<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

મિસ પુડુચેરી ૨૦૨૧ સૈન રેચલે ઊંઘની ગોળી ખાઈ જીવ ટૂંકાવ્‍યો

ડિપ્રેશનથી પીડાતી હોવાના પ્રાથમિક અહેવાલ

 

મુંબઈ,તા.૧૫: એન્‍ટરટેઈનમેન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્‍યા છે. ૨૫ વર્ષીય મોડલ અને મિસ પુડુચેરી સૈન રેચલે આત્‍મહત્‍યા કરી લીધી છે. રવિવારે પુડુચેરીની જવાહરલાલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ (JIPMER) હોસ્‍પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાએ ચાહકો અને ઈન્‍ડસ્‍ટ્રીમાં શોકની લાગણી ફેલાવી છે.

સૈન રેચલે, જેમનું અસલી નામ શંકર પ્રિયા હતું, તેણે ૫ જુલાઈના રોજ નીંદની ગોળીઓ ખાઈ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. તેમના પિતાના ઘરે આ ઘટના બની, જ્‍યાંથી તેમને તાત્‍કાલિક પુડુચેરી સરકારી હોસ્‍પિટલ લઈ જવાયા. પછી ખાનગી હોસ્‍પિટલમાં અને અંતે JIPMERમાં દાખલ કરવામાં આવ્‍યા, પરંતુ ડોક્‍ટરો તેમને બચાવી શકયા નહીં. ઉરલૈયનપેટ્ટઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, જો કે આ મામલે હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

સૈન રેચલે ૨૦૨૧માં મિસ પુડુચેરી અને ૨૦૧૯માં મિસ ડાર્ક ક્‍વીન તમિલનાડુનું ટાઈટલ જીત્‍યુ હતું. તેમણે મૉડલિંગ ઈન્‍ડસ્‍ટ્રીમાં શ્‍યામ વર્ણને લઈને થતા ભેદભાવ સામે અવાજ ઉઠાવ્‍યો હતો. લંડન, જર્મની અને ફ્રાન્‍સમાં આંતરરાષ્‍ટ્રીય બ્‍યૂટી પેજન્‍ટ્‍સમાં ભાગ લઈને તેમણે ભારતનું નામ રોશન કર્યું. સૈન મહિલાઓની સુરક્ષા અને સશક્‍તિકરણ માટે પણ સક્રિય હતા.

સૈનની નાની ઉંમરે માતાનું અવસાન થયું હતું અને તેમના પિતાએ તેને ઉછેરીને મૉડલિંગ માટે પ્રોત્‍સાહન આપ્‍યુ હતુ. ગયા વર્ષે સૈનના લગ્ન થયા હતા, પરંતુ તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં નાણાકીય સમસ્‍યાઓ અને તણાવનું કારણ બહાર આવ્‍યા હોવાની માહિતી મળી છે. પરંતુ આત્‍મહત્‍યાનું ચોક્કસ કારણ હજુ અસ્‍પષ્ટ છે. ચાહકો સૈનના નિધનથી દુઃખી છે અને તેમના આત્‍માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.(૪૦.૮)

(1:44 PM IST)