<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

અમેરિકાના લોસ એન્જલસમાં ભયંકર બોમ્બ બ્લાસ્ટ: બોમ્બ સ્ક્વોડના ત્રણ પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના તાલીમ કેન્દ્રમાં પ્રચંડ બ્લાસ્ટ :તપાસનો ધમધમાટ

અમેરિકાના લોસ એન્જલસમાં બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાએ શુક્રવારે ભારતીય સમય મુજબ રાત્રે 9 વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ કરી હતી. આ ઘટના લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના તાલીમ કેન્દ્રમાં બની હતી. અહીં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ બોમ્બ સ્ક્વોડના વાહન પાસે થયો હતો. હાલમાં, આ ઘટનાને અકસ્માત તરીકે તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ બ્લાસ્ટ કેવી રીતે થયો તે કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના યુએસ સમય મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાંભોગ બનેલા ત્રણેય બોમ્બ સ્ક્વોડના પોલીસકર્મી હોવાની વિગતો મળી રહી છે.

ઘટના બાદ અધિકારીઓએ વિસ્ફોટ વિસ્તારને મોટા તાડપત્રીથી ઢાંકી દીધો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે લગભગ 25 યાર્ડ દૂર પાર્ક કરેલી SUV ક્રુઝરની બારીઓ તૂટી ગઈ. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના કર્મચારીઓ વિસ્ફોટકો લઈ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન આ ઘટના ઘટી હતી. જો કે, એજન્સીઓ આ ઘટનાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે અને અત્યાર સુધી વિસ્ફોટનું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

આ બ્લાસ્ટ USના સમય પ્રમાણે સવારે 7:30 વાગ્યાની આસપાસ ઈસ્ટર્ન એવન્યુ પર સ્થિત બિસ્કેલુઝ ટ્રેનિંગ સેન્ટરમાં થયો હતો. અહીં શેરિફના સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ બ્યુરો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત અગ્નિ વિસ્ફોટક વિભાગનું કાર્યાલય પણ છે. જોકે, વિસ્ફોટથી તાલીમ કેન્દ્રને કોઈ મોટું નુકસાન થયું નથી. આ ઘટના બાદ  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના કર્મચારીઓએ આસપાસની દરેક વસ્તુની તપાસ કરી અને ઘટનાસ્થળ પરથી સંભવિત વિસ્ફોટકો દૂર કર્યા. આ સાથે, ઉતાવળમાં સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો અને વિસ્ફોટ સ્થળને કોર્ડન કરવામાં આવ્યો છે.

   લોસ એન્જલસ કાઉન્ટી યુએસ રાજ્ય કેલિફોર્નિયામાં કાયદા અમલીકરણ એજન્સી છે. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો શેરિફ વિભાગ અને દેશની ત્રીજી સૌથી મોટી સ્થાનિક પોલીસ એજન્સી છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગ પ્રથમ અને શિકાગો પોલીસ વિભાગ બીજા ક્રમે છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગ 1850 માં સ્થાપિત થયો હતો અને તે લોસ એન્જલસ વિસ્તારમાં પ્રથમ વ્યાવસાયિક પોલીસ દળ હતું.

(10:45 PM IST)