તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 13th July 2025
કેનેડાના ટોરેન્ટોમાં નિકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ ર૦ હજારથી વધુ ભકતો જોડાયા
રથયાત્રાનું દોરડુ ખેંચવા ભકતોમાં પડાપડી, સાડાચાર કિ.મી.ની આ રથયાત્રા ટોરેન્ટો આઇલેનડ પર લઇ જવામાં આવી હતી

નવી દિલ્હીઃ સુરત સહિત ભારતમાં દરેક તહેવારની ઉજવણી તિથિ અને ચોઘડિયા પ્રમાણે કરવામાં આવે છે પરંતુ વિદેશમાં ભારતીય તહેવારની ઉજવણી તંત્રની મંજૂરી અને વીક એન્ડમાં કરવામા આવે છે. ભારતમાં જગન્નાથ રથયાત્રા અષાઢી બીજના દિવસે કરવામા આવે છે પરંતુ કેનેડાના ટોરેન્ટોમાં ગઈકાલે ભારે ધામધૂમ પૂર્વક રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. ટોરેન્ટોના રસ્તા પર નીકળેલી જગન્નાથ રથયાત્રામાં ભારતીય અને વિદેશી સહિત 20 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. રથયાત્રાનું દોરડું ખેંચવા માટે ભક્તોમાં પડાપડી થતી હતી જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી. સાડા ચાર કિલોમીટરની આ રથયાત્રા ટોરેન્ટો આઈલેન્ડ પર લઈ જવામાં આવી હતી.
વિદેશમાં વસતા ભારતીયોએ સનાતન પરંપરા જીવંત રાખી છે. આ વીકએન્ડમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો સાથે કેનેડાના ટોરેન્ટોમાં ભગવાન જગન્નાથ રથયાત્રા વિકેન્ડમાં નીકળી હતી જેમાં વિદેશીઓ સાથે 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કેનેડાના રસ્તા ભારતીય રસ્તા હોય તેમ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ટોરેન્ટોમાં રથયાત્રા નીકળી તેમાં ભાગ લેવા માટે કેનેડાના જુદા-જુદા શહેરોમાં રહેતા ભારતીયો ઉમટી પડ્યા હતા. નોકરી ધંધા માટે કેનેડામાં વસવાટ કરતા સુરત અને દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં રહેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રથયાત્રામાં જોડાયેલા મૂળ બીલીમોરાના રાજીવ મહેતા કહે છે, અમે ટોરોન્ટોથી ઘણા દૂર રહીએ છીએ પરંતુ આ રથયાત્રા હોય ત્યારે પરિવાર સાથે અચૂક ટોરોન્ટો આવવાનું ભૂલતા નથી. કેનેડામાં દિવાળી પછી સૌથી મહત્વ ધરાવતો તહેવાર જગન્નાથ રથયાત્રા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ભારતીય સાથે અનેક વિદેશી ભક્તો પણ જોડાયા હતા. અહી વસતા લોકો આ રથયાત્રામાં જોડાઈ છે અને અહી ભારતીય વાતાવરણ બનતું હોય લોકોને અનોખી એનર્જી મળે છે.
હિરલ મહેતા કહે છે, ગુજરાતની જેમ જ અહીં પણ ઘણા દિવસોથી તહેવારોની ઉજવણી માટે આયોજન થાય છે. દર વર્ષે હજારો લોકો દુર દુરથી આ રથયાત્રામાં જોડાવવા માટે આવે છે અને કેનેડા ભારત જેવું જ બની જાય છે. સાડા ચાર કિલોમીટરની રથયાત્રા ભ્રમણ કર્યા બાદ ટોરેન્ટોના સેન્ટ્રલ આઇલેન્ડ પર એક દિવસ માટે ભગવાન બિરાજમાન થાય છે. અહીં દિવસ અને રાત્રી દરમિયાન કીર્તન સાથે ભક્તોને મહાપ્રસાદી પણ આપવામાં આવે છે.
