<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વિડીયોકોન લોન કેસઃ ૬૪ કરોડની લાંચ લેવા બદલ ચંદા કોચર દોષિત

દિલ્‍હીની એક અપીલેટ ટ્રિબ્‍યુનલે ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને બેંકની પોલિસી વિરુદ્ધ જઈને વિડીયોકોન ગ્રુપને ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા બદલ દોષિત ઠેરવ્‍યા છે

નવી દિલ્‍હી, તા.૨૧: દિલ્‍હીની એક અપીલેટ ટ્રિબ્‍યુનલે ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને બેંકની પોલિસી વિરુદ્ધ જઈને વિડીયોકોન ગ્રુપને ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા બદલ દોષિત ઠેરવ્‍યા છે. ચંદા કોચરે લોન મંજૂર કરવા માટે તેમના પતિ મારફતે વિડીયોકોન ગ્રુપ પાસેથી ૬૪ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. ટ્રિબ્‍યુનલે ૨૦૨૦માં ચંદા કોચર અને તેમના પતિને રાહત આપનારી એડજ્‍યુડિકેટિંગ ઓથોરિટીની પણ ટીકા કરી છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ દ્વારા ટ્રિબ્‍યુનલરમાં અપીલ કરવામાં આવી હતી.

EDએ દ્વારા એટલા માટે આરોપ લગાવવામાં આવ્‍યા છે કારણ કે ઓન પેપર NRPLની ઓનરશિપ વિડીયોકોન ગ્રુપના CMD વી.એન.ધૂતનું હોવાનું દર્શાવવામાં આવ્‍યું છે, પરંતુ તેમના મતે કંપનીનો સંપૂર્ણ કંટ્રોલ ચંદા કોચરના પતિ દીપક કોચરના હાથમાં હતો. તેથી વિડીયોકોન ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝને લોન મંજૂર કરવા માટે ચંદા કોચરને પૈસા ચૂકવવામાં આવ્‍યા હોવાનો આરોપ લગાવવામાં આવ્‍યો હતો, તેમ ટ્રિબ્‍યુનલે તેના આદેશમાં જણાવ્‍યું હતું. આ કેસમાં આરોપીઓની ૭૮ કરોડ રૂપિયાની એસેટ ટાંચમાં લેવામાં આવી હતી, પરંતુ નવેમ્‍બર ૨૦૨૦માં એડજ્‍યુડિકેટિંગ ઓથોરિટીએ તે એસેટ રિલીઝ કરવાનો આદેશ આપ્‍યો હતો જેની ટ્રિબ્‍યુનલે આકરી ઝાટકણી કાઢી હતી. ટ્રિબ્‍યુનલે જણાવ્‍યું હતું કે, એડજ્‍યુડિકેટિંગ ઓથોરિટીએ રેકોર્ડની સામે રહેલા તારણો કાઢતી વખતે મટિરિયલ ફેક્‍ટ્‍સનું અવગણના કરી છે.

ટ્રિબ્‍યુનલને અપીલકર્તાઓના આરોપમાં તથ્‍ય જોવા મળ્‍યું છે કે, વિડીયોકોન ગ્રુપને ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા માટે ચંદા કોચરને ક્‍વિડ-પ્રોકો આપવામાં આવ્‍યો હતો, અને ત્‍યારબાદ ૬૪ કરોડ રૂપિયાની રકમ NRPLમાં ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. આ કંપની દીપક કોચર દ્વારા મેનેજ કરવામાં આવતી હતી અને હકીકતમાં તે કંપનીના મેનેજિંગ ડિરેક્‍ટર હતા. તેથી જ અપીલકર્તાઓએ એસેટ જપ્ત કરવાની વાતને યોગ્‍ય ઠેરવવા માટે આ મામલો ઉઠાવ્‍યો છે, તેમ ટ્રિબ્‍યુનલે જણાવ્‍યું હતું.

ટ્રિબ્‍યુનલે નોંધ્‍યું હતું કે, ચંદા કોચર ચમિતિનો ભાગ રહ્યા હતા અને વિડીયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા ૩૦૦ કરોડ રૂપિયાની જે લોન મંજૂર કરવામાં આવી હતી તે બેંકના નિયમો અને પોલિસીની વિરુદ્ધ હતી. ED દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાને માન્‍ય રાખતા ટ્રિબ્‍યુનલે કહ્યું હતું કે, ICICI બેંક દ્વારા લોન આપવામાં આવ્‍યાના એક દિવસ પછી વિડીયોકોન ગ્રુપ દ્વારા તેની એન્‍ટિટી SEPL દ્વારા NRPLને ૬૪ કરોડ રૂપિયા ટ્રાન્‍સફર કરવાનો મુદ્દો યથાવત છે. આ ઉપરાંત ટ્રિબ્‍યુનલે લોન મંજૂર કરતી વખતે પોતાના કન્‍ફિ્‌લક્‍ટ ઓફ ઈન્‍ટરેસ્‍ટનો ખુલાસો ન કરવા બદલ પણ ચંદા કોચરને દોષિત ઠેરવ્‍યા હતા.

(2:59 PM IST)