News of Saturday, 19th July 2025
વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટાએ બનાવ્યું ૫૦૦ કરોડનું વેલફેર ટ્રસ્ટ
અમદાવાદમાં થયેલી ભીષણ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને ૧ કરોડ રુપિયાની મદદ આપવામાં આવશે : દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલને ફરી વાર બનાવવામાં મદદ કરવામાં આવશે

મુંબઈ,તા.૧૯: ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે શુક્રવારે એર ઈંડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોની મદદ માટે ૫૦૦ કરોડનું રુપિયાનું એક વેલફેર ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનું નામ એઆઈ-૧૭૧ મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે અને તેને મુંબઈમાં રજિસ્ટર કરાવ્યું છે. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ, બંનેએ આ ટ્રસ્ટમાં ૨૫૦-૨૫૦ કરોડ રુપિયાનું યોગદાન આપવાનું વચન આપ્યું છે. આ પૈસા સામાજિક અને માનવીય મદદ માટે ઉપયોગ કરવામાં આવશે.
ક્યાં વાપરવામાં આવશે આ રુપિયા?
અમદાવાદમાં થયેલી ભીષણ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને ૧ કરોડ રુપિયાની મદદ આપવામાં આવશે. તો વળી આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર કરાવવામાં આવશે, તેની સાથે જ દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલને ફરી વાર બનાવવામાં મદદ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં એર ઈંડિયાના વિમાન દુર્ઘટનાની તરત બાદ ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારોને વળતર તરીકે એક એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી હતી. તેનાથી અલગ એર ઈંડિયાએ તમામને ૨૫-૨૫ લાખનું વળતર આપ્યું છે.
આ દુર્ઘટના ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થઈ હતી, જ્યારે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલી એર ઈંડિયાની ફલાઈટ નંબર એઆઈ ૧૭૧ ટેકઓફની થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં ૨૬૦ લોકોના મોત થયા, જેમાં ૨૪૧ લોકો વિમાનમાં સવાર હતા અને ૧૯ લોકો જમીન પર હાજર હતા. આ વિમાનમાં ૧૨ ચાલક દળના સભ્યો અને ૨૩૦ પેસેન્જર્સ હતા. તેમાંથી ૧૬૯ ભારતીય નાગરિક, ૫૩ બ્રિટિશ નાગરિક, સાત પોર્ટુગલના અને એક કેનેડાનો નાગરિક હતો.(૪૦.૬)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
