News of Friday, 18th July 2025
ટ્રમ્પના પગમાં સોજો અને હાથ પર ઈજાનાં નિશાનઃ શું બીમાર છે રાષ્ટ્રપતિ?
ઉઝરડા ટ્રમ્પના વારંવાર હાથ મિલાવવા અને એસ્પિરિનના સેવનથી થતી બળતરાને કારણે છે. વ્હાઇટ હાઉસે કરી સ્પષ્ટતા : ટ્રમ્પની તપાસ કરવામાં આવી છે અને તેમના પગનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું

વોશીંગ્ટન,તા.૧૮: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પગના નીચેના ભાગમાં સોજો અને હાથ પર ઈજાનાં નિશાન જેવું જોવા મળ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે ગુરુવારે આ માહિતી આપી હતી. ટ્રમ્પના મેડિકલ રિપોર્ટને ટાંકીને લેવિટે મીડિયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પની તપાસ કરવામાં આવી છે અને તેમના પગનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું છે. આમાં ક્રોનિક વેનસ ઇનસફયુશિયનિટી જોવા મળી છે. આ સ્થિતિ ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. લેવિટે કહ્યું કે, ટ્રમ્પના હૃદયના ધબકારા અને કિડનીની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી હતી. પ્રણાલીગત બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
સમસ્યા ક્રોનિક વેનિસ ઇન્સફયુશિયન્સી ત્યારે થાય છે જ્યારે પગની નસોમાં સ્થિત નાના વાલ્વ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આને કારણે લોહી યોગ્ય રીતે ઉપર તરફ વહેતું નથી અને તે નસોમાં એકઠું થવા લાગે છે. લેવિટે કહ્યું કે, ડોકટરોએ તેને સામાન્ય ગણાવ્યું છે. સામાન્ય રીતે આ સ્થિતિ ગંભીર હોતી નથી પરંતુ સમયસર કાળજી લેવી મહત્વપૂર્ણ છે.
હાથની પાછળના ભાગમાં નાની ઈજાના નિશાન ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે લેવિટે કહ્યું કે, રાષ્ટ્રપતિના તાજેતરના ચિત્રોમાં તેમના હાથની પાછળના ભાગમાં પણ નાની ઈજાના નિશાન જોવા મળ્યા છે. હાલમાં યુએસ રાષ્ટ્રપતિ આરોગ્ય સંબંધિત તમામ સાવચેતીઓ લઈ રહ્યા છે. ચિતા કરવાની કોઈ વાત નથી. લેવિટે સ્પષ્ટતા કરી કે, વર્તમાન પરિસ્થિતિમાં ટ્રમ્પને કોઈ પણ પ્રકારની અસ્વસ્થતાનો સામનો કરવો પડી રહ્યો નથી. રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તમે તેમને દરરોજ સક્રિય જોઈ શકો છો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પની સારવારની વિગતો કે પદ્ધતિઓ શેર કરી ન હતી. તેમણે ટ્રમ્પના ડોક્ટરનો પત્ર જાહેર કર્યો. તેમાં પણ આ જ માહિતી પુનરાવર્તિત કરવામાં આવી હતી. કોઈ વધારાની વિગતો જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર ટ્રમ્પના હાથની પાછળ દેખાતા આછા વાદળી રંગના ઈજા વિશે પણ ચર્ચા થઈ હતી જે મેકઅપથી ઢંકાયેલો દેખાતો હતો. આ અંગે લેવિટે સ્પષ્ટતા કરી હતી કે, આ ઉઝરડા ટ્રમ્પના વારંવાર હાથ મિલાવવા અને એસ્પિરિનના સેવનથી થતી બળતરાને કારણે છે. અહેવાલો અનુસાર ટ્રમ્પ નિયમિતપણે એસ્પિરિન લે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળોને દૂર કરવા માટે આ માહિતી શેર કરવામાં આવી છે. જોકે ટ્રમ્પે ભૂતકાળમાં તેમની સ્વાસ્થ્ય માહિતી ખૂબ જ ગુપ્ત રાખી છે. આ વર્ષે એપ્રિલમાં તેમની નિયમિત શારીરિક તપાસ કરવામાં આવી હતી. તેમાં ડઝનબંધ નિષ્ણાતો સામેલ હતા પરંતુ તે સમયે ક્રોનિક વેનસ ઇનસફીશિયન્સી નો કોઈ ઉલ્લેખ નહોતો. તે રિપોર્ટમાં યુએસ રાષ્ટ્રપતિના શરીરમાં રક્ત પરિભ્રમણ અને સાંધાની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું હતું.
લેવિટે એ જણાવ્યું ન હતું કે, ટ્રમ્પને પહેલી વાર ક્યારે સોજો આવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે 'સાવધાની' તરીકે તેમના પગ અને રક્ત પ્રવાહની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આમાં વેસ્ક્યુલર, અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય સ્કેનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે, તબીબી તપાસ દરમિયાન ડીપ વેઇન થ્રોમ્બોસિસ અથવા ધમની રોગ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કોઈ સંકેતો મળ્યા નથી. આ રાહતની વાત છે કારણ કે, આ ઉંમરે ડીપ વેઇન થ્રોમ્બોસિસ જીવલેણ બની શકે છે. થ્રોમ્બોસિસની સારવાર કરતા ડોકટરો સામાન્ય રીતે વજન ઘટાડવા, ફરવા જવા, સમય સમય પર પગ ઉંચા કરવા અને કેટલાક કિસ્સાઓમાં કમ્પ્રેશન સ્ટોકિગ્સ પહેરવાની ભલામણ કરે છે. જો દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય તો પગમાં અલ્સર અથવા ઘા જેવી ગૂંચવણો થઈ શકે છે.(૪૦.૧૩)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
