તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Sunday, 13th July 2025
પોરબંદરના રામદેવભાઈ મોઢવાડિયા રેડક્રોસની ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના ચેરમેન બન્યા!
દસ વર્ષથી પોરબંદરમાં અવિરત સેવા આપતા અગ્રણીને રાજ્યભરની આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સોંપાઈ : નવા આયોજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તારવાની ખાતરી આપી

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : પોરબંદરમાં છેલ્લા દસ વર્ષથી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું આગવું નામ અને સ્થાન બનાવનારા અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના આપત્તિ વ્યવસ્થાપન સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમાચારને પગલે પોરબંદર સહિત સમગ્ર રાજ્યભરમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે અને અનેક આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
રામદેવભાઈ મોઢવાડિયા, જેઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખાના ચેરમેન તરીકે દસ વર્ષથી સતત સૌને મદદરૂપ બનતા આવ્યા છે, તેમની આ નિમણૂકને કારણે રાજ્યભરના આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોને નવી દિશા મળશે તેવી આશા સેવાઈ રહી છે.
તેમની નિમણૂક બદલ ગુજરાત રાજ્યના રેડક્રોસના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન માટેની સમિતિમાં ચેરમેન તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે ત્યારે તેઓ શ્રેષ્ઠ રીતે પોતાની ફરજ બજાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોરબંદરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો તેઓ યોજે છે, અને હવે એ જ રીતે રાજ્યભરમાં પણ તેને અમલમાં મૂકીને વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
રામદેવભાઈ મોઢવાડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી અને માનવસર્જિત બંને પ્રકારની આપત્તિઓ વખતે આપત્તિ વ્યવસ્થાપન તંત્રની જવાબદારી વધી જાય છે. આવા સમયે સામાજિક સંસ્થાઓ પોતાની મહત્વની ભૂમિકા ભજવીને લોકોને મદદરૂપ બને છે. લોકોને નવું જીવન આપવાથી માંડીને તેમની જે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તે પૂરી કરવા માટે રેડક્રોસ સોસાયટીની ટીમ હંમેશા અગ્રેસર રહે છે. તેમણે ખાતરી આપી હતી કે, રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકેની તેમની આ નિમણૂક બદલ આભાર વ્યક્ત કરવાની સાથે, અનેકવિધ નવી પ્રવૃત્તિઓ હાથ ધરીને રેડક્રોસની કામગીરીને વધુ સારી રીતે ઉજાગર કરશે.
રામદેવભાઈ મોઢવાડિયાની આ નિમણૂકને પોરબંદરની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાના આગેવાનોએ હર્ષભેર આવકારીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
