News of Friday, 18th July 2025
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સતત અનુભવાતા ભૂકંપના આંચકા: શું ધરતીકંપ મોટા ખતરાનો સંકેત ?
દિલ્હી-એનસીઆર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ ઝોન છે.

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં છેલ્લા સાત દિવસથી ભૂકંપનો સિલસિલો યથાવત છે. જુલાઈના રોજ હરિયાણાના ઝજ્જરમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના આંચકા દિલ્હી-એનસીઆર સહિત નોયડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ અનુભવાયા હતા. તેના બીજા જ દિવસે, 11 જુલાઈએ, તે જ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ નોંધાયો. અને તાજેતરમાં 17 જુલાઈની રાત્રે રોહતકમાં 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો, જે છેલ્લા આઠ દિવસમાં ચોથો મોટો ભૂકંપ હતો. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આ સતત આંચકાઓએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
આખરે કેમ આવી રહ્યા છે આટલા બધા ભૂકંપ? દિલ્હી-એનસીઆર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ ઝોન છે. તેના મુખ્ય ત્રણ કારણો છે: 1) ભૌગોલિક ફૉલ્ટ લાઇન્સ: ઝજ્જર-રોહતકમાં મહેન્દ્રગઢ-દહેરાદૂન ફૉલ્ટ (MDF), દિલ્હી-હરિદ્વાર રિજ અને સોહના-મથુરા ફૉલ્ટ જેવી સક્રિય તિરાડો આવેલી છે. આ તિરાડો ધરતીની ટેક્ટોનિક પ્લેટ અથડાવાથી અથવા એકબીજાથી દૂર ખસવાથી બને છે.હિમાલયનો પ્રભાવ: ભારતની ટેક્ટોનિક પ્લેટ સતત યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આ અથડામણને કારણે ભૂગર્ભમાં વિશાળ ઊર્જા જમા થાય છે. જ્યારે આ ઊર્જા છૂટી પડે છે, ત્યારે ભૂકંપ આવે છે. તણાવ જમા થવો: વૈજ્ઞાનિકો માને છે કે આ નાના ભૂકંપ ટેક્ટોનિક પ્લેટ્સમાં તણાવના સંકેત હોઈ શકે છે, જે ધીમે ધીમે વધી રહ્યો છે. આ તણાવ જ્યારે એક મર્યાદા વટાવે છે ત્યારે મોટા આંચકામાં પરિણમી શકે છે.
ભારતમાં ભૂકંપના આંચકાની ચિંતા વચ્ચે, વિશ્વના અન્ય ભાગોમાં પણ ધરતીકંપની ગતિવિધિઓ જોવા મળી રહી છે. તાજેતરમાં જ અમેરિકાના અલાસ્કા રાજ્યમાં 7.3ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવાયું હતું. જોકે, સદનસીબે થોડા કલાકો પછી આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી, અને મોટા નુકસાન કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
વૈજ્ઞાનિકોના મતે હાલ દિલ્હી-એનસીઆરમાં કોઈ મોટો તાત્કાલિક ખતરો જણાતો નથી, પરંતુ સાવચેતી અને જાગૃતિ અનિવાર્ય છે. ભૂકંપની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી રાખવી હિતાવહ છે. સરકાર અને વૈજ્ઞાનિકોની નજર ભારત અને વિશ્વભરમાં ભૂકંપ સંબંધિત ગતિવિધિઓ પર સતત બની રહી છે, જેથી ભવિષ્યના કોઈપણ જોખમ સામે અગાઉથી જ તૈયારી કરી શકાય.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
