News of Tuesday, 15th July 2025
અમરનાથ મંદિર આરતી વિવાદમાં પાસા હેઠળ જેલ ગયેલા ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાને રાહત : ગૃહ વિભાગે પાસા રિવોક કરતા આજે થશે જેલમુક્તિ!
'લોહિયાળ ક્રાંતિ'ની ધમકી અને રૂપાલા વિવાદમાં સક્રિયતા બાદ ૫ જુલાઈએ અટકાયત : ક્ષત્રિય સમાજની ઉગ્ર રજૂઆતો ફળી : અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગતની તૈયારીઓ

'લોહિયાળ ક્રાંતિ'ની ધમકી અને રૂપાલા વિવાદમાં સક્રિયતા બાદ ૫ જુલાઈએ અટકાયત : ક્ષત્રિય સમાજની ઉગ્ર રજૂઆતો ફળી : અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગતની તૈયારીઓરાજકોટ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૫ (મંગળવાર): રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા સામેનો પાસા (Prevention of Anti-Social Activities Act) નો આદેશ રાજ્યના ગૃહ વિભાગે મોડી રાત્રે રદ (રિવોક) કરી દીધો છે. આ નિર્ણયને પગલે પી.ટી. જાડેજા આજે અમદાવાદની સાબરમતી જેલમાંથી મુક્ત થશે તેવી અપેક્ષા છે, જેનાથી ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી છવાઈ છે.
શું હતો વિવાદ?
પી.ટી. જાડેજાને ૫ જુલાઈના રોજ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદ બાદ પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, ક્ષત્રિય આગેવાને આરતી કરતો નહીં, નહીં તો લોહિયાળ ક્રાંતિ થશે તેમ કહીને ગાળો બોલીને ધમકી આપી હતી. આ ઘટના બાદ રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૪ જુલાઈની રાત્રે જ સાંઈનગર સ્થિત તેમના નિવાસ્થાનેથી તેમની અટકાયત કરી હતી અને તે જ રાત્રે તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયા હતા.
રૂપાલા વિવાદ અને સરકારની નજરમાં:
નોંધનીય છે કે, પી.ટી. જાડેજા સાંસદ પરસોત્તમ રૂપાલા સામે ચાલેલા ક્ષત્રિય આંદોલનમાં પણ ખૂબ સક્રિય હતા. આ આંદોલનમાં તેમની અગ્રણી ભૂમિકાને કારણે તેઓ સરકારની નજરમાં આવ્યા હોવાનું મનાય છે. તેમની પાસા હેઠળની અટકાયતના પગલે ક્ષત્રિય સમાજમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા.
ક્ષત્રિય સમાજની રજૂઆતો ફળીભૂત:
પી.ટી. જાડેજાની અટકાયત બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ પાસાના આ હુકમને રિવોક કરવા માટે ઉગ્ર માંગણીઓ કરવામાં આવી હતી. આ સતત રજૂઆતો અને સમાજના દબાણને ધ્યાનમાં રાખીને, રાજ્યના ગૃહ વિભાગે સોમવારે મોડી રાત્રે પી.ટી. જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કરવાનો નિર્ણય લીધો.
આજે જેલમુક્તિ અને ભવ્ય સ્વાગત:
પાસા રિવોકનો સત્તાવાર આદેશ આજે સાબરમતી જેલમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં પી.ટી. જાડેજા જેલમાંથી મુક્ત થશે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે, મંગળવારે પી.ટી. જાડેજા જેલમાંથી બહાર આવશે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટ સહિત ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો અને કાર્યકરો તેમને માનભેર આવકારવા અમદાવાદ પહોંચશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
