News of Sunday, 13th July 2025
કેલિફોર્નિયામાં FBI દ્વારા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના 8 ભારતીય મૂળના ખાલિસ્તાની સમર્થકોની કરી ધરપકડ
આરોપીઓ ઉપર અપહરણ, ગેરકાયદેસર હથિયાર રાખવા અને આતંક ફેલાવવા જેવા ગંભીર આરોપોઃ ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલપ્રીત સિંહ અને પવિત્ર સિંહ ઉર્ફે પવિત્ર બટાલાનો સમાવેશ

ચંદીગઢ: FBI એ ભારતમાંથી ફરાર થઈને અમેરિકામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરો પર સકંજો કડક કરી દીધો છે. મળતી માહિતી મુજબ, FBI અને સ્થાનિક એજન્સીઓએ કેલિફોર્નિયાના સાન જોઆક્વિન કાઉન્ટીમાં મોટી કાર્યવાહી કરી.
સ્ટોકટન, મેન્ટેકા અને સ્ટેનિસ્લોસ કાઉન્ટીની SWAT ટીમો અને FBI ના સ્પેશિયલ યુનિટની મદદથી હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં 8 ભારતીય મૂળના ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
ખાલિસ્તાની નેટવર્કને કાબુમાં લેવાની દિશામાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ખાલિસ્તાન સમર્થકો દિલપ્રીત સિંહ, અર્શપ્રીત સિંહ, અમૃતપાલ સિંહ, વિશાલ, પવિત્ર સિંહ ઉર્ફે પવિત્ર બટાલા, ગુરતાજ સિંહ, મનપ્રીત રંધાવા અને સરબજીત સિંહનો સમાવેશ થાય છે. આ બધા સામે અલગ અલગ ફોજદારી કેસ નોંધાયેલા છે.
અપહરણ, ત્રાસ, ગેરકાયદેસર કેદ, ગુનાહિત કાવતરું, સાક્ષીઓને ડરાવવા, અર્ધ-સ્વચાલિત હથિયારથી હુમલો, આતંક ફેલાવવાની ધમકી, ગેંગ એક્ટ હેઠળ કેસ, મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો રાખવા, મશીનગન અને એસોલ્ટ રાઇફલ્સ રાખવા, શોર્ટ-બેરલ રાઇફલ્સ બનાવવા અને ગેરકાયદેસર મેગેઝિન વેચવા જેવા ગંભીર આરોપો બધા સામે નોંધાયેલા છે. બધા આરોપીઓની પૂછપરછ બાદ, તેમને અમેરિકાની જ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
પંજાબના માઝા ક્ષેત્રમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હથિયારોની દાણચોરી અને ખંડણીના કેસોમાં સંડોવાયેલા પવિત્ર સિંહ ઉર્ફે પવિત્ર બટાલાની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બટાલા પોલીસે લગભગ છ મહિના પહેલા તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.
પવિત્રા સિંહ અમૃતસર પોલીસ જિલ્લામાં નોંધાયેલા 6 અને બટાલા પોલીસ જિલ્લામાં નોંધાયેલા 2 કેસોમાં વોન્ટેડ છે. પવિત્રા સિંહ ઉર્ફે પવિત્રા બટાલા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલ છે. તે ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડે સાથે મળીને આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
