તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
હોસ્પિટલે માનવતા નેવે મૂકીઃ ૨૨ દિવસ સુધી મૃત બાળકની ડોક્ટર્સ સારવાર કરીઃ પરિવાર પાસેથી રુપિયા પડાવતા રહ્યા
બાળકના માતા-પિતાએ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું: જ્યારે પૈસા ખતમ થઈ ગયા તો તેમણે પોતાની જમીન ગિરવે મૂકી દીધી

બસ્તી તા.૧૬: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલ પર ૨૨ દિવસ સુધી એક મળત નવજાત શિશુની સારવાર કરીને પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલાએ તો અક્ષય કુમારની ગબ્બર ફિલ્મની યાદ અપાવી દીધી, તેમાં પણ કંઈક આવું જ બતાવ્યું હતું. જ્યાં એક મળત વ્યક્તિની સારવાર ચલાવીને હોસ્પિટલ પરિવાર પાસેથી પૈસા વસૂલતી રહી.
પરિવારના જણાવ્યા અનુસાર, માસૂમ બાળક ગંભીર રીતે બીમાર હતું. જેની સારવાર માટે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું. શરૂઆતમાં સારવાર આયુષ્યમાન ભારત કાર્ડથી શરૂ કરી હતી, પણ બાદમાં હોસ્પિટલ સત્તાવાળાએ આ કાર્ડથી સારવાર બંધ કરી રોકડ ચૂકવણીની માગ શરૂ કરી દીધી.
પરિવારનો આરોપ છે કે, હોસ્પિટલે બાળકનું મોત થઈ ગયા બાદ પણ તેને આઈસીયુમાં રાખ્યું અને ખોટી સારવાર દેખાડતા રહ્યા. સારવારના નામ પર પરિવાર પાસેથી લગભગ ૨ લાખ રૂપિયા વસૂલી લીધા હતા. જ્યારે બાળકની હાલતમાં કોઈ સુધારો ન થયો તો પરિવારે ડોક્ટર્સને ઘણી વાર કોઈ મોટી હોસ્પિટલમાં રેફર કરવાની અપીલ કરી, પણ ડોક્ટર્સે તેમની એક વાત માની નહીં. તેમને ખાલી પૈસાની ચિંતા હતી, નહીં કે બાળકના જીવની.
બાળકના માતા-પિતાએ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે બધું જ દાવ પર લગાવી દીધું. જ્યારે પૈસા ખતમ થઈ ગયા તો તેમણે પોતાની જમીન ગિરવે મૂકી દીધી. ત્યાં સુધી કે માએ પોતાના શરીર પર ધારણ કરેલા દાગીના પણ વેચી દીધા. પરિવારનું કહેવું છે કે, જો ડોક્ટર્સે સમય રહેતા બાળકને રેફર કર્યું હોત તો કદાચ બાળક જીવતું હોત. પણ ડોક્ટર અને હોસ્પિટલ પ્રશાસનને ખાલી પૈસાની ચિંતા હતી.
આ સમગ્ર મામલાને લઈને જ્યારે સીએમઓ રાજીવ નિગમ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, જો આ સંબંધમાં કોઈ ફરિયાદ મળશે તો એક તપાસ ટીમ બનાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.(૩૮.૬)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
