<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

MRP પ્રણાલીમાં ફેરફાર કરવા તૈયારી

પારદર્શિતા લાવવા સરકારનો વિચાર

નવી દિલ્‍હી, તા.૧૫: કેન્‍દ્ર સરકાર ગ્રાહકોને વધુ રાહત આપવા અને પારદર્શિતાને પ્રોત્‍સાહન આપવા માટે મહત્તમ છૂટક ભાવ (MRP) કિંમત પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાનું વિચારી રહી છે. મિન્‍ટના અહેવાલ મુજબ, કેન્‍દ્રીય ગ્રાહક બાબતોનો વિભાગ સંબંધિત હિસ્‍સેદારો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યો છે અને વાટાઘાટો હજુ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે.

કેટલાક માને છે કે આ પગલાથી કિંમત નિર્ધારણ પદ્ધતિમાં પારદર્શિતા વધશે અને બિનજરૂરી ભાવ વધારાને રોકવામાં મદદ મળશે, જ્‍યારે અન્‍ય માને છે કે આનાથી કિંમત નિર્ધારણની સ્‍વતંત્રતા ઘટી શકે છે.

MRP શા માટે જરૂરી છે?

ઉદારીકરણ પહેલાના સમયથી MRP સિસ્‍ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્‍યારે તે છૂટક વેપારીઓના અન્‍યાયી વ્‍યવહારોને રોકવા માટે રજૂ કરવામાં આવી હતી જેઓ ભોળા ગ્રાહકો પાસેથી વધુ પડતી કિંમતો વસૂલતા હતા.

મિન્‍ટના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ ફેરફારનો ઉદ્દેશ્‍ય કિંમતોને નિયંત્રિત કરવાનો નથી પરંતુ ખર્ચ અને નફા અનુસાર તેને વાજબી બનાવવાનો અને અન્‍યાયી વેપાર પ્રથાઓને રોકવાનો છે.

૧૬ મેના રોજ મળેલી બેઠકમાં હાજરી આપનારા ઉદ્યોગ અધિકારીઓ હાલની સિસ્‍ટમમાં ફેરફાર કરવાના પક્ષમાં નથી. ૧૬ મેના રોજ તમામ હિસ્‍સેદારો સાથે યોજાયેલી બેઠકમાં, MRP સિસ્‍ટમ તેમજ કિંમત નિર્ધારણના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ સંગઠનો અને ગ્રાહક જૂથોને MRP મિકેનિઝમ સુધારવા માટે સૂચનો આપવા કહેવામાં આવ્‍યું છે.

લીગલ મેટ્રોલોજી એક્‍ટ ૨૦૦૯ ગ્રાહક બાબતોના મંત્રાલયને અન્‍યાયી વેપાર પ્રથાઓની તપાસ કરવાની અને વજન, માપ અને લેબલમાં વેપાર અને વાણિજ્‍યનું નિયમન કરવાની સત્તા આપે છે.

વસ્‍તુઓ સસ્‍તી થશે કે મોંઘી?

આ અંગે અત્‍યારે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. કારણ કે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. નવા ફોર્મ્‍યુલાના આધારે નક્કી કરાયેલ દર, એટલે કે ખર્ચ, નફાનું માર્જિન અને અન્‍ય ચાર્જ, હાલના દરો કરતા વધારે અથવા ઓછું હોઈ શકે છે. આ માટે તમારે થોડી રાહ જોવી પડશે.

(4:02 PM IST)