હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટના રાજકારણના પીઢ નેતા અને પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનું દુઃખદ અવસાન : લાંબી બીમારી સબબ લીધા અંતિમ શ્વાસ : શહેરના વિકાસ અને સિદ્ધાંતો માટે આજીવન લડત ચલાવનાર વ્યક્તિત્વનો અંત!
૧૯૭૫માં પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ગોવિંદભાઈ ત્રણ ટર્મ સુધી વિજેતા બન્યા હતા અને ૧૯૯૮-૯૯માં મેયર પદ શોભાવ્યું હતું

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. શહેરના પૂર્વ સિનિયર કોર્પોરેટર અને પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનું આજરોજ બીમારી સબબ દુઃખદ અવસાન થયું છે, જેના કારણે રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ છે.
સ્વ. ગોવિંદભાઈ સોલંકી એક એવા રાજકીય વ્યક્તિત્વ હતા જેમણે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાકાળથી જ શહેરના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ૧૯૭૫માં યોજાયેલી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જુના વોર્ડ નંબર ૧૫ માંથી ભારતીય જનસંઘ (જનતા મોરચો) ના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. ત્યારથી લઈને તેઓ સતત બે ટર્મ સુધી આ જ વોર્ડમાંથી ચૂંટાયા હતા, જેમાં ૧૯૮૧માં બીજીવાર ભાજપના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, ૧૯૯૫માં તેઓ વોર્ડ નંબર ૧૪ માંથી ત્રીજીવાર વિજેતા બની, રાજકોટના રાજકારણમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી.
તેમની રાજકીય કારકિર્દીનો સુવર્ણકાળ ૧૯૯૮-૯૯માં આવ્યો, જ્યારે તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકે ચૂંટાયા અને શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા.
રાજકારણ ઉપરાંત, સ્વ. ગોવિંદભાઈ સોલંકી છેલ્લા પાંચ દાયકાથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. આ વ્યવસાયમાં તેમણે ઘણા નાના ધંધાર્થીઓને ખૂબ જ સહાયભૂત થઈ, તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
તેમની રાજકીય અને સામાજિક કારકિર્દીમાં તેમની માન્યતાઓ પ્રત્યેની ચોકસાઈ અને સિદ્ધાંતનિષ્ઠા હંમેશા પ્રશંસનીય રહી હતી. ૧૯૮૬-૮૭માં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જગદીશને ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે મોટા પાયે ઝુંબેશ ચાલુ કરી હતી. તે સમયે, ગોવિંદભાઈ સોલંકીનું માનવું હતું કે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૬૦ હેઠળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ જ થઈ શકે છે. આ મુદ્દે તેમણે રાજકોટની સિવિલ કોર્ટથી શરૂ કરીને સુપ્રિમકોર્ટ સુધી લાંબી કાનૂની લડત આપી હતી. આ કિસ્સો તે સમયે સમગ્ર રાજકોટમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને ગોવિંદભાઈની મક્કમતા અને કાયદાકીય સમજણ દર્શાવતો હતો.
ગોવિંદભાઈ સોલંકીનું અવસાન રાજકોટના જાહેર જીવન માટે એક મોટી ખોટ છે. તેમના કાર્યો, સિદ્ધાંતો અને શહેર પ્રત્યેની નિષ્ઠા હંમેશા યાદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
