<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

અમે રાહુલ ગાંધીને સાવરકરનું જીવન ચરિત્ર વાંચવાનો આદેશ ન આપી શકીએ

બોમ્‍બે હાઇકોર્ટે રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરૂધ્‍ધ આપેલા નિવેદનો સામે દાખલ કરેલી અરજી ફગાવી દીધી કોર્ટે કહયુ કે આવા મુદાઓ ઉપર દખલગીરી કરી શકીએ નહિ : નેતાને વિચારધારા બદલવા માટે બંધન કરતા આદેશ આપી શકતી નથી

મુંબઇ, તા.૧૬: બોમ્‍બે હાઈકોર્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો સામે દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે રાહુલ ગાંધીનું નિવેદન અપરિપક્‍વ હતું. અભિનવ ભારત કોંગ્રેસના સ્‍થાપક અધ્‍યક્ષ ડૉ. પંકજ ફડણીસે દાખલ કરેલી અરજી બોમ્‍બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીને સાવરકરનું જીવનચરિત્ર વાંચવાનો નિર્દેશ આપવામાં આવે જેથી સાવરકર વિશેની તેમની અજ્ઞાનતા દૂર થઈ શકે.

અમે રાહુલ ગાંધીને કોઈનું જીવનચરિત્ર વાંચવાનો નિર્દેશ આપી શકતા નથી - હાઈકોર્ટ

મુખ્‍ય ન્‍યાયાધીશ આલોક આરાધે અને ન્‍યાયાધીશ સંદીપ માર્નેની બેન્‍ચે અરજી ફગાવી દેતા સ્‍પષ્ટ કર્યું હતું કે અમે રાહુલ ગાંધીને આવી કોઈ સૂચના આપી શકતા નથી. હાઈકોર્ટે એ પણ સ્‍પષ્ટ કર્યું હતું કે કોર્ટ કોઈપણ નેતાને તેમની વિચારધારા બદલવા માટે કોઈ બંધનકર્તા આદેશ આપી શકતી નથી.

અહેવાલ મુજબ, અરજદારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના નિવેદનથી તેમના મૂળભૂત ફરજ બજાવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે, જેમાં બંધારણ નાગરિકોને સ્‍વતંત્રતા સંગ્રામના આદર્શોને માન આપવા અને તેનું પાલન કરવાનું કહે છે.

મુખ્‍ય ન્‍યાયાધીશ આલોક આરાધે, જે કેસની સુનાવણી કરી રહ્યા છે, તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે, અમે રાહુલ ગાંધીને કોઈપણ અરજી વાંચવાનો નિર્દેશ આપી શકતા નથી. ડૉ. પંકજ વતી આ જ વિષય પર અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કોર્ટ આવા મુદ્દાઓમાં દખલ કરી શકતી નથી.(૨૩.૨૪)

(3:46 PM IST)