તે એન્‍ઝાયટી અને ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. એટલું જ નહીં પતિએ જાણી જોઈને વકીલથી દૂર રાખી, જેનાથી તે એકલી પડી અને નિઃસહાય અનુભવે. આ માનસિક પ્રેશર ધીમે ધીમે તેની સ્‍વતંત્ર ઇચ્‍છાને ખતમ કરવા લાગ્‍યું. કોર્ટે છૂટાછેડા પર મહોર લગાવતા પત્‍નીને સંપત્તિનો ૪૪.૪ ટકા ૨૩૦૦ કરોડ હિસ્‍સો પત્‍નીને આપવાનો આદેશ આપ્‍યો.

જ્‍યારે બંનેના લગ્ન થયા તો તે એક સાધારણ બેકગ્રાઉન્‍ડના હતા. લગ્ન બાદ બંનેએ મળીને નવી જિંદગી શરૂ કરી. ૨૦૧૨માં પતિએ એક ટેક સ્‍ટાર્ટઅપ શરૂ કર્યું, જે બાદમાં ૧.૫ બિલિયન પાઉન્‍ડ  (લગભગ ૧૫,૦૦૦ કરોડ)નું સામ્રાજ્‍ય બની ગયું. પત્‍નીએ કોર્ટને જણાવ્‍યું કે, તે શૂન્‍યથી શરૂ થયા હતા અને આટલા મોટા સામ્રાજ્‍યને સાથે મળીને બનાવ્‍યું.

લગ્ન બાદ સુરક્ષાના કારણોથી તે યુકે શિફ્‌ટ થઈ ગઈ અને પોતાના ત્રણ બાળકોને ઇંગ્‍લેન્‍ડની સ્‍કૂલમાં ભણાવવા લાગી. મહિલાના વકીલે આ ઐતિહાસિક નિર્ણય ગણાવતા કહ્યું કે, સૂક્ષ્મ રીતે કરવામાં આવેલું માનસિક ઉત્‍પીડન પણ કોઈ માણસના સ્‍વતંત્ર વિચારને ખતમ કરી શકે છે.(૪૦.૫)

(10:14 AM IST)