News of Thursday, 17th July 2025
બોઈંગને બચાવવા પાઈલોટને જવાબદાર ઠેરવતું અમેરિકા
વિમાનના કેપ્ટન સૂમિત સભરવાલે એન્જીનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમેરિકા એ નવી થીયરી રજુ કરીઃ અમેરિકી મીડિયા બોઈંગ કંપનીને બચાવવા મેદાને ઉતર્યુઃ AAIBના રિપોર્ટને ખોટી રીતે રજુ કર્યો

નવી દિલ્હી,તા.૧૭: ૧૨ જૂને અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનામાં બોઈંગની ગરદન ફસાતી જોઈને અમેરિકન મીડિયાએ આખા મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમદાવાદ દુર્ઘટના પછી વિશ્વસનીયતા ગુમાવી રહેલા બોઇંગને બરબાદીથી બચાવવા માટે અમેરિકન મીડિયાએ ભારતીય પાઇલટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં અમેરિકન મીડિયાએ પણ AAIB રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અહેવાલને ટાંકીને, અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલએ લખ્યું છે કે કોકપીટ રેર્કોડિંગથી જાણવા મળ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો. અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા આヘર્યચકિત છે. એ નોંધનીય છે કે AAIB રિપોર્ટમાં કયાંય એવું કહેવામાં આવ્યું નથી કે કેપ્ટન દ્વારા ફયુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરવામાં આવ્યો હતો.
૧૨ જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો.
WSJ એ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેર્કોડિંગમાંથી આ ખુલાસો થયો છે. વોઇસ રેર્કોડિંગમાં જાણવા મળ્યું કે બોઇંગ વિમાન ઉડાડતા કો-પાયલોટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછયું, તમે ફયુઅલ સ્વીચને કટઓફ સ્થિતિમાં કેમ મૂકયો?
પ્રશ્ન પૂછતી વખતે સહ-પાયલટ આヘર્યચકિત થઈ ગયો. તેના અવાજમાં ગભરાટ હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતો હતો. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને ૧૫,૬૩૮ કલાકનો ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટ ક્લાઈવ કુંદરને ૩,૪૦૩ કલાકનો ઉડાનનો અનુભવ હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકી અધિકારીઓની પ્રારંભિક તપાસથી પરિચિત લોકોના હવાલાથી જણાવ્યું છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB), ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), સિવિલ એવિએશન મંત્રાલય, બોઇંગ કે એર ઇન્ડિયા તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
પાંચ દિવસ પહેલા ભારતે પણ પાઇલટ્સની વાતચીતને સાર્વજનિક કરી હતી. આ પહેલા, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ૧૨ જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફયુઅલ સ્વીચ અચાનક RUN થી CUTOFF સ્થિતિમાં ખસી ગયો, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા.
જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઇંધણના સ્વીચો કેવી રીતે બંધ થઈ ગયા. AAIB ના અહેવાલમાં જણાવાયું છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સાંભળવામાં આવ્યો હતો કે તેણે બળતણ કેમ બંધ કર્યું. બીજા પાયલોટે જવાબ આપ્યો કે તેણે આવું નથી કર્યું.
એર ઇન્ડિયાએ કહ્યું- બોઇંગ-૭૮૭ વિમાનના ફયુઅલ સ્વીચમાં કોઈ ખામી નથી
એર ઇન્ડિયાએ બુધવારે માહિતી આપી હતી કે તેના તમામ બોઇંગ ૭૮૭ શ્રેણીના વિમાનોમાં ફયુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) ના લોકીંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એરલાઇને તેના પાઇલટ્સને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફયુઅલ સ્વીચમાં કોઈ ખામી જોવા મળી નથી.
કંપનીએ જણાવ્યું હતું કે તમામ બોઇંગ ૭૮૭ વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) પણ બદલવામાં આવ્યા છે. ફયુઅલ કંટ્રોલ સ્વીચ એ TCMનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ૧૪ જુલાઈના રોજ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ એરલાઇન્સને ૨૧ જુલાઈ સુધીમાં તમામ બોઇંગ ૭૩૭ અને ૭૮૭ શ્રેણીના વિમાનોમાં ફયુઅલ સ્વીચોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
એર ઇન્ડિયા પાસે કુલ ૩૩ બોઇંગ-૭૮૭ ડ્રીમલાઇનર વિમાન છે. ઇન્ડિગો પાસે સાત B-737 મેક્સ ૮ અને એક B-787-9 વિમાન છે. આ બધા વિમાનો લીઝ, વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે. તેથી તે ભારતમાં નોંધાયેલ નથી.(૪૦.૧૯)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
