<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સાવધાન રહો : નકલી લિંક્સથી બચો, ટેક્સ રિફંડના ફાંદામાં ન ફસાઓ: આવકવેરા વિભાગે ચેતવણી આપી

આવકવેરા વિભાગે આવકવેરા રિફંડના નામે આવતા નકલી ઇમેઇલ્સથી સાવધ રહેવા જણાવ્યું :છેતરપિંડી કરનારાઓ આ ઇમેઇલ્સ દ્વારા લોકોની બેંક વિગતો અને વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ

નવી દિલ્હી :આવકવેરા વિભાગે સામાન્ય લોકોને ટેક્સ રિફંડ સંબંધિત એક નવી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. વિભાગે જણાવ્યું હતું કે કેટલાક લોકો આવકવેરા રિફંડના નામે નકલી ઇમેઇલ મોકલીને લોકો પાસેથી તેમની બેંક વિગતો અને વ્યક્તિગત માહિતી માંગી રહ્યા છે.  

    આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે આવકવેરા વિભાગ ક્યારેય કોઈપણ કરદાતાને ઇમેઇલ દ્વારા તેમની બેંક માહિતી અથવા વ્યક્તિગત ડેટા માંગતો નથી. નકલી ઇમેઇલનું ઉદાહરણ આપતા, વિભાગે કહ્યું, "તમારે ટેક્સ રિફંડ માટે મેન્યુઅલી પુષ્ટિ કરવી પડશે" - આવા ઇમેઇલ સંપૂર્ણપણે નકલી છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.

    આવકવેરા વિભાગે ટેક્સ રિફંડની સ્થિતિ તપાસવા માટે ફક્ત સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે જાહેરાત કરી છે કે ITR-2 ફોર્મ હવે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે પહેલાથી ભરેલા ડેટા સાથે ઓનલાઈન ભરી શકાય છે. ITR-2 ફોર્મ ખાસ કરીને વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો (HUF) માટે છે જેમની પાસે મૂડી લાભથી આવક છે પરંતુ કોઈ વ્યવસાયિક કે વ્યાવસાયિક આવક નથી.


 

(10:12 PM IST)