<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાક

સુપ્રીમ કોર્ટની ચેતવણી : રાજકીય પક્ષ તરીકે AIMIMની નોંધણી રદ કરવાની અરજી ફગાવી

નવી દિલ્‍હી,તા.૧૬: ઓલ ઈન્‍ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલિમીન (AIMIM)ની રાજકીય પક્ષ તરીકે થયેલી નોંધણી રદ કરવા માટે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જો કે આ સાથે કોર્ટે નોંધ્‍યું હતું કે, જાતિ આધારિત રાજકારણ પર નિર્ભર રહેતા પક્ષો દેશ માટે તેટલા જ ખતરનાક છે. 

જસ્‍ટિસ સૂર્ય કાંત અને જોયમાલ્‍યા બાગચીની બેન્‍ચે નોંધ્‍યું હતું કે, AIMIMના બંધારણ મુજબ તેનો હેતુ સમાજના દરેક પછાત વર્ગ માટે કામ કરવાનો છે અને તેમાં લઘુમતીનો પણ સમાવેશ થાય છે. બંધારણે લઘુમતિને કેટલાક અધિકારો આપેલા છે અને AIMIMના ઘોષણાપત્ર અથવા બંધારણમાં પણ બંધારણે આપેલા અધિકારોનું જતન કરવાનો ધ્‍યેય છે. આમ, AIMIMનો હેતુ પણ બંધારણે સ્‍વીકારેલા ધ્‍યેયને અનુરૂપ છે. અરજદાર તરફથી એડવોકેટ વિષ્‍ણુ જૈને દલીલો કરી હતી. દિલ્‍હી હાઈકોર્ટ સમક્ષ અગાઉ તેમણે AIMIMની રાજકીય પક્ષ તરીકેની માન્‍યતા રદ કરવા અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્‍વીકાર્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો ધાર્મિક લાગણીઓ ઉશ્‍કેરવાનું કે જાતિ આધારિત રાજકારણ રમવાનું ચૂકતા નથી અને આ દેશ માટે ખતરનાક છે. જો કે આ બાબતે સક્ષમ સત્તામંડળ સમક્ષ રજૂઆત થવી જોઈએ. અરજદાર ઈચ્‍છે તો આ મામલે કોઈ ચોક્કસ પક્ષ અથવા વ્‍યક્‍તિને નિશાન બનાવ્‍યા વગર જનરલ અરજી કરી શકે છે.

અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, AIMIM દ્વારા મુસ્‍લિમોમાં ઈસ્‍લામિક શિક્ષણને પ્રોત્‍સાહન આપવા અને શરિયા કાયદાના પાલન માટે જાગળતિ લાવવાનું કામ પણ થાય છે. સુપ્રીમ કોર્ટે નોધ્‍યુ હતું કે, તેમાં કશું ખોટું નથી. વધુને વધુ રાજકીય પક્ષો દેશમાં શૈક્ષણિક સંસ્‍થાઓની સ્‍થાપના કરે તે આવકાર્ય છે. અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, હિન્‍દુ નામ સાથે અને વેદ, પુરાણ, ઉપનિષદના શિક્ષણ માટે રાજકીય પક્ષ બનાવવાની અરજી કરવામાં આવે તો ચૂંટણી પંચ તેને ફગાવી દે છે.(૪૦.૬)

(9:52 AM IST)