<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th July 2025

જો 50 દિવસમાં યુક્રેનમાં યુદ્ધનો અંત નહીં થાય તો રશિયા પર 100 ટકા ટેરિફ લાદશું : ડોનાલ્ડ ટ્રમ્પની હવે પુતિનને ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને વધુ શસ્ત્રો મોકલવા માટે નાટો સાથી દેશો સાથે કરારની પણ જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ધમકી આપી છે કે, જો 50 દિવસમાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે કોઈ કરાર નહીં થાય તો રશિયા પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને વધુ શસ્ત્રો મોકલવા માટે નાટો સાથી દેશો સાથે કરારની પણ જાહેરાત કરી છે. સોમવારે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે ઓવલ ઓફિસમાં મળેલી બેઠક દરમિયાન, યુએસ પ્રમુખે કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટેના કરાર તરફ વિચાર ન કરવા બદલ રશિયાથી નાખુશ છે.

ભારત અને પાકિસ્તાન, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો વચ્ચેના સંઘર્ષોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, "અમે વેપાર દ્વારા યુદ્ધો ઉકેલવામાં ખૂબ સફળ રહ્યા છીએ." સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી બેઠક દરમિયાન, ટ્રમ્પે યુક્રેનને શસ્ત્રો મોકલવાની યોજનાની પણ પુષ્ટિ કરી હતી, જેમાં પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે નાટો સાથી દેશો અમેરિકા પાસેથી અબજો ડોલરના લશ્કરી સાધનો ખરીદશે અને યુક્રેનને પહોંચાડશે. ટ્રમ્પે કહ્યું, "મેં જર્મની અને મોટાભાગના મુખ્ય નાટો દેશો સાથે વાત કરી છે અને તેઓ તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છે."

નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે કહ્યું કે આ યુક્રેનને શસ્ત્રોનો "માત્ર પહેલો શિપમેન્ટ" હશે, અને ભવિષ્યમાં વધુ શસ્ત્રો મોકલવામાં આવશે. રશિયન હવાઈ હુમલાઓ સામે યુક્રેનના સંરક્ષણ માટે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો મહત્વપૂર્ણ છે. આ યુએસ-નિર્મિત શસ્ત્ર યુક્રેનના શસ્ત્રાગારમાં એકમાત્ર મિસાઇલ છે જે રશિયન બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવા સક્ષમ છે. રૂટે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન સાથેના શસ્ત્ર સોદામાં અમેરિકાના પોતાના ભંડારને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

(11:36 PM IST)