સુરતના અને કેનેડામાં કેરિયર બનાવવા ગયેલા અંકિત પટેલ અને મિલન પ્રજાપતિ કહે છે, અમે અભ્યાસ પૂરો કરી અહીં જોબ કરી રહ્યાં છે. સતત વ્યસ્ત હોવાના કારણે ભારતને મિસ કરીએ છીએ પરંતુ અહીં જે તહેવારની ઉજવણી થાય છે તેના અમને નવું જોમ મળે છે. પરિવારથી દૂર તેઓ કેરિયર માટે આવે છે ત્યારે કેટલીક વખત એકલું લાગે છે પરંતુ આવા તહેવારની ઉજવણી થતી હોય છે ત્યારે તેમને પોતાના પરિવાર સાથે છે અને એકલતા દુર થતી જોવા મળે છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન વરસાદ વરસ્યો હતો પરંતુ આ વર્ષે ભારે ગરમી પડી હતી. જોકે, આટલી ગરમી છતાં પણ હજારોની સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા.
આ વર્ષે કેનેડાના ટોરેન્ટોમાં રથયાત્રાનું આયોજન થયું તેમાં મહિલાઓ અને નાના બાળકોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી. આ રથયાત્રામાં જોડાયેલા ભક્તો ઢોલ અને મંજીરા સાથે ભજન ગાતા નજરે પડ્યા અને તેમની સાથે અમે પણ જોડાયા હતા. હરે ક્રિષ્ના ના નારા સાથે નાના બાળકો પણ રથયાત્રામાં ઝૂમ્યા હતા. ભારતીય ભેગા મળીને તહેવારની ઉજવણી કરે છે જેના કારણે વિદેશમાં રહેતા ભારતીય એકત્ર થાય છે અને અહી મીની ભારત બની જાય છે આ રથયાત્રા ભગવાનની ભક્તિ સાથે સાથે વિદેશમાં રહેતા ભારતીયોને એક બીજાને હુંફ આપવાનો તહેવાર પણ બની જાય છે.
કેનેડા ટોરેન્ટો ના રસ્તા પર જ્યારે શનિવારે જગન્નાથ રથયાત્રા નીકળી ત્યારે ભક્તો મન મુકીને જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ફુલ કે અન્ય વસ્તુ નો ઉપયોગ કર્યો હતો જે રસ્તા પર પડ્યો હતો. પરંતુ રથયાત્રા સાથે કેટલાક ભક્તો ઝાડુ સાથે જોવા મળ્યા હતા. એક તરફ રથયાત્રા આગળ વધતી હતી તો બીજી તરફ કેટલાક ભક્તો રસ્તા પર જે સામગ્રી પડી હોય તેની સફાઈ કરતા હતા અને તેને ભરીને નિકાલ કરવામા આવતો હતો. આમ કેનેડાના રથયાત્રામાં ભગવાન ભક્તિ સાથે સફાઈ અભિયાન પણ જોવા મળ્યું હતું.
છેલ્લા કેટલાક વખતથી કેનેડામાં ભારતીય મંદિરો અને અન્ય જગ્યાએ ખાલિસ્તાની દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ શનિવારે નીકળેલી રથયાત્રા માં એક શીખ ભક્ત દ્વારા ભારતીય ધ્વજ હાથમાં લઈને લહેરાવતા જોવા મળ્યા હતા. ઘણા વખતથી કેનેડામાં વસતા ભારતીય સામે ખાલિસ્તાનીઓ મંદિર અને ભક્તો પર હુમલો કરી રહ્યાં છે ત્યારે ગઈકાલે શનિવારે રથયાત્રામાં શીખ ભક્ત રથયાત્રામાં જોડાયા હતા એટલું જ નહીં પરંતુ તેમના હાથમાં ભારતીય તિરંગો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો વિદેશમાં રહેતા ભારતીયો માટે ઘણા આનંદદાયક જોવા મળ્યા હતા.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
