<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

શુક્રવારથી શ્રાવણ માસઃ શિવભક્‍તોમાં ઉજવણીનો અનેરો થનગનાટ

બમ બમ ભોલે... ચાર સોમવાર સાથે થશે શિવની આરાધના, ૯ ઓગસ્‍ટે રક્ષાબંધન અને ૧૬મી ઓગષ્‍ટ જન્‍માષ્ટમીઃ શ્રાવણ માસની તૈયારી, અનેક ભક્‍તો અમાસથી શરૂ કરશે શિવપૂજા

મુંબઇ તા.૨૨: શિવ, ભોલેનાથ, નીલકંઠ, મહાદેવ સહિતના અનેક નામો સાથે ભક્‍તોના દિલમાં વસેલા ભગવાન શંકરની આરાધનાના પવિત્ર અવસર શ્રાવણ માસનો આગામી શુક્રવારે ૨૫ જુલાઇથી આરંભ થશે. જેને પગલે શિવભક્‍તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ચાર સોમવાર સાથે શિવની આરાધના થશે. ૯ ઓગસ્‍ટના રોજ રક્ષાબંધન પર્વ અને ૧૬ ઓગસ્‍ટે જન્‍માષ્ટમી પર્વ સહિત વિવિધ પર્વોની ઉજવણી થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના શિવમંદિરોમાં શ્રાવણ માસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનેક ભકતો અમાસથી શિવપૂજા સાથે શ્રાવણની ઉપાસના શરૂ કરશે.

ગત વર્ષે શ્રાવણ માસ વેળા પાંચ સોમવારનો સંયોગ જોવા મળ્‍યો હતો. ગત વર્ષે રક્ષાબંધન અને જન્‍માષ્ટમી પર્વ સોમવારના રોજ હોય ભક્‍તોનો ઉત્‍સાહ ચરમસીમાએ દેખાયો હતો. ચાલુ વર્ષે પણ શિવ આરાધના માટેની હલચલ શરૂ થઇ ગઇ છે. જેમાં શુક્રવારે ૨૫ જુલાઈથી શ્રાવણ માસની શરૂઆત થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જાણીતા શિવમંદિરોમાં ગુરુવારે અમાસની પૂજા સાથે ઉજવણીનો દોર શરૂ થશે. જ્‍યારે ૨૫ જુલાઈના રોજ શ્રાવદ સુદ એકમથી ભક્‍તોની ભીડ દેખાશે. ૨૩ ઓગસ્‍ટના શનિવારે અમાસ સાથે પૂર્ણાહુતિ થશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ભગવાન શિવની આરાધના માટે સમગ્ર શ્રાવણ માસમાં પૂજા-અર્ચનાનો દોર જોવા મળે છે. શ્રાવણ માસ વેળાએ જ નાગ પાંચમ, રાંધણછક, શીતળાસાતમ, નોળી નોમ, પુત્રદા એકાદશી, પવિત્રા બારસ, રક્ષાબંધન, જન્‍માષ્ટમી પર્વની ઉજવણી થશે

શિવભક્‍તિ સાથે વિવિધ પર્વોની ઝાકમઝોળ

જ્‍યોતિષીના જણાવ્‍યા મુજબ, શુક્રવારે પુષ્‍યનક્ષત્રમાં શ્રાવણ માસની ઉજવણી શરૂ થશે. તેમાં ૨૫ જુલાઇએ મહાલક્ષ્મી-જીવંતિકા પુજન, ૨૭મીએ હરિયાળી ત્રીજ, ૨૮મીએ વિનાયક ચતુર્થી, ૨૯મીએ નાગ પંચમી, ૩૦મીએ રાંધણછઠ્ઠ ૩૧મીએ શીતળાસાતમ, ૧ ઓગસ્‍ટે દુર્ગાષ્ટમી, ૩ ઓગસ્‍ટે બગીચાનોમ, ૫ ઓગસ્‍ટે પવિત્ર એકાદશી, ૬ઠ્ઠીએ પવિત્રા બારસ, ૯મીએ શનિવારી પુનમ સાથે રક્ષાબંધન ૧૨મીએ બોળચોથ, ૧૪મીએ રાંધણછઠ્ઠ ૧૫મીએ શીતળાસાતમ, ૧૬મીએ જન્‍માષ્ટમી, ૧૭મીએ નંદ મહોત્‍સવ, ૧૯મીએ અજા એકાદશી, ૨૧મીએ શિવરાત્રી, ૨૩મીએ અમાસ વેળાએ શિવપાર્થેશ્વર પૂજાનું સમાપન..

(11:06 AM IST)