<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

સોશિયલ મીડિયા પર ધમકી બાદ રાજકીય વર્તુળોમાં હડકંપ: ચિરાગનો નીતીશ સરકાર પર સીધો હુમલો: "બિહાર પોલીસની જવાબદારી શું છે?":

ધમકી મળ્યા બાદ પાર્ટીના પ્રવક્તા ડો. રાજેશ ભટ્ટે પટનાના સાયબર પોલીસ સ્ટેશન પહોંચીને કેસ દાખલ કરાવ્યો: પ્રશાસન પાસે ધમકી આપનાર સામે કડક કાર્યવાહીની માંગ

 કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. શુક્રવારે (11 જુલાઈ) મળેલી આ ધમકીમાં તેમને 20 જુલાઈ પહેલા બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ ઘટના બાદ ચિરાગ પાસવાને બિહારની કાયદો અને વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "બિહારીઓ હવે કેટલી હત્યાઓનો ભોગ બનશે?"
 
ધમકી મળ્યા બાદ તરત જ ચિરાગ પાસવાને પોતાની પ્રતિક્રિયા આપતા નીતીશ કુમાર સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તીખો હુમલો કર્યો. તેમણે એક પોસ્ટ કરીને પૂછ્યું કે, "બિહારીઓ હવે કેટલી હત્યાઓનો ભોગ બનશે? બિહાર પોલીસની જવાબદારી શું છે તે સમજની બહાર છે." આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ચિરાગ પાસવાન બિહારમાં પોતાની પાર્ટી માટે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને કાયદો-વ્યવસ્થાનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
 
લોકશાહી પર હુમલો અને દલિત નેતૃત્વને દબાવવાનો પ્રયાસ?
ધમકી મળ્યા બાદ પાર્ટીના પ્રવક્તા ડો. રાજેશ ભટ્ટે પટનાના સાયબર પોલીસ સ્ટેશન પહોંચીને કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે પ્રશાસન પાસે ધમકી આપનાર વ્યક્તિને તાત્કાલિક ધરપકડ કરવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ડો. ભટ્ટે કહ્યું કે, "આ લોકશાહી પર હુમલો છે અને દલિત નેતૃત્વને દબાવવાનો પ્રયાસ છે, જેને બરદાસ્ત કરવામાં આવશે નહીં."
 
રાજકીય ગરમાવો: JDU અને RJDની પ્રતિક્રિયાઓ
ચિરાગ પાસવાનના પોસ્ટ પર JDU પ્રવક્તા અભિષેક ઝાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ચિરાગ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, "લોકશાહીમાં બધાને બોલવાની આઝાદી છે, પરંતુ નીતીશ કુમારના સુશાસન પર સવાલ ઉભા કરવા ખોટા છે, કારણ કે નીતીશ કુમાર હંમેશા અપરાધીઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરે છે."

બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે પણ ચિરાગ પાસવાનને મળેલી ધમકી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે નીતીશ કુમાર સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરો કટાક્ષ કરતા કહ્યું કે, "વડાપ્રધાનને જઈને કહો કે બિહારમાં જંગલરાજ આવી ગયું છે."
 
સુરક્ષાનો મુદ્દો અને તાજેતરની ઘટનાઓ
નોંધનીય છે કે, આ મામલો એવા સમયે ઉઠ્યો છે જ્યારે તાજેતરમાં જ પટનામાં વેપારી ગોપાલ ખેમકાની બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ચિરાગે ગયા અઠવાડિયે સારણ જિલ્લામાં એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે, બિહારમાં કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે.3 હત્યાઓ અને અપરાધ સામાન્ય બની ગયા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "હું જે સરકારને સમર્થન કરું છું, તે 'સુશાસન' માટે જાણીતી છે, પરંતુ હાલત તેનાથી વિપરીત છે."

(12:13 AM IST)