<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

દેશભરમાં ચોમાસુ જામ્‍યું: યુપી-દિલ્‍હી-રાજસ્‍થાન-હરિયાણામાં ભારે વરસાદનું એલર્ટ

હિમાચલના ૭ જીલ્લાઓ માટે ઓરેન્‍જ એલર્ટઃ કેરળમાં સતત વરસાદથી ઉંચાઇવાળા વિસ્‍તારોમાં પુરઃ પ જીલ્લાઓમાં રેડ એલર્ટ

નવી દિલ્‍હી, તા.૨૧: દેશભરમાં ચોમાસું તેની ટોચ પર છે. જોકે, દિલ્‍હી-એનસીઆર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યું છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગએ આજે સોમવારે દિલ્‍હીમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, રાજસ્‍થાન, યુપી, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબમાં વરસાદની શકયતા છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનો સમયગાળો થંભી ગયો છે. જોકે, આજે એટલે કે સોમવારના રોજ ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. પૂર્વી યુપીમાં કેટલાક સ્‍થળોએ વરસાદ પડવાની શકયતા છે. આ સમય દરમિયાન, કેટલાક સ્‍થળોએ ગાજવીજ અને વીજળી પડવાની પણ શકયતા છે.

યુપીને અડીને આવેલા ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે કુમાઉ ક્ષેત્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કુમાઉ ક્ષેત્રના નૈનિતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ગઢવાલ ક્ષેત્રના દહેરાદૂન, ટિહરી અને પૌરી ઉપરાંત કુમાઉના બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્‍જ એલર્ટ જારી કર્યું છે.

આજે સોમવારે હિમાચલ ઙ્કદેશના ૭ જિલ્લાઓ માટે ભારે વરસાદનું ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સોલન, સિરમૌર માટે ઓરેન્‍જ એલર્ટ અને ચંબા, કુલ્લુ અને શિમલા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

હવામાન કેન્‍દ્ર શિમલાના જણાવ્‍યા અનુસાર, મંગળવારે સોલન, સિરમૌર અને બુધવારે ઉના અને બિલાસપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ રાજ્‍ય કેરળમાં સતત ભારે વરસાદને કારણે ઘણા શહેરો અને ઊંચાઈવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે રાજ્‍યના ૫ ઉત્તરીય જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

જેમાં મલપ્‍પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. જેમાં અત્‍યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:18 AM IST)