<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

કોરોના ફેલાવવાના આરોપમાં તબલીગી જમાતના ૭૦ લોકો સામે નોંધાયેલી ૧૬ FIR રદ

જાસ્‍ટિસ નીના બંસલ કૃષ્‍ણાની બેન્‍ચે ૧૬ FIRને પડકારતી અરજી પર આ આદેશ આપ્‍યો

 

 

નવી દિલ્‍હી,તા.૧૮: દિલ્‍હી હાઈકોર્ટે ૨૦૨૦ માં કોરોનાની મહામારી દરમિયાન તબલીગી જમાત કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને આશ્રય આપવાના આરોપસર ૭૦ ભારતીય નાગરિકો સામે નોંધાયેલી ૧૬ FIR રદ કરી છે.

જાસ્‍ટિસ નીના બંસલ કૃષ્‍ણાની બેન્‍ચે ગુરુવારે ૧૬ FIRને પડકારતી ૭૦ ભારતીયોની અરજી પર આ આદેશ આપ્‍યો હતો. કોર્ટે કહ્યું કે, તેમની સામે રજૂ કરાયેલ ચાર્જશીટ રદ કરવામાં આવે છે. આરોપીઓના વકીલો દ્વારા ૭૦ ભારતીયોને આરોપી બનાવતી કુલ ૧૬ FIRને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ કેસમાં, વકીલો આશિમા મંડલા અને મંદાકિની સિહે કોર્ટમાં અરજદારોનું પ્રતિનિધિત્‍વ કર્યું. દલીલ કરતી વખતે, આરોપીઓના વકીલોએ કહ્યું કે, પ્રતિબંધનો આદેશ ફક્‍ત ધાર્મિક મેળાવડા અને સમારંભો પર પ્રતિબંધ મૂકે છે અને તેઓએ ફક્‍ત ઉપસ્‍થિતોને આશ્રય આપ્‍યો હતો.

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, FIR અન્‍યાયી, બનાવટી અને કાયદેસર રીતે અસમર્થનીય છે અને તેમને અન્‍યાયી અને પાયાવિહોણા આરોપોનો સામનો કરવા માટે મજબૂર કરવામાં આવ્‍યા છે, જે તેમની વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતાનું ઉલ્‍લંઘન છે. પોલીસે આરોપ લગાવ્‍યો હતો કે, કોવિડ-૧૯ મહામારીની પ્રથમ લહેર દરમિયાન તબલીગી જમાત સાથે સંકળાયેલા આ ૭૦ લોકોએ નિઝામુદ્દીન મરકઝમાં ૧૯૦ થી વધુ વિદેશીઓને આશ્રય આપ્‍યો હતો.

આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, એપિડમિક ડિસીઝ એક્‍ટ, આપત્તિ વ્‍યવસ્‍થાપન અધિનિયમ અને વિદેશી અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો હતો. દિલ્‍હી પોલીસે FIR રદ કરવાની અરજીઓનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આરોપી સ્‍થાનિક રહેવાસીઓએ કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે જારી કરાયેલા પ્રતિબંધક આદેશોનું ઉલ્‍લંઘન કરીને નિઝામુદ્દીન મરકઝમાં આવેલા લોકોને આશ્રય આપ્‍યો હતો.

આરોપીના વકીલે જણાવ્‍યું હતું કે, મૌલાના સાદ સંબંધિત કેસમાં દિલ્‍હી પોલીસ હજુ સુધી ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકી નથી. હાઈકોર્ટમાં, દિલ્‍હી પોલીસનું પ્રતિનિધિત્‍વ એડિશનલ સ્‍ટેન્‍ડિંગ કાઉન્‍સેલ (ASC) અમોલ સિહાએ એડવોકેટ્‍સ ક્ષિતિજ ગર્ગ, નીતિશ ધવન, રાહુલ કોચર, છવી લાજરસ અને સંસ્‍કૃતિ નિમ્‍બેકર સાથે કર્યું હતું. (૪૦.૧૨)

(9:59 AM IST)