<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જીએસટી ચોરીનો ઇરાદો નહીં હોય તો ૧૦૦ ટકા દંડ વસૂલ નહીં કરી શકાય

કર્ણાટક હાઇકોર્ટે કલમ ૭૪ના બદલે કલમ ૭૩ પ્રમાણે કાર્યવાહી કરવા આદેશ કર્યો

મુંબઈ,તા.૨૧: સરકારી વિભાગમાં કામ કરતા કોન્‍ટ્રાક્‍ટરને નાણાંની ચુકવણી કરવામાં આવી નહીં હોવાના કારણે જીએસટી ભરપાઈ કર્યો નહોતો. આ કારણોસર ડીજીજીઆઈએ કલમ ૭૪ પ્રમાણે કાર્યવાહી કરી હતી. તેના લીધે કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી. આ પ્રકરણમાં હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્‍યું હતું કે કોન્‍ટ્રાક્‍ટરનો ઇરાદો ટેક્‍સ ચોરી કરવાનો નહીં હોવાના લીધે તેની સામે કલમ ૭૪ના બદલે કલમ ૭૩ પ્રમાણે કાર્યવાહી કરી શકાય.

પીડબ્‍લ્‍યુડી વિભાગમાં કામ કરતા કોન્‍ટ્રાક્‍ટરને વિભાગ દ્વારાબિલ ચૂકવવામાં આવ્‍યું નહીં હોવાના લીધે જીએસટી ભરપાઈ કર્યો નહોતો. જયારે કોન્‍ટ્રાક્‍ટરે સરકારી વિભાગમાંથી થતી આવકને ઈન્‍કમટેક્‍સના રિટર્નમાં દર્શાવી હતી. તેમ છતાં ડીજીજીઆઈ એ કલમ ૭૪ પ્રમાણે તેની સામે કાર્યવાહી કરી હતી. આ કલમમાં જેટલી રકમ જીએસટી પેટે ભરવાની હોય તેટલી જ રકમનો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે. આ કારણોસર કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. હાઈ કોર્ટે તેમાં જણાવ્‍યું હતું કે કરદાતા દ્વારા ટેકસ ચોરી કરવાનો ઇરાદો નથી, કારણ કે આઇટી રિટર્નમાં તે આવક દર્શાવી છે. જ્‍યારે સરકારી વિભાગ દ્વારા નાણાંની ચુકવણીકરવામાં આવી નહીં હોવાથી ટેક્‍સ ભર્યો નથી. તેથી તેની સામે કલમ ૭૪ના બદલે કલમ ૭૩ પ્રમાણે કાર્યવાહી કરવમાં આવવી જોઇએ. કલમ ૭૩માં જે રકમ જીએસટી પેટે ભરવાનો હોય તેના ૧૦ ટકા જ દંડ વસૂલ કરવાનો નિયમ છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે ટેક્‍સ ચોરી કરવાનો ઇરાદો નહીં હોવા છતાં કેટલીક વખત કલમ ૭૪ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.પરંતુ આ કેસનો ચુકાદો આવતા હવે ટેકસ ચોરી કરવાનો ઇરાદો નહીં હોય તેવા કિસ્‍સામાં કલમ ૭૩ પ્રમાણે કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો થયો છે. તેમજ તેના કારણે વેપારીઓને પણ રાહત થવાની છે.

(10:41 AM IST)