News of Wednesday, 16th July 2025
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના પ્રયાસો ફળ્યા : સરડીયા-વાંસજાલિયા નવી રેલવે લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી : સૌરાષ્ટ્રના ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને મળશે વેગ
રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ૪૫ કિલોમીટર લાંબી નવી લાઇનને લીલી ઝંડી : સોમનાથ - દ્વારકા - ઓખા - પોરબંદરને મળશે વધારાનો અને ટૂંકો માર્ગ : તીર્થયાત્રીઓ માટે મુસાફરી બનશે વધુ સુગમ

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના સતત પ્રયાસો અને માર્ગદર્શન થકી ગુજરાતને રેલ મંત્રાલય તરફથી એક મોટી ભેટ મળી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ગુજરાત રાજ્યમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપી દીધી છે, જે સૌરાષ્ટ્રના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, સરાડીયા અને વાંસજાળિયા વચ્ચેની આ નવી લાઇન ૪૫ કિલોમીટર લાંબી હશે. આ લાઇન શરૂ થવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને જબરદસ્ત વેગ મળશે. આ વિસ્તાર ભારતીય રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંના લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે.
આ નવી લાઇન સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત, તે ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા મહત્વપૂર્ણ તીર્થસ્થાનો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સુગમ બનશે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના "સબકા સાથ, સબકા વિકાસ" ના સિદ્ધાંતને અનુરૂપ સર્વ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપશે.
ભૌગોલિક દ્રષ્ટિએ, સરાડીયા ગામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલું છે, જ્યારે વાંસજાળિયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલું છે અને પોરબંદરથી ૩૪ કિમી દૂર છે. આ રેલવે સ્ટેશન પર પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને પણ સ્ટોપેજ આપવામાં આવેલ છે. આ નવી રેલવે લાઇન આ સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
