<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

બાંગ્‍લાદેશમાં શેખ હસીનાના શહેરમાં હિંસા : ૪ લોકોના મોત

ગોપાલગંજમાં કલમ ૧૪૪ લાગુ : હિંસા માટે અવામી લીગ જવાબદાર છે - મોહમ્‍મદ યુનુસ

ઢાકા, તા.૧૭: લાંબા સમયથી અશાંતિમાં રહેલા બાંગ્‍લાદેશમાં ફરી એકવાર હિંસા અને અથડામણની ઘટનાઓ બની છે. બુધવારે ગોપાલગંજમાં નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ની રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. આમાં ચાર લોકોના મોત થયા હતા. ગોપાલગંજ બાંગ્‍લાદેશના નિર્વાસિત વડાપ્રધાન શેખ હસીના અને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું વતન પણ છે.

ઢાકા ટ્રિબ્‍યુન અનુસાર, મળતકોની ઓળખ ગોપાલગંજ શહેરના ઉદયન રોડના સંતોષ સાહાના પુત્ર ૨૫ વર્ષીય દિપ્તો સાહા, ૧૮ વર્ષીય રમઝાન કાઝી, ૩૦ વર્ષીય સોહેલ રાણા અને ૨૪ વર્ષીય ઇમોન તરીકે થઈ છે.

ગોપાલગંજના હોસ્‍પિટલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. જીબિતેશ બિશ્વાસે જણાવ્‍યું હતું કે ૧૫ ઘાયલોની સારવાર ચાલી રહી છે જ્‍યારે ગંભીર રીતે ઘાયલ રમઝાન મુનશી સહિત ત્રણ અન્‍ય લોકોને ઢાકા મોકલવામાં આવ્‍યા છે. આ પહેલા, બુધવારે બપોરે લગભગ ૨:૩૦ વાગ્‍યે, ગોપાલગંજમાં NCPના કાફલા પર હુમલો થયો હતો. હિંસાની આ ઘટનાઓ બાદ, જિલ્લા કમિશનર મોહમ્‍મદ કમરઉઝમાને ગોપાલગંજ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી છે.

બાંગ્‍લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્‍મદ યુનુસે હિંસા માટે શેખ હસીનાની પાર્ટી અવામી લીગને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે કોઈને શાંતિપૂર્ણ રેલી યોજતા અટકાવવા એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

મોહમ્‍મદ યુનુસના કાર્યાલયે કહ્યું છે કે આ મામલામાં સામેલ લોકોની ઓળખ કરીને તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. હિંસા બાદ બોર્ડર ગાર્ડ બાંગ્‍લાદેશની ચાર વધારાની પ્‍લાટૂન તૈનાત કરવામાં આવી છે. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, ગોપાલગંજમાં ૨૨ કલાકનો કફર્યુ લાદવામાં આવ્‍યો છે.

ન્‍યૂઝ આઉટલેટ પ્રથમ આલો અનુસાર, NCP કાર્યકરોની કૂચ પહેલા આવામી લીગના નેતાઓ અને પોલીસ વચ્‍ચે ભીષણ અથડામણ થઈ હતી. પોતાના ભાષણોમાં, એનસીપી નેતાઓએ મુજીબના વારસાને દૂર કરવાની વાત કરી. અહેવાલો અનુસાર, વિરોધીઓએ પોલીસ વાહનો પર હુમલો કર્યો અને પરિસ્‍થિતિને કાબુમાં લેવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્‍યો.

એનસીપી નેતાઓએ આરોપ લગાવ્‍યો કે શેખ હસીનાના ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો અને પોલીસ તમાશો જોતી રહી

(10:07 AM IST)