<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કર્ણાટકઃ ફિલ્‍મની ટિકિટ માટે ૨૦૦ રૂપિયાથી વધુ નહીં આપવા પડે

કર્ણાટક સરકારે મલ્‍ટીપ્‍લેક્‍સ અને સિંગલ સ્‍ક્રીન થિયેટરમાં ટિકિટની વધુમાં વધુ કિંમત ૨૦૦ રૂપિયા નક્કી કરીઃ આ નીતિ ખાસ કરીને કન્નડા ફિલ્‍મોને પ્રોત્‍સાહન આપવા અને દર્શકોને રાહત આપવા માટે લાગુ કરવામાં આવી

 

બેંગલુરુ તા.૧૬: કર્ણાટક સરકારે મલ્‍ટીપ્‍લેક્‍સ અને સિંગલ સ્‍ક્રીન થિયેટરમાં ટિકિટની વધુમાં વધુ કિંમત ૨૦૦ રૂપિયા નક્કી કરી છે. આ નીતિ ખાસ કરીને કન્નડા ફિલ્‍મોને પ્રોત્‍સાહન આપવા અને દર્શકોને રાહત આપવા માટે લાગુ કરવામાં આવી છે. દક્ષિણ ભારતના ઘણાં રાજ્‍યોએ પહેલા જ ફિલ્‍મની ટિકિટો માટે મહત્તમ સીમા નક્કી કરી રાખી છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્‍યોમાં પહેલાથી જ આ નિયમ લાગુ છે. પરંતુ કર્ણાટકનો ૨૦૦ રૂપિયાનો એકસમાન સીમા વાળો નિયમ અલગ ઉદાહરણ રજૂ કરે છે.

બેંગલુરુમાં મંગળવાર રાતે સરકારે જાહેરાત કરી કે હવે કર્ણાટકના કોઈપણ થિયેટરમાં ફિલ્‍મની ટિકિટ ૨૦૦ રૂપિયાથી વધુ નહીં હોય. આ સીમા મનોરંજન કર સહિત લાગુ કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયાએ આ વર્ષે બજેટ ભાષણમાં તેનો વાયદો કર્યો હતો. જે હવે ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્‍યો છે. તેનો સીધો ફાયદો એવા દર્શકોને મળશે જે મલ્‍ટીપ્‍લેક્‍સની મોંઘી ટિકિટોને કારણે ફિલ્‍મો જોવાનું ટાળતા હતા. પહેલા પ્રીમિયર શોમાં ટિકિટ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી પહોંચી જતી હતી. હવે તે પણ ૨૦૦ રૂપિયામાં જ જોઈ શકાશે.

કર્ણાટક ફિલ્‍મ ચેમ્‍બર ઓફ કોમર્સ (KFCC) અને કર્ણાટક ફિલ્‍મ પ્રદર્શક સંઘે આ નિર્ણયનું સ્‍વાગત કર્યું છે. તેમનું માનવું છે કે ઓછા ભાવે ટિકિટથી કન્નડ ફિલ્‍મોને નવું જીવન મળશે. ખાસ કરીને તે ફિલ્‍મો જે હિન્‍દી અને તેલુગુ બ્‍લોકબસ્‍ટર્સ સામે ટકી શકતી ન હતી. મુખ્‍યમંત્રીએ કહ્યું કે આ માત્ર આર્થિક નહીં, પરંતુ સાંસ્‍કળતિક નિર્ણય પણ છે. કન્નડ સિનેમા રાજ્‍યની ઓળખ છે અને તેને સામાન્‍ય લોકો સુધી પહોંચાડવું જરૂરી છે.

કર્ણાટક આ પ્રકારનો નિયમ લાગુ કરનારું પહેલું રાજ્‍ય નથી. તમિલનાડુમાં ટિકિટની કિંમત પહેલેથી રૂા. ૬૦ થી રૂા.૨૦૦ વચ્‍ચે નક્કી છે. જ્‍યારે આંધ્ર પ્રદેશે ૨૦૨૨માં થિયેટરોને ચાર શ્રેણીઓમાં વહેંચીને અલગ-અલગ મહત્તમ કિંમતો નક્કી કરી હતી. ત્‍યાં મલ્‍ટિપ્‍લેક્‍સની રિક્‍લાઇનર સીટ માટે રૂા. ૨૫૦ સુધીનો દર નક્કી છે. તેલંગાણામાં પણ ટિકિટની મહત્તમ કિંમત પર મર્યાદા છે, જ્‍યાં સામાન્‍ય સીટ માટે રૂા.૨૯૫ અને પ્રીમિયમ માટે રૂા.૩૫૦ નક્કી કરવામાં આવ્‍યા છે. જોકે આ તમામ રાજ્‍યોમાં કિંમત થિયેટર અને સીટના આધારે બદલાય છે. કર્ણાટકનું મોડેલ થોડું અલગ છે કારણ કે તેમાં દરેક પ્રકારની સીટ અને થિયેટર પર એક સમાન રૂા.૨૦૦ની મર્યાદા લાગુ કરવામાં આવી છે.

મલ્‍ટિપ્‍લેક્‍સ માલિકોએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે આથી તેમની આવક પર અસર પડી શકે છે. તેમનું કહેવું છે કે મોંઘા શો અને પ્રીમિયમ સીટો જ તેમના બિઝનેસને ચલાવી રહી હતી. હવે જ્‍યારે દરેક ટિકિટ રૂા.૨૦૦માં વેચાશે તો ખર્ચ કાઢવો મુશ્‍કેલ થઈ જશે. જોકે સરકારનું કહેવું છે કે આ નિર્ણય જનહિતમાં છે. તેમનું માનવું છે કે વધુ લોકો થિયેટરમાં આવશે તો ઓછા ભાવે પણ સંતુલન જળવાઈ રહેશે. ઇન્‍ડસ્‍ટ્રી બોડીઝે પણ આ જ મંતવ્‍ય આપ્‍યું છે કે લાંબા ગાળામાં આથી સિનેમાને ફાયદો જ થશે.(૩૮.૮)

(10:02 AM IST)