<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રશિયાએ એન્ટાર્કટિકામાં શોધી કાઢ્યો "કાચા તેલનો મહાસાગર" : ૫૧૧ અબજ બેરલના વિશાળ ભંડારથી સાઉદી અરેબિયાની બાદશાહત ખતમ થવાની ભીતિ! : વિશ્વ શક્તિઓ વચ્ચે નવા સંઘર્ષના મંડાણ?

બ્રિટીશ એન્ટાર્કટિક ક્ષેત્ર હેઠળ વેડેલ સાગરમાં રોસજીઓ દ્વારા રેકોર્ડબ્રેક તેલ ભંડારની શોધ : 1959ની એન્ટાર્કટિક સંધિનું ઉલ્લંઘન થવાનો ભય : રશિયાનો વૈજ્ઞાનિક સર્વેનો દાવો નિષ્ણાતો માટે શંકાસ્પદ : ભવિષ્યમાં કુદરતી સંસાધનો માટે વૈશ્વિક સંઘર્ષ અને ભયાવહ પર્યાવરણીય વિનાશની ચેતવણી!

વોશિંગ્ટન, તા. ૧૬ જુલાઈ, ૨૦૨૫, બુધવાર]: એક ચોંકાવનારા અને સંભવતઃ વૈશ્વિક રાજકારણ અને ઊર્જા બજારને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ દુનિયાના ઇતિહાસનો સૌથી મોટો, કચ્ચા તેલનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે, જેને "કચ્ચા તેલનો મહાસાગર" પણ કહી શકાય. આ વિરાટ તેલ ભંડાર બ્રિટિશ એન્ટાર્કટિક ક્ષેત્ર હેઠળ મળી આવ્યો છે, જે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સંધિ હેઠળ સંરક્ષિત છે.
રિપોર્ટ અનુસાર, રશિયાની સરકારી ભૂ-વૈજ્ઞાનિક કંપની રોસજીઓ (Rosgeo) એ પોતાની શોધ દરમિયાન લગભગ ૫૧૧ અબજ બેરલ કચ્ચા તેલનો પત્તો લગાવ્યો છે. આ આંકડો અત્યાર સુધી કલ્પના કરાયેલા કોઈપણ તેલ ભંડાર કરતાં ક્યાંય વધારે છે. મહત્વનું છે કે, પૃથ્વી પરથી અત્યાર સુધી જેટલું તેલ કાઢવામાં આવ્યું છે, તેના કરતાં પણ આ ભંડારની માત્રા વધુ હોવાનો અંદાજ છે. આ શોધથી એ આશંકા વધુ પ્રબળ બની છે કે, વૈશ્વિક શક્તિઓ બરફથી ઢંકાયેલા આ ખંડ નીચે છુપાયેલા તેલના આ મહાસાગરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે, જે ભવિષ્યમાં મોટા સંઘર્ષનું કારણ બની શકે છે.
એન્ટાર્કટિક સંધિ અને રશિયાનો દાવો:
આ શોધ એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે, ૧૯૫૯ની એન્ટાર્કટિક સંધિ હેઠળ ત્યાં કોઈપણ પ્રકારની સૈન્ય કે વાણિજ્યિક ગતિવિધિઓ, ખાસ કરીને કુદરતી સંસાધનોનું દોહન કરવા પર પ્રતિબંધ છે. જોકે, રશિયાનું કહેવું છે કે, આ સર્વે ફક્ત વૈજ્ઞાનિક હેતુઓ માટે કરવામાં આવ્યો છે. પરંતુ, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, આ સંશોધન ભવિષ્યમાં તેલ ખનનની તૈયારીનું એક સંકેત હોઈ શકે છે અને ભવિષ્યમાં મહાશક્તિઓ વચ્ચેના સંઘર્ષનું નવું યુદ્ધભૂમિ બની શકે છે.
રોયલ હોલોવે યુનિવર્સિટીમાં ભૂ-રાજનીતિના પ્રોફેસર ક્લાઉસ ડોડ્સનું માનવું છે કે, રશિયા જૂઠું બોલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ 'સંશોધન અભિયાન' સંસાધનોના દોહન માટે એક છૂપો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, ૫૦૦ અબજ બેરલથી વધુનો તેલ ભંડાર મળવાનો અર્થ એ છે કે, તે વિશ્વના ઊર્જા સંતુલનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ જ કારણ છે કે, રશિયા આ ક્ષેત્રમાં ખૂબ જ રસ દાખવી રહ્યું છે. જોકે, રશિયા હજુ પણ પોતાના વલણ પર કાયમ છે કે તે સંધિનું પાલન કરશે અને ફક્ત શાંતિપૂર્ણ સંશોધન કરી રહ્યું છે.
ભવિષ્યના સંઘર્ષનું નવું મેદાન?
નોંધનીય છે કે, બ્રિટિશ એન્ટાર્કટિક ક્ષેત્ર પર ચિલી અને આર્જેન્ટિના જેવા દેશોના પણ દાવા છે, અને આ શોધ પછી તે દેશોએ પણ સંસાધન હિતોને લઈને રસ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. આનાથી એન્ટાર્કટિકામાં વર્ષોથી કાયમ આંતરરાષ્ટ્રીય સહયોગની ભાવના જોખમમાં પડી શકે છે. ભૂ-રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ભવિષ્યમાં જ્યારે કુદરતી સંસાધનો ઓછા થશે, ત્યારે વૈશ્વિક શક્તિઓ વચ્ચે આ અખૂટ તેલ ભંડારને લઈને નવો સંઘર્ષ શરૂ થઈ શકે છે. શીત યુદ્ધ દરમિયાન એન્ટાર્કટિક સંધિ પર ૧૨ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારથી આ ખંડ પર સંસાધનોના દોહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ ૫૬ દેશો આ સંધિ પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે, અને રશિયા સહિત કોઈપણ દેશે સંસાધનો કાઢવાનો દાવો કર્યો નથી.
પર્યાવરણીય ભયાવહ પરિણામોની ચેતવણી:
એન્ટાર્કટિકામાં બરફ પીગળવાની સાથે જ તેલની શોધ પણ થઈ રહી છે. જોકે, આ ખંડ દુનિયાના ૭૦% થી વધુ મીઠા પાણીનું ઘર છે અને તે બરફથી ઢંકાયેલું છે. આ બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર વધશે અને હવામાનમાં સતત બદલાવ આવવાનો શરૂ થશે. નિષ્ણાતોનું માનવું છે કે, બરફ નીચે મળેલું તેલ, દુનિયાભરમાં ઊર્જા સુરક્ષામાં સુધારો કરી શકે છે, પરંતુ આ તેલ ક્ષમતાનો ઉપયોગ અને તેને કાઢવાનો અર્થ પૃથ્વીને ગંભીર પર્યાવરણીય જોખમમાં મૂકવો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, જો આ જીવાશ્મ ઇંધણને કાઢવાનો પ્રયાસ થશે, તો તેનો અર્થ પૃથ્વીને સમાપ્ત કરવાનો પ્રયાસ હશે.

(6:39 PM IST)