<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પિતાની સંપત્તિમાંથી માત્ર ૨૫૦ પાઉન્‍ડ જ મળતા બહેન પર કેસ કર્યો

યુકેમાં એક ગુજરાતી પિતાના મૃત્‍યુ બાદ તેમના વિલમાં બધી સંપત્તિ મોટી દીકરીને આપી દેવાઈ હોવાનું સામે આવતા નાની દીકરીએ વિલને કોર્ટમાં પડકાર્યું : વિલ મુજબ મોટી દીકરીને ૬,૦૦,૦૦૦ પાઉન્‍ડની સંપત્તિ મળી છે, જ્‍યારે નાની દીકરી અને મોટાભાઈને માત્ર ૨૫૦ પાઉન્‍ડની કેશ ગિફટ જ આપવામાં આવી છે

 

લંડન તા.૧૯: યુકેમાં એક ગુજરાતી પિતાએ તેમની મોટી દીકરીને ૬,૦૦,૦૦૦ પાઉન્‍ડની સંપત્તિ, જ્‍યારે નાની દીકરી અને પુત્રને માત્ર ૨૫૦ પાઉન્‍ડ જ આપતા નાની દીકરીએ વિલને કોર્ટમાં પડકાર્યું છે. તેણે પિતાના અગાઉના વિલને જાળવી રાખવાની માગ કરી છે, જેમાં ૬,૦૦,૦૦૦ પાઉન્‍ડની સંપત્તિને ત્રણ સરખા ભાગમાં વહેંચવામાં આવી હતી.

યુકેમાં રહેતા લક્ષ્મીકાંત પટેલનું તાજેતરમાં મૃત્‍યુ થઈ ગયું હતું. તેમણે પોતાના વિલમાં ગ્રેટર લંડનના હેરોમાં આવેલું ફેમિલી હોમ તેમની મોટી દીકરી ૫૮ વર્ષની અંજુ પટેલના નામે કર્યું છે. જેની કિમત લગભગ ૬,૦૦,૦૦૦ પાઉન્‍ડ છે. જ્‍યારે લક્ષ્મીકાંતભાઈએ તેમની નાની દીકરી ૫૨ વર્ષની ભાવેનેત્તા સ્‍ટેવર્ટ-બ્રાઉન અને ૬૨ વર્ષના ભાઈ પિયુષ પટેલને માત્ર ૨૫૦ પાઉન્‍ડ આપ્‍યા છે. તે પણ તેમણે એમ કહીને આપી છે કે, એક પિતા તરીકે તેઓ તેમને ભૂલી ના શકે એટલે તેમને આટલી કેશ ગિફટ આપી રહ્યા છે.

બીજી તરફ મોટી બહેન અંજુનો દાવો છે કે, તેના પિતાની પાસે તેના મોટાભાઈ અને નાની બહેનને સંપત્તિમાંથી બાકાત રાખવાના કારણો હતા. તેનો દાવો છે કે, તેની બહેન અને ભાઈ પોતાની સંતાન તરીકેની ફરજ નિભાવવામાં નિષ્‍ફળ રહ્યા હતા અને પિયુષને ઘણો જ કન્‍ટ્રોલ કરીને રખાયો હતો, જેનો ભાવનેત્તાએ ફાયદો ઉઠાવ્‍યો છે.

લક્ષ્મીકાંતભાઈનું ઓક્‍ટોબર ૨૦૨૧એ ૮૫ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. વર્ષ ૨૦૧૯માં એક વિલમાં તેમની સંપત્તિને ત્રણ સરખા ભાગમાં વહેંચવામાં આવી હતી. જેમાં અંજુને તેના ભાઈ-બહેનને અગાઉ અપાયેલા પૈસાની સામે ૫૦,૦૦૦ પાઉન્‍ડ વધારે અપાયા હતા.

જોકે, ભાવનેત્તાના વકીલે જણાવ્‍યું હતું કે, તેના પિતાએ ફેફસાના કેન્‍સરનું નિદાન થયા પછી ઓગસ્‍ટ ૨૦૨૧માં પોતાનું ફાઈનલ વિલ બનાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, અંજુએ દાવો કર્યો હતો કે તેમના પિતાએ તેમના એક સહયોગી વિજયકાંત પટેલને વિલ અંગે નિર્દેશ આપ્‍યો હતો. અંજુના દાવા મુજબ વિજયકાંત તેના પિતાના મિત્ર છે. ભાવનેત્તાના વકીલના દાવા મુજબ, વિજયકાંતે જણાવ્‍યું હતું કે, તેઓ લક્ષ્મીકાંતભાઈને કેન્‍સરનું નિદાન થયાના બે દિવસ પછી હોસ્‍પિટલમાં મળ્‍યા હતા અને ત્‍યાં જ તેમની અંજુ સાથે મુલાકાત થઈ હતી. જોકે, હકીકત એ છે કે, અંજુ તેમના હરે ક્રિષ્‍ના મંદિરમાં જતી હતી અને ઘણા સમયથી એકબીજાને ઓળખે છે.

અંજુના વકીલે દાવો કર્યો હતો કે, હકીકતમાં તો ૨૦૧૮માં બનેલી એક ઘટના પછી ભાવનેત્તા અને પિયુષ પરથી તેના પિતાનો વિશ્વાસ ઉઠી ગયો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, તેમના લોકરમાંથી કેટલાક મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો ગુમ થઈ ગયા હતા. જેમાં પ્રોપર્ટીની ટાઈટલ ડીડ્‍સ, ઈન્‍સ્‍યોરન્‍સ ડોક્‍યુમેન્‍ટ્‍સ અને બેન્‍ક સ્‍ટેટમેન્‍ટ્‍સ સામેલ હતા.

લક્ષ્મીકાંતભાઈના વિલના મામલે વિજયકાંત પટેલ અંજુનો સાથ આપી રહ્યા છે, જ્‍યારે હાલમાં ટેક્‍સસમાં રહેતા આ બંને બહેનોના મોટાભાઈ પિયુષ પટેલ તટસ્‍થે વલણ અપનાવેલું છે.(૩૮.૫)

(9:50 AM IST)