<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ભારતમાં ૫ વર્ષમાં ૬૫ ફલાઇટનાં એન્‍જિન બંધ થયાઃ RTIમાં ખુલાસો

હવામાં અને ટેકઓફ દરમિયાન શટડાઉન, ૧૭ મહિનામાં ૧૧ મેડે કોલ

નવી દિલ્‍હી,તા.૧૬: ભારતમાં ઉડ્ડયન સલામતી અંગે તાજેતરના વર્ષોમાં ઘણા ચોંકાવનારા આંકડા સામે આવ્‍યા છે. ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા માહિતી અધિકાર (RTI) હેઠળ જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ફ્‌લાઇટ દરમિયાન એન્‍જિન ફેલ્‍યોરના ૬૫ બનાવો નોંધાયા છે. આનો અર્થ એ થયો કે દર મહિને એક એરક્રાફ્‌ટનું એન્‍જિન બંધ થાય છે. જો કે, બધા કિસ્‍સાઓમાં પાઇલટ્‍સ એક જ એન્‍જિન પર વિમાનને લેન્‍ડ કરવામાં અને નજીકના એરપોર્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. અમદાવાદ પ્‍લેન ક્રેશના પ્રારંભિક તપાસ અહેવાલમાં ખુલાસો થયો હતો કે વિમાનના બંને એન્‍જિન બંધ થવાને કારણે આ અકસ્‍માત થયો હતો.

RTI રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ૧ જાન્‍યુઆરી ૨૦૨૪થી ૩૧ મે ૨૦૨૫ વચ્‍ચે ૧૭ મહિનામાં ૧૧ ફ્‌લાઇટ્‍સમાંથી ‘મેડે' કોલ આવ્‍યા હતા. આમાં, ટેકનિકલ ખામી વિશે જણાવીને ઇમરજન્‍સી લેન્‍ડિંગની માંગ કરાઈ હતી. આમાંથી ચાર ફ્‌લાઇટ્‍સ હૈદરાબાદમાં લેન્‍ડ થઈ હતી. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ ઇન્‍ડિગોની ગુવાહાટી-ચેન્નાઈ ફ્‌લાઇટને ઓછા ઇંધણને કારણે ફ્‌લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, RTIમાં ઇન્‍ડિગો ફ્‌લાઇટ અને અમદાવાદ પ્‍લેન ક્રેશનો સમાવેશ થતો નથી. મુખ્‍ય કારણોમાં ફયૂલમાં પાણી અથવા અન્‍ય અશુદ્ધિી, ટર્બાઇનમાં ખરાબી, ઇલેક્‍ટ્રોનિક ગરબડ, બળતણ પુરવઠામાં વિક્ષેપનો સમાવેશ થાય છે.

(4:03 PM IST)