News of Monday, 21st July 2025
દુલ્હન નીકળી કિન્નર! સુહાગરાતના દિવસે ખુલ્યું રહસ્ય : બઘડાટી : ૧૨ ઘાયલ
દુલ્હને પણ નિવેદન આપ્યું : તેણે લગ્ન માટે ઇનકાર કર્યો હતો : પરંતુ તેના પિતાએ તેની જબરદસ્તીથી લગ્ન કરી દીધા હતા : તે માનસિક રીતે ભાંગી પડી છે અને આ આખા વિવાદથી દુઃખી છે

સિવાન, તા.૨૧: જિલ્લાના મુફ્ફસિલ પોલીસ સ્ટેશન હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્નના બે દિવસ બાદ એક યુવકને ખબર પડી કે, તેની પત્ની કિન્નર છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને પહેલા પંચાયત બેસાડવામાં આવી, ત્યાર બાદ બંને જૂથ વચ્ચે મારા મારી થઈ. આ ઘટનામાં બંને તરફથી ૧૨ લોકો ઘાયલ થયા, જેની સારવાર સદર હોસ્પિટલમાં થઈ રહી છે. પોલીસે આ મામલે ૫ લોકોની ધરપકડ કરી છે.
લકડી ગામમાં રહેતી યુવતીના લગ્ન ૧૧ જુલાઈએ ધૂમધામથી સિવાનના એક યુવાન સાથે થયા હતા. લગ્ન પછી દુલ્હન સાસરિયામાં આવી, પરંતુ બે દિવસ પછી છોકરાને ખબર પડી કે તેની પત્ની કિન્નર છે. ત્યાર બાદ છોકરીને તેના પીયર મોકલી દેવામાં આવી. આ ઘટનાને લઈને બે વાર પંચાયત બોલાવવામાં આવી, જેમાં નક્કી કરવામાં આવ્યું કે, બંને પક્ષ એક બીજાને આપેલો સામાન પરત કરશે.
રૂપિયાની લેતી-દેતીમાં મામલો વધુ ગરમાયો હતો અને જોત જોતામાં મારામારી શરૂ થઈ ગઈ. છોકરીના પિતાનું કહેવું છે કે, એક મહિના બાદ પણ છોકરા વાળાઓએ દહેજમાં આપેલા રૂપિયા અને સામાન પાછો આપ્યો નથી. તેને લઈને ૧૬ જુલાઈએ ફરી પંચાયત બોલાવાઈ હતી. છોકરા વાળાનું કહેવું હતુ કે, લગ્નમાં તમામ રૂપિયા ખર્ચાઈ ગયા છે, તેને પરત આપવામાં સમય લાગશે. ત્યાર બાદ મોડી રાત્રે બંને જૂથ વચ્ચે ભારે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ ગઈ. જેમાં આશરે ૧૨ લોકો ઘાયલ થયા છે.
વિવાદ બાદ દુલ્હને પણ નિવેદન આપ્યું છે, તેનું કહેવું છે કે, તેણે લગ્ન માટે ઇનકાર કર્યો હતો. પરંતુ તેના પિતાએ તેની જબરદસ્તીથી લગ્ન કરી દીધા હતા. તે માનસિક રીતે ભાંગી પડી છે અને આ આખા વિવાદથી દુઃખી છે.
છોકરાની મા એ જણાવ્યું કે, ૧૧ જૂને ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં હતા, પરંતુ સુહાગરાતના દિવસે દીકરાને હકીકતની જાણ થઈ હતી. શરમના કારણે દીકરાએ બે દિવસ સુધી કોઈને કંઈ કહ્યું નહીં. આખરે ૧૫ જૂને તેણે પોતાની મા ને જણાવ્યું કે દુલ્હન કિન્નર છે. ત્યાર બાદ છોકરીની પિતાને બોલાવીને દુલ્હનને પીયર મોકલી દીધી હતી.
મુફ્ફસિલ પોલીસ સ્ટેશન ઇનચાર્જ અશોક દાસે જણાવ્યું કે, બંને પક્ષ તરફથી લેખિત ફરિયાદ મળી છે. મામલાની ગંભીરતાને જોતા અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ શરૂ છે અન્ય દોષિતોની ધરપકડ માટે શોધખોળ ચાલુ છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
