News of Wednesday, 23rd July 2025
વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ પૂરજોશમાં : 'હું પણ પાયાનો પીલર' અભિયાન હેઠળ ૫૦ કરોડનું દાન ૫૦ મિનિટમાં એકત્ર!
જાસપુરમાં વિશ્વની 'નવમી અજાયબી' સમા ૫૦૪ ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિ પર : ૨૦૨૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સંકલ્પ : ૬૦૦ કરોડના દાનની જાહેરાત

સુરત, ૨૩ જુલાઈ, ૨૦૨૫ : શ્રદ્ધા અને સમર્પણના એક અદ્ભુત દાખલારૂપ, મા ઉમિયાની આસ્થાનો વિશ્વભરમાં પ્રસાર કરવાના ભવ્ય સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટ માત્ર એક ધાર્મિક નિર્માણ નથી, પરંતુ તે પાટીદાર સમાજની એકતા, અખૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની રહ્યું છે. આ કાર્યમાં વિશ્વભરના પાટીદારો અને ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને 'હું પણ પાયાનો પીલર' અભિયાન હેઠળ લાખો ભક્તો એક ઈંટનું દાન કરીને આ મહાકાર્યમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. 'વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણમાં મારા પરિવારની પણ એક ઈંટ છે' તેવા ભાવ સાથે મા ઉમિયાના ભક્તો ઉદાર હાથે દાન આપી રહ્યા છે.
વિશ્વ ઉમિયાધામ મંદિરના ૧૫૫૦થી વધુ સ્થંભનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે જગત જનની મા ઉમિયા જ્યાં બિરાજમાન થવાના છે ત્યાં રાફ્ટનું નિર્માણ કાર્ય ચાલુ છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા ૨૦૨૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો ભવ્ય સંકલ્પ લેવામાં આવ્યો છે, જે આ ધાર્મિક અને સામાજિક નિર્માણની પૂર્ણાહુતિનું પ્રતીક બનશે.
દેશ-વિદેશના પાટીદારો દ્વારા ૬૦૦ કરોડના દાનની જાહેરાત
આ ભવ્ય પ્રોજેક્ટ માટે દેશ-વિદેશમાં વસતા પાટીદારો, જેમાં ખાસ કરીને અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા પાટીદારોએ દાન કર્યું છે. કુલ ૬૦૦ કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉપયોગ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયા મંદિર, સ્પોર્ટ્સ સંકુલ, શૈક્ષણિક સંકુલ, NRI ભવન અને આરોગ્ય સંકુલના નિર્માણ માટે કરવામાં આવશે.
૫૦ મિનિટમાં ૫૦ કરોડનું ઐતિહાસિક દાન એકત્ર
આ દાન એકત્રીકરણના ભાગરૂપે એક અનોખો રેકોર્ડ પણ સર્જાયો છે. ફાઉન્ડેશનના પ્રણેતાએ માહિતી આપતા જણાવ્યું કે, સુરતમાં યોજાયેલી એક મીટિંગમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો તથા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રૂપિયા ૧૦૦૦ પ્રતિ એક ઈંટના દાન લેખે ૫ લાખ ઈંટની જાહેરાત કરવામાં આવી હતી, જેના પરિણામે માત્ર ૫૦ મિનિટમાં ૫૦ કરોડનું ઐતિહાસિક દાન એકત્ર થયું હતું. આ ૫ લાખ ઈંટ દાનના સંકલ્પમાં કાળા ચુડા કડવા પટેલ સમાજ, સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ-સુરત, ઉગુ કડવા પટેલ સમાજ, કચ્છ કડવા પટેલ સમાજ અને લાલ ચુડા કડવા પટેલ સમાજ જેવા વિવિધ પાટીદાર સમાજો જોડાયા છે. આ ભવ્ય દાન અભિયાન પાટીદાર સમાજની એકતા અને મા ઉમિયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
