<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

મુંબઈમાં ભાષા વિવાદનો ભડકો: MNS કાર્યકરોએ મહિલાને ધમકાવી 'મરાઠી બોલો!', મહિલાનો સણસણતો જવાબ: 'શું અમે હિન્દુસ્તાની નથી?'

જ્યારે સંજીરાએ તેમને થોડા ખસી જવાનું કહ્યું, ત્યારે તેઓએ તેણીને મરાઠીમાં બોલવાનું કહ્યું. સંજીરા દેવીએ સ્પષ્ટ ઇનકાર કરતા જ શરૂ થઈ ઉગ્ર બોલાચાલી

મુંબઈ 21 જુલાઈ 2025: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાષાના મુદ્દે રાજકીય ઉથલપાથલ મચી છે, અને આ વિવાદ મુંબઈમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરો જાણે શેરીઓમાં 'ભાષા પોલીસ' બનીને ફરી રહ્યા છે, અને જે પણ વ્યક્તિ મરાઠીમાં વાત નથી કરતું, તેને ધમકાવીને કે માર મારીને પરેશાન કરી રહ્યા છે. આવા વીડિયો રોજેરોજ સામે આવી રહ્યા છે, અને હવે એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલાએ MNS કાર્યકરોને જડબાતોડ જવાબ આપીને સૌને ચોંકાવી દીધા છે!
 
બજારમાં ભડકો: મહિલાનો નિર્ભયતાથી સામનો
આ ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની હતી. સંજીરા દેવી નામની આ મહિલા "મદન કેટરર્સ" નામનું ઢાબું ચલાવે છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સંજીરા દેવી પોતાના ઘરની સામે ઊભી હતી ત્યારે કેટલાક MNS કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને મરાઠીમાં વાત કરવાનું કહેવા લાગ્યા.

જ્યારે સંજીરાએ તેમને થોડા ખસી જવાનું કહ્યું, ત્યારે તેઓએ તેણીને મરાઠીમાં બોલવાનું કહ્યું. સંજીરા દેવીએ સ્પષ્ટ ઇનકાર કરતા જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. એક માણસે સંજીરાના ચહેરા પાસે આંગળી ચીંધીને ધમકીભર્યા અવાજે કહ્યું, "મરાઠીમાં વાત કરો. આ મહારાષ્ટ્ર છે!" અન્ય લોકો પણ તેના પર બૂમો પાડતા રહ્યા.

"શું અમે હિન્દુસ્તાની નથી?" – મહિલાનો સણસણતો સવાલ
પરંતુ સંજીરા દેવી ડર્યા નહીં. તેણે નિર્ભયતાથી જવાબ આપ્યો, "હું મરાઠીમાં વાત નહીં કરું... તમે હિન્દીમાં વાત કરો. કહો, શું તમે હિન્દુસ્તાની નથી? શું તમે હિન્દુસ્તાનથી નથી? શું અમે હિન્દુસ્તાની નથી?" તે માણસે ગુસ્સામાં જવાબ આપ્યો, "મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર."

ત્યાં ટોળું ભેગું થઈ ગયું, અને કોઈએ પોલીસને બોલાવી. જોકે, પોલીસ આવે તે પહેલા જ MNS કાર્યકરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
 
'મરાઠીમાં બોલો' અભિયાન અને વધતો વિવાદ
રાજ ઠાકરેની MNS "મરાઠીમાં બોલો" અભિયાન ચલાવી રહી છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં બહારથી આવેલા લોકોને નિશાન બનાવીને તેમને ધમકાવવામાં આવે છે. આ પહેલા પણ MNS કાર્યકરોએ મુંબઈ પાસે એક દુકાનદારને મરાઠી ન બોલવા બદલ માર માર્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં, શેરબજારના રોકાણકાર સુશીલ કેડિયાની ઓફિસનો કાચનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો હતો, કારણ કે તેમણે મરાઠીમાં વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

આ ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે રાજ્ય સરકાર પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા લાદવાનો આરોપ લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, NEPમાં ત્રણ ભાષાઓ શીખવવાની વાત કરવામાં આવી છે.

તાજેતરમાં, MNS પ્રમુખ રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી એકસાથે 5 જુલાઈએ એક વિજય રેલી કરી હતી. આ ઘટનાઓ મહારાષ્ટ્રમાં હિન્દી વિરુદ્ધ મરાઠીના મુદ્દાને વધુ વેગ આપી રહી છે. આ ભાષા યુદ્ધ ક્યાં અટકશે તે જોવું રહ્યું.

 

(5:27 PM IST)