સ્પીપા, ગાંધીનગર દ્વારા ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ‘અટલ લેક્ચર સિરીઝ’નો ગાંધીનગરથી ભવ્ય શુભારંભ : સુશાસન અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને મળશે બળ : વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને મુખ્ય સચિવે કરાવ્યું ઉદ્ઘાટન
રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ‘અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણી’ના આયોજનનું કર્યું હતું નિર્ધારણ : મુખ્ય સચિવ પંકજ જોશીએ અટલજીના જીવનને રાષ્ટ્રસેવા સમર્પિત ગણાવ્યું : ડૉ. સૌમ્ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્રમાં તેમના ક્રાંતિકારી યોગદાનની વિસ્તૃત છણાવટ કરી

ગાંધીનગર : સુશાસન અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ બળ આપવાના ઉમદા હેતુસર, સ્પીપા (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન), ગાંધીનગર દ્વારા ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ‘અટલ લેક્ચર સિરીઝ’નો ગાંધીનગરથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય શ્રેણીનું ઉદ્ઘાટન વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં સ્પીપા દ્વારા દેશ અને રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને "અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણી"નું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ શ્રેણીમાં દેશ અને રાજ્યભરના વિવિધ વિષયના નિષ્ણાતો ગુડ-ગવર્નન્સ અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્યાખ્યાન આપશે. ‘અટલ લેક્ચર સિરીઝ’નો આ પહેલો વ્યાખ્યાન સ્પીપા, ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. જોશીએ ભારપૂર્વક કહ્યું કે આ લેક્ચર સિરીઝ અટલજીના વિચારો અને મૂલ્યોને માત્ર સ્મરણ કરવાનું સાધન નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને પ્રેરિત કરતી એક નવી દિશા છે. અટલજીના જીવનમાં લોકશાહી, વિકાસ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના રહ્યા છે અને આ મંચ આ તમામ વિષયો પર ચર્ચા અને વિચારમંથન કરવા માટે એક મહત્વપૂર્ણ અવસર છે.
આ પ્રસંગે વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. સૌમ્ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્ર તથા પ્રશાસકીય સુધારામાં વાજપેયીના યોગદાનને યાદ કર્યું. તેમણે અટલ બિહારી વાજપેયીના સમયના ભારત અને તેમના દ્વારા ઘડવામાં આવેલી વિવિધ નીતિઓ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે. તેમણે બેંકિંગ ક્ષેત્રના સુધારા, ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ, પાવર ક્ષેત્રના સુધારા, ખાનગીકરણ, વીમા ક્ષેત્રની વૃદ્ધિ, પેન્શન અને પરિવહન ક્ષેત્રે વૃદ્ધિ, દેશની મૂડી-ખર્ચ, રાજકોષીય નીતિ, ‘ઓપરેશન શક્તિ’ જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાડી આંકડાકીય માહિતી સાથે દેશના વિકાસ વિશે જણાવ્યું. ડૉ. ઘોષે વિકસિત ભારતમાં ટકાઉ કૃષિ બજારના અમૂલ્ય યોગદાન વિશે પણ સૌને માહિતગાર કર્યા. ડૉ. ઘોષે ભારતમાં મુખ્ય આર્થિક નીતિઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના પગારપત્રક ડેટા એકત્રિત કરવાનો પણ સમાવેશ થાય છે, જેના પરિણામે ઇપીએફઓ અને ઈએસઆઈસી દ્વારા માસિક પગારપત્રક ડેટા બહાર પાડવામાં આવ્યો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ખેડૂતો માટે પીએમ–કિસાન યોજના અને એમએસએમઈ તેમજ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ECLGS) ને આકાર આપવામાં પણ ઘોષનું મહત્વનું યોગદાન રહ્યું છે.
ગુજરાત સરકાર ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન ગુડ ગવર્નન્સ સંબંધિત વિષયો પર ‘અટલ વ્યાખ્યાનમાળા’નું આયોજન કરી રહી છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન સ્પીપા કેમ્પસ, ગાંધીનગર ખાતે તા. ૧૬ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વિવિધ વિભાગના અધિક મુખ્ય સચિવ, સચિવ, વડાઓ તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 'અટલ લેક્ચર સિરીઝ' યુવાનો અને નાગરિકો માટે પ્રેરણાદાયક બની સુશાસનનો માર્ગ મોકળો કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
