<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની ઘૃણાસ્પદ હત્યા : કોંક્રીટના સ્લેબથી ફટકારીને મોતને ઘાટ ઉતાર્યો : હુમલાખોરો શબ પર નાચતા દેખાયા – ભારતીયોમાં જબ્બર આક્રોશ:જુઓ વિડીયો

ઢાકાના જૂના વિસ્તારમાં લાલચંદ સોહાગની દિવસદહાડે નિર્મમ હત્યા : ઘટનાનો વાયરલ વીડિયો જોઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ : ૫ આરોપીઓની ધરપકડ : લઘુમતીઓ વિરુદ્ધ વધતી હિંસાથી ચિંતાનો માહોલ

ઢાંકા: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર અત્યાચારની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર ભારતીય સમુદાયમાં જબરદસ્ત આક્રોશ અને રોષ ફેલાવ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના જૂના વિસ્તારમાં એક હિન્દુ વેપારી લાલચંદ સોહાગની ભીડ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે, જેમાં રાજધાનીની મુખ્ય યુનિવર્સિટીઓના સેંકડો વિદ્યાર્થીઓ વચગાળાની સરકારની નિષ્ક્રિયતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
ક્રૂરતાની હદો પાર: શબ પર નાચતા હુમલાખોરો!
વાયરલ થઈ રહેલા ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, હુમલાખોરોએ વેપારી સોહાગને કોંક્રીટના સ્લેબથી બેફામ રીતે માર માર્યો હતો. તેઓ તેને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું. ક્રૂરતાની હદો તો ત્યારે પાર થઈ ગઈ, જ્યારે આ હુમલાખોરો સોહાગના નિષ્પ્રાણ શરીર પર નાચતા પણ દેખાયા હતા. આ ભયાવહ ઘટના મિટફોર્ડ હોસ્પિટલ સામે દિવસદહાડે બની હતી, જ્યાં તેના પર હુમલો કરવામાં આવ્યો. પ્રાથમિક આરોપ છે કે, હુમલાખોરો ખંડણીખોર હતા.
બાંગ્લાદેશના 'પ્રથમ અલો' અખબાર અનુસાર, કોટવાલી પોલીસ સ્ટેશનમાં લાલચંદની બહેન મંજુઆરા બેગમે હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે, જેમાં ૧૯ નામજોગ આરોપીઓ ઉપરાંત ૧૫-૨૦ અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી બે પાસેથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે.
વિદ્યાર્થીઓનું આક્રોશપૂર્ણ વિરોધ પ્રદર્શન:
આ ઘટના બાદ BRAC યુનિવર્સિટી, NSU, ઈસ્ટ વેસ્ટ યુનિવર્સિટી અને ઢાકા યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતર્યા અને સરકારની નિષ્ફળતા સામે પ્રદર્શન કર્યું. 'આ દરિંદાઓને હત્યાનો અધિકાર કોણે આપ્યો?' જેવા સૂત્રોચ્ચારથી કેમ્પસ ગુંજી ઉઠ્યા હતા, જે સામાન્ય નાગરિકોના ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે.
BNP કાર્યકર્તાઓની સંડોવણી અને પક્ષનો બચાવ:
બંગાળી ન્યૂઝ પોર્ટલ 'બિડીન્યૂઝ૨૪' અનુસાર, પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના યુવા મોરચાના કાર્યકર્તાઓના એક જૂથે સોહાગની કથિત રીતે હત્યા કરી હતી. આશ્ચર્યજનક રીતે, લાલચંદ પોતે પણ BNP નો પૂર્વ કાર્યકર્તા હતો. જોકે, પાર્ટીએ જણાવ્યું છે કે તેણે લિંચિંગના ૪ આરોપીઓને તરત જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાનો વધતો ગ્રાફ:
આવી ઘટના બાંગ્લાદેશમાં નવી નથી. આ મહિનાની શરૂઆતમાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં મધ્ય કુમિલાના મુરાદનગર વિસ્તારમાં નશીલા પદાર્થના વેપારમાં સંડોવણીના આરોપસર એક મહિલા અને તેના પુત્ર-પુત્રીની કથિત રીતે માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
૨૦૨૪ માં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર વિરુદ્ધ થયેલા હિંસક આંદોલન બાદથી બાંગ્લાદેશમાં ભીડ દ્વારા હિંસાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે ૧૦ જુલાઈએ જણાવ્યું હતું કે, ૪ ઓગસ્ટ, ૨૦૨૪ થી એટલે કે છેલ્લા ૩૩૦ દિવસમાં લઘુમતીઓ વિરુદ્ધ ૨૪૪૨ ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં હત્યા, મહિલાઓ પર જાતીય હુમલા, ધાર્મિક સ્થળો પર હુમલા, સંપત્તિઓ પર કબજો જેવી ગંભીર ઘટનાઓનો સમાવેશ થાય છે. શું બાંગ્લાદેશમાં લઘુમતીઓ માટે ન્યાય અને સુરક્ષા માત્ર કાગળ પર જ રહી જશે? આ પ્રશ્ન હવે દરેક ભારતીયના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.

 

(10:30 PM IST)