<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

દિલ્હી સરકારે વર્તમાન ઇલેક્ટ્રિક વાહન નીતિને આવતા વર્ષે માર્ચ સુધી લંબાવવા નિર્ણય લીધો

વર્તમાન EV પોલિસી સૌપ્રથમ 2020 માં આમ આદમી પાર્ટીના શાસન દરમિયાન રજૂ કરાઈ હતી તેની મુદત ઓગસ્ટ 2023 માં સમાપ્ત થઈ ગઈ હતી.

નવી દિલ્હી : દિલ્હી સરકારે વર્તમાન ઇલેક્ટ્રિક વાહન નીતિને આવતા વર્ષે માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના પરિવહન મંત્રી પંકજ સિંહે જણાવ્યું હતું કે સરકારે વર્તમાન ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિને 31 માર્ચ, 2026 સુધી લંબાવી છે. તેનું કારણ એ છે કે નવી નીતિના ડ્રાફ્ટ પર લોકો પાસેથી સૂચનો લેવામાં આવશે, જેમાં સમય લાગવાની શક્યતા છે.

મંત્રી પંકજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, "મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નીતિનું વિસ્તરણ સૂચિબદ્ધ મુદ્દાઓમાંનું એક હતું અને તેને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "હાલની ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ 31 માર્ચ, 2026 સુધી અથવા નવી નીતિ મંજૂર થાય ત્યાં સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી લંબાવવામાં આવી છે."

હાલની ઇલેક્ટ્રિક વાહન નીતિને આગામી વર્ષ સુધી લંબાવવા પાછળના તર્કને સમજાવતા, તેમણે કહ્યું, "આ પગલાનો હેતુ નાગરિકો, ઉદ્યોગ નિષ્ણાતો, ખાનગી સંગઠનો અને પર્યાવરણીય જૂથો સહિત તમામ હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શને સરળ બનાવવાનો છે." સિંહે કહ્યું કે આ વિસ્તૃત સમયગાળા દરમિયાન, નીતિ સંબંધિત મુખ્ય જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવશે.

દિલ્હીના પરિવહન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "આમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું, EV સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને ડિસ્કાઉન્ટની સમીક્ષા કરવી, સુરક્ષિત ઇ-કચરો અને બેટરી નિકાલ માટે મજબૂત પદ્ધતિઓ વિકસાવવી અને ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને આગળ વધારવામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોની ભૂમિકાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી શામેલ છે."

વર્તમાન EV પોલિસી સૌપ્રથમ 2020 માં આમ આદમી પાર્ટીના શાસન દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તેની મુદત ઓગસ્ટ 2023 માં સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારથી, આ પોલિસીની મુદત ઘણી વખત લંબાવવામાં આવી છે.

(8:18 PM IST)