<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મિર્ઝાપુરમાં કાવડિયાઓએ CRPF જવાનને માર માર્યો : રેલવે સ્ટેશન પર અફરાતફરી : 5 થી 7 કાવડિયાઓની અટકાયત

તમામ આરોપીઓ વિરુદ્ધ સરકારી કર્મચારી સાથે મારપીટ, અભદ્રતા અને શાંતિ ભંગ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ

મીર્ઝાપુર: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર કાંવડ યાત્રા પર નીકળેલા કેટલાક યુવકોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાનને ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના ઘટી હતી. જેના કારણે રેલ્વે સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટના તે સમયે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ લઈ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, ટિકિટ લેતી વખતે જવાનની કેટલાક કાવડિયાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી હિંસક અથડામણમાં બદલાઈ ગઈ હતી અને કાવડિયાઓએ જવાન પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી સ્ટેશન પર ખૂબ હોબાળો મચી ગયો હતો અને મુસાફરોમાં ભય ફેલાયો હતો. હાલ આ મામલે વધુ માહિતી અને પોલીસ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ વિરુદ્ધ સરકારી કર્મચારી સાથે મારપીટ, અભદ્રતા અને શાંતિ ભંગ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના વિડીયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ખાતરી આપી છે કે આવી ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.

 

 

(10:48 PM IST)